મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ નો 85 મો જન્મદિવસ ઉજવાયો

ડર, ગીધ, ભેલાણ, રાશવા સૂરજ જેવી વિખ્યાત દલિત નવલકથાઓના લેખક દલપત ચૌહાણનો 85 મો જન્મદિવસ અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.

મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ નો 85 મો જન્મદિવસ ઉજવાયો
image credit - Natubhai Parmar

પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે માત્ર ને માત્ર દલિત સાહિત્યને જ સમર્પિત, ગુજરાતના મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણનો બે દિવસ પહેલા 85મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. મનીષ પાઠક શ્વેત પ્રેરિત અમદાવાદ સ્થિત ઓમ કોમ્યુનિકેશન દ્વારા આશ્રમ રોડ પર આવેલા આત્મા હોલમાં 'શબ્દજ્યોતિ' ઉપક્રમ અન્વયે પોતાના સંઘર્ષભર્યા જીવનકાળ અને સાહિત્યસફર પર પુરી ૯૦ મિનિટ સુધી દલપતભાઈએ દિલ ખોલીને વાતો કરી હતી. 

એમના જન્મદિનના અવસરે કાર્યક્રમ દરમિયાન બર્થ ડે કેક કાપીને સાહિત્યભાવકોની વચ્ચે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સર્વશ્રી મોહન પરમાર, સતીશ વ્યાસ, રાઘવજી માધડ, કિશોર ગૌડ, મહેન્દ્રસિંહ, જયંત ડાંગોદરા, નટુભાઈ પરમાર, કિશોર જિકાદરા, રમણ વાઘેલા, રમણ માધવ, રામ જાસપુરા, પ્રવીણ શ્રીમાળી, આત્મારામ ડોડીયા, નગીન ડોડીયા, ભરત દેવમણી, હિતેન્દ્ર હિતકર સહિત સાહિત્યકારો-સાહિત્યભાવકો સૌ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં દલિત સાહિત્યના આરંભકો પૈકીના એક અને આજે ૮૫ની ઉમરે પણ દલિત સાહિત્ય લેખનમાં સતત રત દલપતભાઈએ ગુજરાતી સાહિત્ય દ્વારા આરંભના તેના અસ્વીકાર પછી, પ્રતિબધ્ધતાના બળે ગુજરાતી દલિત સાહિત્યે આજે પોતાનો મુકામ જે હાંસલ કર્યો છે, તેની સઉદાહરણ વાત કરી હતી. સાથે જ પોતાના વ્યક્તિગત જીવનમાં ડગલે ને પગલે વેઠેલી જાતિવાદી પીડાઓ વિશે પણ તેમણે વાત કરી હતી.

સાહિત્યના ક્ષેત્રે અનેક માન-અકરામ પ્રાપ્ત કરનારા દલપતભાઈનું સાહિત્ય આજે હિન્દી, અંગ્રેજી સહિત દેશની પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થયું છે અને દેશની મહાવિદ્યાલયોમાં તેના અભ્યાસક્રમોમાં પણ સ્થાન પામ્યું છે. અનેક છાત્રો દલપતભાઈના સાહિત્ય પર પી.એચડી. કરી ચૂક્યા છે. કવિતા,વાર્તા, નવલકથા, નાટક, શબ્દકોશ, વિવેચન, આત્મકથા જેવી તમામ વિદ્યાઓમાં સર્જન કરતા રહેલા દલપતભાઈ ગુજરાતી દલિત સાહિત્યની એક યશકલગી છે.

આ પણ વાંચોઃ અમે હોળીના છાણાં નાખવા ન ગયા અને સવર્ણોએ વાસ પર હુમલો કર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.