ઉનાકાંડ કેસમાં વેરાવળ એટ્રોસિટી કોર્ટનો મૌખિક દલીલો સાંભળવા ઈનકાર
ઉનાકાંડનો કેસ હાલ વેરાવળ એટ્રોસિટી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે પીડિતોના એડવોકેટ ગોવિંદ પરમારની મૌખિક દલીલો સાંભળવા ઈનકાર કરી દેતા તેની સામે હાઈકોર્ટમાં અરજીની તૈયારીઓ કરાઈ છે.
વર્ષ 2016ના ચકચારી ઉનાકાંડને ગુજરાત જ નહીં ભારતભરના દલિતો ક્યારેક ભૂલી શકે તેમ નથી. ઉનાના મોટા સમઢિયાળા ગામમાં કથિત ગૌરક્ષકો દ્વારા અનુસૂચિત જાતિના ચાર યુવકોને કાર સાથે બાંધી તેમને અસહ્ય માર મારી જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બનાવના પડઘા પડ્યા હતા. આ ઘટના બાદ એકલા ગુજરાતમાં જ ૨૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ૭૪ જેટલા ગુનાઓ નોંધાયા હતા અને ૮ જેટલા ગુનાઓ માત્ર ઉના પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા હતા.
આ કેસમાં આરોપીઓને મદદ કરવામાં પોલીસની પણ ભૂમિકા હતી આથી CID દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા. ૩૩૮ જેટલા સાહેદો ચાર્જશીટમાં દર્શાવેલ હતા જેમાંથી મોટા ભાગના સાહેદોને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારી વકીલ દ્વારા લેખિત દલીલો આપવામાં આવેલ હતી અને એડવોકેટ ગોવિંદ પરમાર દ્વારા તારીખ ૧૦/૬/૨૦૨૪ના રોજ ૧૨૭ પાનાની લેખિત દલીલો આપવામાં આવેલ હતી. આ કેસ મોટાભાગે જજ ચોયથાણી સાહેબ અને ત્યારબાદ દરજી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યારે હાલ આ કેસ જજ જે.જે. પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો છે.
એડવોકેટ ગોવિંદ પરમારના જણાવ્યા પ્રમાણે, “જજ પંડ્યા સાહેબે લેખિત દલીલમાં એવો હુકમ કરેલ છે કે મૂળ ફરિયાદી તરફે રજૂ થયેલ સમગ્ર દલીલ ધ્યાને લેતા તે ખૂબ જ વિસ્તૃત હોવા છતાં અસ્પષ્ટ અને અસંદિગ્ધ હોવાથી દલીલના મુખ્ય મુદ્દા જ રજૂ કરવા. તેમણે ક્યા સાહેદોના પુરાવામાં આરોપીનું નામ ખૂલે છે તે સાહેદનું નામ, નંબર, આંક, ભજવેલ ભાગ, કયા સાહેદના સમર્થન મળે છે એ મુજબના ફોર્મેટમાં દલીલો રજૂ કરવી અને તેમાં જે ચૂકાદાઓ ટાંકવામાં આવ્યા છે તે રજૂ કરવા.”
જો કે, કોર્ટને આખો કેસ યોગ્ય રીતે સમજાવી શકાય એ માટે એડવોકેટ ગોવિંદ પરમારે મૌખિક દલીલો કરવા માટે રજૂઆત કરી હતી. જેની સામે જજ જે. જે. પંડ્યા સાહેબે તમે એટ્રોસિટી એક્ટની કઈ કલમ મુજબ મૌખિક દલીલ કરી શકો તે જણાવવા કહ્યું હતું.
આ પણ વાંચો: હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા
આથી એડવોકેટ ગોવિંદ પરમારે અરજી કરીને તેના સમર્થનમાં લેખિત દલીલોની સાથે મૌખિક દલીલો કરીને જણાવ્યું હતું કે, “અનુસૂચિત જાતિ - જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનિયમ, ૨૦૧૮ ના પ્રકરણ ૪- એ માં ભોગ બનનારાઓ તેમજ સાક્ષીઓના અધિકારો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. કલમ ૧૫- એ(૫) માં જણાવ્યા મુજબ ફરિયાદી અને ભોગ બનનારને સાંભળવા બંધાયેલા છે.”
એટ્રોસિટીના કાયદામાં આટલું સ્પષ્ટ ભાષામાં લખેલું હોવા છતાં જજ જે.જે. પંડ્યા સાહેબ દ્વારા તારીખ ૨૧/૯/૨૦૨૪ના રોજ આ અરજી નામંજૂર કરવામાં આવી છે. જેના કારણે એડવોકેટ ગોવિંદ પરમારે હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું છે અને ત્યાં સુધી આ મામલે ચૂકાદો અનામત રાખવા અરજી કરતા કોર્ટે 15 દિવસનો સમય આપ્યો છે. ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે એડવોકેટ ગોવિંદ પરમાર જરા પણ કચાશ રાખવા માંગતા નથી. એટલે જ તેઓ દરેક મોરચે ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખી રહ્યાં છે. હાલ તેઓ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે તેમાં શું ચૂકાદો આવે છે તેના પર સૌની નજર છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે ઉનાકાંડ કોઈ નાનોમોટો કેસ નથી. વર્ષ 2016માં ચાર દલિત યુવકોને કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં ઢોર માર મારીને સમગ્ર દલિત સમાજની અસ્મિતા પર ઘા કર્યો હતો. આ ઘટનાના વીડિયો આજે પણ જોઈએ ત્યારે હચમચી જવાય છે. બહેન કુમારી માયાવતીએ આ મામલો રાજ્યસભામાં ઉઠાવતા દેશભરના નેતાઓએ ઉનાકાંડના પીડિતોની મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. માત્ર ભારત જ નહીં, વૈશ્વિક મીડિયાએ પણ આ ઘટનાની નોંધ લઈને ગુજરાત સરકાર દ્વારા કથિત ગૌરક્ષકોને મળી રહેલી રાજકીય ઓંથની ઝાટકણી કાઢી હતી. હાલ આ કેસના બધાં આરોપીઓ જામીન પર બહાર છે અને પીડિત પરિવારના ધમકી આપતા રહે છે.
આ કેસ હાલ વેરાવળ એટ્રોસિટી કોર્ટના જજ પંડ્યા સાહેબની કોર્ટમાં ફાઇનલ દલીલ પર છે. પીડિતો તથા ફરિયાદી વતી અમદાવાદના એડવોકેટ ગોવિંદભાઇ પરમારે આ કેસમાં લેખિત દલીલો રજૂ કરતા જજ સાહેબે તેને સ્વીકારી નથી. જજ સાહેબનો આગ્રહ છે કે, તેઓ જે ફોર્મેટમાં આપે તે મુજબ એડવોકેટે લેખિતમાં પોતાની દલીલો આપવી. તેમણે એડવોકેટ ગોવિંદ પરમારને મૌખિક દલીલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આથી આ મામલે ગોવિંદભાઈએ હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી કરવાનું નક્કી કર્યું છે.
નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડના જણાવ્યા પ્રમાણે, હરીરામ વિ. સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે એટ્રોસિટી એક્ટની કલમ 15A (3) અને (5) mandatory છે. કોર્ટ ફરિયાદી કે પીડિતને નોટિસ કરી તેમને સાંભળવા બંધાયેલા છે.
હાલ એડવોકેટ ગોવિંદ પરમાર જે જણાવી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઉનાકાંડના કેસમાં હરીરામ વિ. સત્યનારાયણ કેસના ચૂકાદામાં ટાંકેલી બાબતોનું ઉલ્લંઘન થઈ રહ્યાં લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું ચૂકાદો આપે છે.
આ પણ વાંચો: Exclusive: ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા 7 વરસથી જેલમાં; પરિવાર આર્થિક સંકટમાં, દીકરીએ મદદ માંગી