મનુસ્મૃતિ સળગાવવા બદલ 13 વિદ્યાર્થીઓની ધરપકડ કરી જેલમાં પુરી દીધાં
મનુસ્મૃતિ દહન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પુરી દીધાં, જેમાં 3 વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.

મનુસ્મૃતિ દહન દિવસ (Manusmriti Dahan Day) નિમિત્તે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના આર્ટ્સ વિભાગમાં ભગત સિંહ સ્ટુડન્ટ મોરચા દ્વારા આયોજિત ચર્ચામાં ભાગ લેનારા 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી (13 students arrested) જેલમાં મોકલી દીધા છે. તેમાં ત્રણ વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.
અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બાબાસાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર, 1927ના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. દેશભરમાં આ દિવસે દલિત-બહુજન સમાજ જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરે છે. એ રીતે આ પ્રસંગે ભગતસિંહ સ્ટુન્ડ મોરચાના વિદ્યાર્થીઓ ચર્ચા માટે ભેગા થયા હતા. સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું કે ચર્ચા દરમિયાન BHU પ્રોક્ટોરિયલ બોર્ડના ગાર્ડ આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક શરૂ કરી. પહેલા તેમને ઢસડવામાં આવ્યા અને પછી સાંજે 7:30 વાગ્યાની આસપાસ પ્રોક્ટોરિયલ બોર્ડ ઑફિસમાં લઈ જઈને પુરી દીધાં.
એ દરમિયાન વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ હતી, તેમના કપડા ફાટી ગયા હતા અને ચશ્માના કાચ તૂટી ગયા હતા. આ વિદ્યાર્થીઓને મદદ કરવા પહોંચેલા તમામ વિદ્યાર્થીઓની પણ ધક્કા મારીને અટકાયત કરવામાં આવી હતી. એ પછી BHU ગાર્ડ અને વારાણસી પોલીસે મળીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની ધમકીઓ આપી હતી. જેમાં તેમનું ભવિષ્ય બગાડવાની અને જોઈ લેવાની ધમકી પણ સામેલ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના 1000થી વધુ ગામોમાં મનુસ્મૃતિનું દહન કરી સમાનતાનું તોરણ બંધાયું
બાદમાં, અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી તેમની સાથે મારપીટ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં ત્રણ છોકરીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓએ પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને વાંધાજનક ગણાવી છે. તેમનું કહેવું છે કે સાંજ પછી પોલીસ દ્વારા છોકરીઓની અટકાયત એ કાયદાનું ઉલ્લંઘન અને સત્તાનો દુરુપયોગ છે. લંકા પોલીસ સ્ટેશન સતત કહી રહ્યું છે કે 'મામલો ઉપરથી ઉઠાવવામાં આવી રહ્યો છે' એટલે કે ભાજપ, આરએસએસ-એબીવીપી જેવા મનુવાદી-ફાસીવાદી લોકો આ મામલામાં ખુલ્લેઆમ સામેલ છે.
સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ તમામ 13 વિદ્યાર્થીઓને પોલીસે જેલમાં મોકલી દીધા છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં મુકેશ કુમાર, સંદીપ જયસ્વાલ, અમર શર્મા, અરવિંદ પાલ, અનુપમ કુમાર, લક્ષ્મણ કુમાર, અવિનાશ, અરવિંદ, શુભમ કુમાર, આદર્શ, ઇપ્સિતા અગ્રવાલ, સિદ્દી તિવારી અને કાત્યાયની બી રેડ્ડીનો સમાવેશ થાય છે.
આ તમામ વિદ્યાર્થીઓ સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 132/121(2)/196(1)/299/190/191(2)/115(2)/110 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સંગઠને કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારના ડરના કારણે વિદ્યાર્થીઓ પર આ દમન થયું છે. ભગતસિંહ સ્ટુડન્ટ મોરચાએ ફાસિસ્ટ રાજ્યની મનુવાદી પોલીસ દ્વારા કરાયેલી ગેરકાયદેસર કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તમામ પ્રગતિશીલ પક્ષોને તેમની સામે એક થવાની અપીલ પણ કરી છે.
આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં