RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?
RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દેશના વિવિધ વિસ્તારમાંથી હોંશિયાર દલિત બાળકોને કુંભમેળાની ટુર કરાવી રહી છે. શું છે તેની પાછળનો ઉદ્દેશ્ય, આખરે સંઘ દલિત બાળકો સાથે શું કરવા માંગે છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વંચિત વર્ગના લગભગ 8,000 જેટલા વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યો છે, જેમાં મોટાભાગે અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓ સામેલ છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દ્વારા આ આયોજન કરાયું છે. જેનો હેતુ આ બાળકોને હિન્દુ પરંપરાઓથી પરિચિત કરાવવાનો અને તેમને અન્ય ધર્મમાં જતા રોકવાનો છે.
અવધ પ્રદેશની સેવા ભારતી શાળાઓના પ્રશિક્ષક રામજી સિંહે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું કે, "વિદ્યાર્થીઓને 'કુંભ દર્શન' માટે લઈ જવાનો ઉદ્દેશ્ય તેમને ભારતની સમૃદ્ધ પરંપરાઓ અને સંસ્કૃતિ તેમજ મહાકુંભના આધ્યાત્મિક પાસાંથી વાકેફ કરવાનો છે. આનાથી તેમને હિંદુમાંથી ખ્રિસ્તી બનતા અટકાવી શકાશે.”
10 વર્ષથી વધુ ઉંમરના આ દલિત વિદ્યાર્થીઓ કુંભમેળાના મુખ્ય સ્થળોની મુલાકાત લેશે, જેમાં આશ્રમ, અખાડા અને સંગમ ઘાટનો સમાવેશ થાય છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. મેળાના સેક્ટર 9 માં તેમના રોકાણ માટે એક ખાસ કેમ્પ બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારના ૧૪ જિલ્લાઓના લગભગ ૨,૧૦૦ વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન આ ટુરમાં જોડાશે.
RSS ના પદાધિકારીએ શું કહ્યું?
RSSના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકો દલિત સમાજના છે, જેમને સંગઠન "વંચિત સમાજ" કહે છે. અમે ઇચ્છીએ છીએ કે આ બાળકો તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળની સમૃદ્ધિને સમજે. વિદ્યાર્થીઓની આ બેંચની ટુર પુરી થયા પછી ગોરખપુર વિસ્તારની બીજી બેંચ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કુંભની મુલાકાત લેશે, ત્યારબાદ કાશી અને કાનપુર ક્ષેત્રના વિદ્યાર્થીઓ આવશે.
આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ભવિષ્યના પ્રવાસોમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાળકોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને મહા કુંભ મેળા માટે સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં 29 જાન્યુઆરીએ મૌની અમાસની સ્નાન વિધિમાં 8-10 કરોડ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. દર 12 વર્ષે યોજાતો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.
આરએસએસનો ઈરાદો શું છે?
આરએસએસ શા માટે દલિત બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે તેને લઈને બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ સ્પષ્ટપણે માને છે કે આ દલિતોની ભાવિ પેઢીને સંઘ પરિવારની વિચારધારામાં પલોટવા માટેનું ષડયંત્ર છે. ઉત્તરપ્રદેશના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દલિત સમાજમાં જે રીતે સંઘ અને ભાજપની છાપ બંધારણ વિરોધી અને ડો.આંબેડકર વિરોધી હોવાની છાપ દિન પ્રતિદિન મજબૂત બની રહી છે તે જોતા આરએસએસ તેને ખાળવા માટે લાંબાગાળાનું આયોજન કરીને દલિત સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરીને તેમને તેમના જ સમાજ સામે હથિયાર તરીકે વાપરવા માંગે છે. તેના માટે ગામડાઓમાંથી દલિત-બહુજન સમાજના હોંથિયાર વિદ્યાર્થીઓને સંઘની શાખાઓમાં લાવવામાં આવે છે અને પછી ત્યાંથી તેને સંઘની મનુવાદી વિચારધારામાં પલોટવામાં આવે છે. જેથી આગળ જતા તે સંઘની ભાષા બોલે અને તેના કહ્યા પ્રમાણે વર્તે. આ પદ્ધતિથી આરએસએસ અગાઉ પણ અનેક દલિત બાળકોને સંઘ પરિવારમાં ભેળવી ચૂક્યું છે અને કુંભમેળામાં જે બાળકોને લઈ જવાઈ રહ્યાં છે તેમનો પણ છેલ્લે તો આંબેડકરી વિચારધારા સામે જ ઉપયોગ કરાશે.
ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો થયો
બીજી તરફ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ માટે ફ્લાઇટ્સનું બુકિંગ તેમજ હવાઈ ભાડામાં અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટની ટિકિટના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ ixigo ના વિશ્લેષણ મુજબ ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વનવે ભાડું ગયા વર્ષે 2,977 રૂપિયા હતું, તે હવે 498 ટકા વધીને 17,796 રૂપિયા થઈ ગયું છે. આ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ માટે ૩૦-દિવસની એડવાન્સ બુકીંગ તારીખ (APD) પર આધારિત વન વે સરેરાશ ભાડું છે. દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું ૨૧ ટકા વધીને રૂ. ૫,૭૪૮ થયું છે, જ્યારે મુંબઈ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું ૧૩ ટકા વધીને રૂ. ૬,૩૮૧ થયું છે. વિશ્લેષણ મુજબ, બેંગલુરુ-પ્રયાગરાજ ફ્લાઇટ માટે એર ટિકિટનો ભાવ 89 ટકા વધીને રૂ. 11,158 થયો છે, જ્યારે અમદાવાદ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 41 ટકા વધીને રૂ. 10,364 થયું છે. પ્રયાગરાજ નજીકના શહેરો - લખનૌ અને વારાણસી - ના હવાઈ ભાડામાં ત્રણથી 21 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો: કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે