દાલોદના સરપંચે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું

આઝાદીનાં 78 વર્ષ પછી પણ જાતિવાદ જેવી ભયંકર બદ્દી લોકોના મનમાંથી જતી નથી. ત્યારે એક નાનકડા ગામના સરપંચે કશી જ હો હા વિના આઝાદીનો અસલ અર્થ સમજાવી દીધો.

દાલોદના સરપંચે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું
image credit - Google images

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ ગયો. નાનીમોટી શાળાઓ, સરકારી કચેરીઓ, ફ્લેટોમાં આઝાદી પર્વની ઉજવણી થઈ. જેમણે દેશની આઝાદીમાં અંગ્રેજોનો સાથ આપ્યો હતો તેવા લોકો ઉછળી ઉછળીને આઝાદી દિવસની યાત્રાઓ કાઢી રહ્યાં છે, પણ ધરાતલના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તેમને જરાય રસ નથી. આઝાદીનો અસલ અર્થ છે છેવાડાના માણસનું સ્વમાન જળવાય, તેને યોગ્ય જીવન મળે અને બંધારણમાં મળેલા તેના હકોનું રક્ષણ થાય. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, આઝાદીના આટલાં વર્ષો પછી પણ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની સ્થિતિ સુધરવાને બદલે વધારે કથળી છે. આભડછેટ, માથે મેલું ઉપાડવું, ગટરમાં ઉતરીને સાફસફાઈ કરવી જેવા કામો આજની તારીખે પણ વાલ્મિકી સમાજ પર થોપી બેસાડવામાં આવ્યા છે. જેના કારણે તેનું દરેક મોરચે અપમાન થાય છે. આવી કપરી પરિસ્થિતિ પ્રવર્તમાન હોય ત્યાં કોઈ વ્યક્તિ આ સમાજની કોઈ દીકરીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આમંત્રણ આપે તો કેવું લાગે?

જી હા, આવી ઘટના ગઈકાલે અમદાવાદ નજીકના એક ગામમાં બની ગઈ. જ્યાં એક વાલ્મિકી સમાજની દીકરીને ગામના સરપંચે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આગળ કરી અને અસમાનતાની ખાઈને પુરવા પોતાના તરફથી પ્રયત્ન કર્યો.

ઘટના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામની છે. અહીં પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના આ અવસરે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવે છે ત્યારે દાલોદ ગામે આઝાદીના 78 વર્ષે પ્રથમવાર વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. અહીં પ્રાથમિક શાળામાં  ધોરણ 4માં અભ્યાસ કરતી રિયાબેન કમલેશભાઈ વાલ્મીકિના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ખરા અર્થમાં આઝાદી જેવું કંઈક લાગે તેવી અનુભૂતિ કરાવી હતી.

આ પણ વાંચો: બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...

દેશમાં સફાઈ કામ કરતા વાલ્મિકી સમુદાયની સતત અવગણના ઉપેક્ષા થતી રહી છે. ત્યારે દાલોદ ગામના સરપંચને નવો વિચાર આવ્યો અને તેમણે તેનો અમલ કર્યો. સામાન્ય રીતે આઝાદીના અવસરે સરપંચના હોદ્દા ઉપર બિરાજમાન હોય તે વ્યક્તિ રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય છે. પણ સરપંચ કિશન સિંધવે આ મામલે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ આ વર્ષે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવશે. આથી તેમણે તેને અમલમાં મૂક્યો હતો. એ રીતે ગામમાં પહેલીવાર વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. દીકરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સૌએ સલામી આપી હતી.

આ રીતે સરપંચ કિશન સિંધવે નોખો ચીલો ચાતરીને સમાજમાં ફેલાયેલા ઉંચનીચના ભેદભાવ દૂર કરવા માટે પ્રયાસ કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ દેશમાં સૌથી વધુ શોષણ અને ભેદભાવ વાલ્મિકી સમાજના લોકો સાથે થાય છે. સરકારે તેમના માટે કશું કર્યું નથી. જેના કારણે તેમની સ્થિતિ હજુ પણ જેમની તેમ છે. એવામાં કોઈ ગામમાં વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન થાય તે બહુ મોટી વાત ગણાય. આ રીતે આ ગામ અને તેના પ્રગતિશીલ સરપંચે સામાજિક સમાનતાનો એક નવો સંદેશો આપ્યો છે. તેમના આ પગલાંની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.

આ અનોખા વિચાર અંગે પૂછતા દાલોદ ગામના સરપંચ કિશન સિંધવ કહે છે, મેં તો મારા મનમાં વિચાર આવ્યો તેનો અમલ કર્યો છે. જો આવી જ રીતે દરેક ગામના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્ય, સાંસદો છેવાડાના લોકો આગળ લાવવા નાનું અમથું પણ પગલું ભરશે તો ધીરેધીરે અસ્પૃશ્યતા જેવી બદ્દી સમાજમાંથી દૂર થશે. મેં શરૂઆત કરી દીધી છે અને આગળ પણ તક મળ્યે આ રીતે તેને અમલમાં મૂકતો રહીશ.

આ પણ વાંચો: કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.