જમ્મુ કાશ્મીરમાં 10,000 વાલ્મિકી મતદારો પહેલીવાર મતદાન કરશે
10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અહીં વસતા 350થી વધુ વાલ્મિકી પરિવારો 6 દાયકામાં પહેલીવાર મતદાન કરશે. જાણો આખો મામલો.

Jammu Kashmir Essembly Election 2024: કલમ 370 હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પછી જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષની લાંબી રાહ બાદ વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીના માહોલમાં દરેક નાગરિકના મનમાં એક નવી આશા જાગી છે, પરંતુ સૌથી વધુ ઉત્સાહ અહીંના વાલ્મિકી સમાજમાં જોવા મળી રહ્યો છે, જેઓ પહેલીવાર મતદાન કરશે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈન સ્થાનિક પક્ષોથી લઈને ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે અહીં વાલ્મિકી સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે તેઓ 6 દાયકામાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે.
જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં વાલ્મીકિ સમાજના લગભગ 350 પરિવારો વસવાટ કરે છે. કલમ 370 અને 35A હટાવ્યા બાદ તેમને અન્ય નાગરિકોની જેમ તમામ અધિકારો મળ્યા છે. આ પરિવારોના પૂર્વજોને 1957માં તત્કાલિન સરકાર દ્વારા રોગચાળા દરમિયાન સફાઇ કર્મચારી તરીકે કામ કરવા પંજાબથી જમ્મુ લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં લાવવામાં તો આવ્યા, પરંતુ તેમને કોઈ અધિકારો સુદ્ધાં આપવામાં આવ્યા નહોતા.
આ વાલ્મીકિ પરિવારો પંજાબથી આવીને જમ્મુમાં રહેવા લાગ્યા હતા અને હંમેશા માટે જમ્મુના જ થઈ ગયા હતા. તેમ છતાં, તેમને ક્યારેય રાજ્યના કાયમી રહેવાસીઓનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. લોકશાહી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાતા મતદાનથી પણ તેમને વંચિત અને ‘અસ્પૃશ્ય’ રાખવામાં આવ્યા હતા. આ વર્ગ જમ્મુ અને કાશ્મીરમાં સેકન્ડ ક્લાસ નાગરિક તરીકે જીવી રહ્યો હતો. તેઓ રાજ્યના અન્ય રહેવાસીઓ માટે ઉપલબ્ધ તમામ અધિકારોથી પણ વંચિત હતા.
આ પણ વાંચો: અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ
કલમ 370 નાબૂદ થયા બાદ 2020માં વાલ્મીકિ સમાજના લોકોને સ્થાયી નિવાસી તરીકેના પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા હતા. આ ઘટના વાલ્મીકિ સમાજના લોકો માટે એક સ્વર્ણિમ પ્રભાત હતી. તેમને ખરા અર્થમાં દેશના નાગરિક અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી તરીકેના અધિકારો આપવામાં આવ્યા હતા. હવે આ પરિવારોના લગભગ 10,000 સભ્યો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, મતદાનની સાથે-સાથે વાલ્મીકિ સમાજના બાળકો ત્યાં સરકારી નોકરી માટે પણ અરજી કરી શકતા ન હતા, કારણ કે તેમની પાસે કાયમી નિવાસી પ્રમાણપત્ર ન હતું. જેના કારણે તે લોકોમાં ભારે નિરાશા જોવા મળતી હતી. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાલ્મીકિ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાળા-શૌચાલય-ગટરો સાફ કરતાં દલિતોની જે હાલત પાકિસ્તાનમાં છે, તે જ હાલત કલમ 370ના હટ્યા પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પણ હતી. જમ્મુ-કાશ્મીરના કોઈપણ રાજકીય પક્ષે આ માટે અવાજ ઉઠાવ્યો નહોતો.
આ પણ વાંચો: ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો
1957માં જમ્મુ અને કાશ્મીર રાજ્યે વિધાનસભાના આદેશ દ્વારા સફાઇ કર્મચારીઓના નામે વાલ્મીકિ સમુદાયના લોકોને પંજાબના પઠાણકોટ, અમૃતસર, જાલંધર, હોશિયારપુર વગેરે શહેરોમાંથી લાવીને તેમને વિવિધ સ્થળોએ કોલોની બનાવી આપી હતી અને ત્યાં જ તેમની વસાહતો પણ સ્થાપી હતી. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સરકારી દસ્તાવેજોમાં આ નોકરીને ‘ભંગી પેશા’ નામ આપવામાં આવ્યું હતું.
વાલ્મીકિ સમાજના લોકોને સફાઈ સિવાય અન્ય કોઈ કામ કરવાની સત્તાવાર રીતે મનાઈ હતી. દેશ-વિદેશમાંથી ભણેલા આ સમુદાયના લોકો ન તો મેડિકલ કે એન્જિનિયરિંગ જેવા કોઈ સરકારી ઉચ્ચ શિક્ષણ કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લઈ શકતા હતા, ન તો વિધાનસભાની ચૂંટણી લડી શકતા હતા અને ન તો મતદાન પણ કરી શકતા હતા. કલમ 370 હટ્યા બાદ આ તમામ અધિકારો વાલ્મીકિ સમાજના લોકોને આપવામાં આવ્યા છે. આ વખતે તેઓ પહેલીવાર મતદાન પણ કરવા જઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે યોજાશે, જેમાં કુલ ૨૪ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા માટે ૧ ઓક્ટોબરે મતદાન થશે. તે જ સમયે, ૮ ઓક્ટોબરે મતગણતરી પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: દાલોદના સરપંચે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું