80 દલિત બાળકીઓને મુખ્યમંત્રીની મુલાકાતના કારણે રૂમમાં બંધ કરી દીધી
મુખ્યમંત્રીના કાર્યકર્મને લઈને 80થી વધુ દલિત બાળકીઓને તેમના રૂમમાંથી કાઢી સામાન છત પર ફેંકી દીધો અને એક નાના રૂમમાં પુરી દીધી.

બિહારના વૈશાલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત પહેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણતી 80 દલિત છોકરીઓને તેમના રૂમમાંથી બહાર કાઢી એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી. એટલું જ નહીં તેમનો સામાન પણ છત પર ફેંકી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલને રંગવા અને ફ્લોરિંગ બદલવાની કોસ્મેટિક તૈયારીઓના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટનાએ દલિત સમાજ પ્રત્યે તંત્રની અસંવેદનશીલતા અને સરકારના બેવડા ધોરણોને છતા કરી દીધાં છે. આ મામલે મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ ગુસ્સે થઈ ગયા હતા અને કોઈ નક્કર જવાબ આપી શક્યા નહોતા.
બિહારના વૈશાલી જિલ્લામાં 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રસ્તાવિત પ્રગતિ યાત્રા પહેલા સરકાર અને વહીવટીતંત્રની અસંવેદનશીલતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પટેઢી બેલસરની હોસ્ટેલમાં 80 દલિત અને મહાદલિત છોકરીઓને તેમના રૂમમાંથી બળજબરીથી બહાર કાઢીને એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. તેમનો સામાન છત પર ફેંકી દેવામાં આવ્યો હતો અને રસોડાને ખુલ્લામાં ખસેડવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ પગલું મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન હોસ્ટેલને સુંદર દેખાડવા અને દિવાલોને રંગવા, ફ્લોરની ટાઇલ્સ બદલવા, સોલાર લાઇટ અને મોટી એલઇડી ઇન્સ્ટોલ કરવા જેવા કામો હાથ ધરવા માટે ભર્યું હતું. આ ઘટના માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર નથી કરતી પરંતુ સરકારના વિકાસના દાવાઓ દલિત અને મહાદલિત સમાજ માટે માત્ર શબ્દો પૂરતા સીમિત છે તે પણ દર્શાવે છે.
મુખ્યમંત્રીને આગમનને પગલે દલિત દીકરીઓની પાયાની સુવિધા છીનવી લીધી
મુખ્યમંત્રીની મુલાકાતના કારણે કરવામાં આવી રહેલી તૈયારીઓમાં અધિકારીઓ દ્વારા આ દલિત વિદ્યાર્થીનીઓની પાયાની સુવિધાઓ અને જરૂરિયાતોની સદંતર અવગણના કરવામાં આવી હતી. જે રીતે છોકરીઓને એક રૂમમાં પુરી દેવામાં આવી હતી અને તેમનો સામાન નિર્દયતાથી છત પર ફેંકી દેવામાં આવ્યો હતો, તે અમાનવીય કૃત્ય છે. દલિત છોકરીઓ સાથે આવો વ્યવહાર એ પ્રશ્ન ઊભો કરે છે કે શું દલિત અને મહાદલિત સમાજના બાળકોની ગરિમા અને અધિકારો વહીવટીતંત્રની પ્રાથમિકતાઓમાં સામેલ છે કે નહીં?
મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ નારાજ
જ્યારે મીડિયાએ આ ઘટનાનો પર્દાફાશ કર્યો ત્યારે સ્થળ પર હાજર શિક્ષણ વિભાગના અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે ગુસ્સે થઈ ગયા હતા. અધિકારીઓ દલિત બાળકીઓને રૂમમાં પુરી દેવાની અને તેમની સાથે કરવામાં આવતા ખરાબ વર્તન અંગે નક્કર જવાબ આપી શક્યા નહોતા. આ વલણ માત્ર વહીવટીતંત્રની જવાબદારી પર સવાલો ઉભા કરે છે એટલું જ નહીં, સરકાર અને તેના અધિકારીઓ દલિત અને મહાદલિત સમાજની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે તે પણ દર્શાવે છે.
દલિત સમાજને સતત અન્યાય
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે દલિત અને મહાદલિત સમાજ પ્રત્યે સરકારનું વલણ માત્ર યોજનાઓ અને ભાષણો પૂરતું મર્યાદિત છે. હકીકતમાં તેમના જીવન અને તેમની સમસ્યાઓથી સરકારને કોઈ ફરક નથી પડતો. મુખ્યમંત્રીની મુલાકાતના નામે આવી તૈયારીઓ થઈ રહી છે, જેમાં તે જ યુવતીઓનું સન્માન અને અધિકાર દાવ પર લાગેલા છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકારની પ્રાથમિકતાઓમાં દલિત સમાજ ક્યાંય નથી. જો સરકારી યોજનાઓનો ઉદ્દેશ વંચિત સમાજના ઉત્થાનનો અને તેમનું જીવનધોરણ સુધારવાનો હોય તો આવી ઘટનાઓ શા માટે બની રહી છે? દલિત છોકરીઓ સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે તેમની સુરક્ષા અને ગૌરવ માટે પણ ખતરો છે. આ ઘટના સરકારના દલિતો પ્રત્યેના બેવડા ધોરણને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા