સંકલ્પ ભૂમિ વડોદરામાં અઢી લાખ બહુજનોએ સાથે મળી શું સંકલ્પ લીધો?

23મી સપ્ટેમ્બરે દેશભરમાંથી અઢી લાખથી વધુ બહુજનો વડોદરા ઉમટી પડ્યા હતા. અનામત બચાવો સંકલ્પ યાત્રા પણ અહીં પહોંચી હતી. ત્યારે બહુજનોએ અહીં શું સંકલ્પ લીધો તે જાણો.

સંકલ્પ ભૂમિ વડોદરામાં અઢી લાખ બહુજનોએ સાથે મળી શું સંકલ્પ લીધો?
image credit - khabarantar.com

01 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ-જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાના ચુકાદા તેમજ ક્રીમીલેયરના સૂચનનો વિરોધ કરવા અને સરકાર દ્વારા લોકસભામાં ખરડો પસાર કરી લાવી આ ચુકાદો નિરસ્ત કરવામાં આવે તે માટે તારીખ 17/9/2024 થી શરૂ કરવામાં આવેલી અનામત બચાવો સંક્લ્પ યાત્રામાં ચાંદખેડા થી સેકડો યોધ્ધાઓ જોડાયા હતા.

આ યાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી 1981 તથા 1985ના અનામત વિરોધી આંદોલનમાં શહીદ થયેલા શહીદો ની ખાંભીઓને સલામ આપી હતી, આ પ્રથમ દિવસે રાત્રે અમરાઈવાડીમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરાઈવાડી ખાતે યોજાયેલી આ જનસભામાં ઘણી જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ યાત્રાને બહોળા પ્રમાણમાં સમર્થન આપ્યું હતું.

તારીખ 18/9/24 યાત્રાના બીજા દિવસે અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, મજુર ગામ ખાતે 1981-85 માં અનામત આંદોલનમાં શહીદ થયેલા શહીદ વીરોની ખાંભીને ફુલ માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. બપોરના ભોજનની વ્યવસ્થા દાણીલીમડાના સાથીઓએ કરી હતી. દાણીલીમડાના સાથીઓએ યાત્રાના તમામ સાથીઓનું પંચશીલનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. બપોર બાદ યાત્રા વાસણા ગુપ્તાનગર વગેરે વિસ્તારમાંથી ફરી વેજલપુર ખાતે રાત્રે રોકાણ કરી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી.

તારીખ 19/9/2024 ના ત્રીજા દિવસે યાત્રા વેજલપુર થી નીકળી સરખેજ ના ફતેપુર થી ધોળકા તાલુકાના વિસલપુર ભાત થઈને કાવીઠા પહોંચે હતી. કાવીઠા ગામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935માં આ ગામની મુલાકાત લીધી હતી  ૧૯૩૫માં આ ગામના લોકોએ તેમના બાળકોને શિક્ષણ આપવા માટે શાળામાં દાખલ કરેલ ત્યારે ગામ લોકોએ શાળાનો બહિષ્કાર કરતા મોટો વિવાદ સર્જાયો હતો અને આ અંગે ગામ લોકોએ બાબા સાહેબ આંબેડકર ને જાણ કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે આ ગામે આવ્યા હતા અને પછી ધોળકા ગયા હતા.

કાવીઠા ગામના લોકોએ બપોરના જમવાની સુંદર વ્યવસ્થા કરી હતી. કાવીઠાથી નીકળી યાત્રા બદરખા,  ચલોડા થઈ ને વીર મેઘમાયા ના જન્મ સ્થળ રનોડા ખાતે પહોંચી હતી, જ્યાં વીર મેઘમાયાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યાત્રા રનોડથી નીકળી ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રાત્રે ધોળકા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. ધોળકા ખાતે આવેલ ત્રાસદ રોડ પર આવેલ ડૉ આંબેડકર ભવન પર રાત્રે જમવાની અને રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રે મોટી સંખ્યામાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં યાત્રા સાથેના સભ્યોએ રોસ્ટર, ક્રીમી લેયર, અનામત વિશે વિગતવાર સમજણ આપી હતી.

ચોથો દિવસ એટલે કે તારીખ 20/9/2014 ના રોજ યાત્રા ધોળકાથી નીકળી વટામણ થઈને ગોલાણા ખાતે પહોંચી હતી. 1985માં ગોલાણા ખાતે શહીદ થયેલા ચાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાત્રા ત્યાંથી રવાના થઈ પાંદડ અને ખાખસર પહોંચી હતી. ખાખસર ખાતે બપોરે જમણવારનું આયોજન ભાનુબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

યાત્રા ખાખસરથી નીકળી ધર્મજ, પેટલાદ અને આણંદ ખાતે પહોંચી હતી. યાત્રા આણંદ ખાતે સફાઈ કામદાર વસાહતમાં  સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં અનામત વર્ગીકરણના ગેરફાયદા અને રોસ્ટર ક્રમાંક અંગે સમજણ આપી હતી. રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા આણંદ ખાતે રાખવામાં આવી હતી.

તારીખ: 21/9/2024 એટલે કે યાત્રાનો પાંચમો દિવસ યાત્રા આણંદ થી નીકળી ચિખોદરા, મોગર, વાસદ, દેરકા, સાકરદા, નેંદસરીથી રણોલી ખાતે પહોંચી રણોલી ખાતે રાત્રે રોકાણ કરવામાં આવ્યું હતું. પદમલા ગામના સાથીઓ બાબુભાઈ વાઘેલા તેમજ ઠાકોરભાઈ વાઘેલા  દ્વારા યાત્રા રોકાણ હોટલમાં એસી રૂમમાં રાત્રે રોકાણની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ

યાત્રાનો છઠ્ઠો દિવસ એટલે કે તારીખ 22/9/2020 ના વડોદરાના વિવિધ વિસ્તાર છાણી જકાતનાકા, બાજવા, ગોરવા, ગોત્રી, સેવાલી, ભાયલી વિગેરે વિસ્તારોમાં ફરી રાત્રે સંકલ્પ ભૂમિ ખાતે રોકાણ કરવામાં આવ્યું હતું. 

યાત્રાનો સાતમો દિવસ એટલે તારીખ 23/9/2024 ના રોજ સંકલ્પ ભૂમિ ખાતે એક વિશાળ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં SC અને ST સમુદાય ના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. સભાની ધ્યાન આકર્ષક બાબત એ હતી કે આદિવાસી લોકો એના પરંપરાગત વેશભૂષામાં મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. 

રવિરાજ બૌદ્ધ, પ્રિતી બૌદ્ધના ગીતોએ વાતાવરણમાં જોશ ભરી દીધો

સભાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશથી પધારેલ કલાકાર રવીરાજ બૌદ્ધ અને પ્રીતિ બૌધ્ધ દ્વારા બહુજન આંદોલન બાબતે ગીતો રજૂ કરી વાતાવરણમાં ઉત્સાહ લાવી દીધો હતો. સભાની શરૂઆતમાં મહિલા આગેવાન મધુબેન કોરડીયાએ અનુસૂચિત જાતિની વિવિધ પેટા જ્ઞાતિઓને એક કરવા પર ભાર મૂક્યો હતો.

બે બેલાડી અને વાંદરાની વાર્તા યાદ રાખજોઃ રાજેશભાઈ નાડિયા

ત્યારબાદ અનુસૂચિત જાતિ પૈકી પછાત જાતી એવી નાડિયા સમુદાયના યુવાન સાથી રાજેશભાઈ નાડિયાએ સરકારની પેટા વર્ગીકરણના ચુકાદા અંગે સમાજને જાગૃત કરી બે બિલાડી અને વાંદરાની વાત યાદ કરાવ્યું ગયું કે પેટા વર્ગીકરણ બે પૈકી કોઈ પણ જૂથને ફાયદો થવાનો નથી પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિની એકતાને ખતરો ખતરો જરૂર છે.

લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારવો જરૂરી છેઃ ડો. નીતિન ગુર્જર સાહેબ

કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર નીતિન ગુર્જર સાહેબ કે જેઓ 1981 તેમજ 1985 ના અનામત આંદોલનમાં ઘણો મોટો ફાળો ભજવી પોલીસની લાઠીઓ ખાઈ માથાફોડી ને જેલવાસ ભોગવેલ છે તેવા આ 80 વર્ષના ક્રાંતિકારી સાથીએ ઉપસ્થિત જન મેદની ને જણાવ્યું હતું કે અમે તમને ગરમ કરવા આવ્યા છીએ. લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારશું અને આ માટે જમીન પર કે ટેબલ પર જે કંઈ પણ વર્ક કરવું પડે તે વર્ક કરવામાં આવશે. ગુર્જર સાહેબના એક એક શબ્દો ઉપસ્થિત જનમેદનીને સોંસરવા ઉતરી જાય તેવા હતા. તેમણે કહેલી વાતોને હાજર લોકોએ ગંભીરતાથી લઈ આગામી દિવસોમાં વધુ આક્રમક રીતે અનામતને બચાવવા માટે લાગી પડવા સંકલ્પ લીધો હતો.

અનામત બચાવો સંકલ્પ યાત્રા આદિવાસી પટ્ટામાં પણ જવી જોઈએઃ નરેન્દ્ર રાઠવા

આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુર વિસ્તારથી પધારેલા આદિવાસી નેતા અને જોરદાર વક્તા માન્ય નરેન્દ્રભાઈ રાઠવાએ ચુકાદા બાબતે જણાવ્યું હતું કે આવા અનેક ચુકાદાઓને કારણે સમાજને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા ચુકાદાના મનઘડંત અર્થઘટનો કરી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની આવનારી પેઢીના ભવિષ્યને નુકસાન કરવા પ્રયાસો થઈ રહ્યા છે. એસ.સી/એસ.ટી. એ એક થઈને જ લડવું પડશે. તેઓએ આગળ જણાવ્યું કે બંધારણ ની પાંચમી સૂચિમાં આપેલા વિશેષ અધિકારોનું પણ આ સરકાર હનન કરી રહી છે. બંધારણ કલમથી તો બચાવીશું પણ જરૂર પડશે તો તીર કામઠાથી પણ બચાવીશું તેવી હાકલ કરી હતી. તેઓએ સભાના સાથીઓને અનુરોધ કર્યો હતો કે હવે પછી આ યાત્રા ટ્રાઇબલ બેલ્ટમાં લઈ જવી જોઈએ.

વડોદરાના સાથી મધુસુદનભાઈ રોહિતે યાત્રાના માધ્યમથી જમીનની સ્તર પર જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. યાત્રાના યુવાન સાથી જગદીશ સોલંકીએ કોલેજીયમ પદ્ધતિને ગેર બંધારણીય ઠરાવી હતી અને કોલેજીયમ પદ્ધતિ રદ કરવા પર ભાર મૂક્યો હતો.

વલસાડ થી પધારેલા આદિવાસી આગેવાન રાજુભાઈ પટેલે કહ્યું હતું કે અમે સાંભળતા હતા કે અમારા વડવાઓ 6 મીટર ની પાઘડી પહેરતા હતા તો એ પાઘડી આજે કેમ નાની થઈ ગઈ છે? કયા શાસકોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે? અનુસૂચિત જનજાતિ તો આપનાર વર્ગ હતો તો પછી એ માંગનાર કેમ બન્યો છે?  છ મીટર ની પાઘડી માંથી લંગોટ પર કેમ આવી ગયો છે તે અંગે મનોમંથન કરવા હાકલ કરી હતી. 

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો અનામત ખતમ કરવાનું ષડયંત્રઃ હેમંત પરમાર

યાત્રામાં સતત સાથે રહેનાર અને યાત્રા દરમિયાન શહેર તેમજ ગામડાના દરેક વિસ્તારોમાં પોતાના તેજાબી વક્તવ્યોથી  યુવાવર્ગનું ધ્યાન ખેંચનાર હેમંત પરમારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે આ ચુકાદા દ્વારા આવનાર પેઢીના ભવિષ્યની નસબંધી કરવામાં આવી છે. ચુકાદા અગાઉ જે રોસ્ટર પોઇન્ટ પર ભરતી કરવામાં આવતી હતી તે હવે આ ચુકાદા પછી લાભ લેનાર વર્ગોની વસ્તી ની ટકાવારી ઘટવાથી અને પેટા વર્ગીકરણ કરવાથી વસ્તીની ટકાવારી ઘટશે એટલે રોસ્ટર પોઇન્ટ પણ નીચે જવાનો છે. જેના કારણે આવનાર પેઢીને સરકારી નોકરી ઓની ભરતી માં જબરજસ્ત નુકસાન જવાનું છે. અનામત સાથે થતાં વારંવાર ની છેડછાડ ને અટકાવવા અનામતને નવમી સૂચિમાં દાખલ કરવા માંગણી કરી હતી તેમજ રોસ્ટરનો ક્રમ જયાંથી અમલ કરવામાં આવે છે તેવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં એસસી એસટી ઓબીસીનો એક પણ અધિકારી ફરજ પર નથી એટલે બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો બિન્દાસથી રોસ્ટર સાથે ચેડાં કરી રહ્યા છે. અનામતને આમ પણ ખાનગીકરણ દ્વારા ખતમ કરવામાં આવી છે અને રહીસહી અનામતને પેટા વર્ગીકરણ દ્વારા ખતમ કરવામાં આવનાર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રદબાતલ કરવા માટે સંસદમાં ખરડો પસાર કરવામાં આવે તેવી માંગણી કરી હતી સાથે સાથે ગુજરાત સરકારમાં રોસ્ટરથી ભરાયેલા તમામ પદો તેમજ તમામ સંવર્ગો પર કઈ કઈ જ્ઞાતિઓની ભરતી થઈ છે તે અંગે  શ્વેતપત્ર બહાર પાડવા પર પણ ભાર મૂક્યો હતો.

યુનિવર્સિટીઓમાં બેઠેલા દ્રોણાચાર્યો આપણાં એકલવ્યોના અંગુઠા કાપી રહ્યાં છેઃ પી.એલ.રાઠોડ

યાત્રાના શરૂઆતથી અંત સુધી સતત સાથે રહેનાર નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી એલ રાઠોડ દ્વારા સુપ્રીમ કોર્ટના ક્રિમિલેયરના સૂચન અંગેની ઝાટકણી કાઢવામાં આવી હતી.  તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે અનામત એ આર્થિક પ્રગતિ માટેનું સાધન નથી પરંતુ શાસન શાસનમાં પ્રતિનિધિત્વ માટેનું માધ્યમ છે. ક્રીમીમીલેયર એ બંધારણનમાં કરેલ અનામતની જોગવાઈની સંકલ્પનાથી વિરુદ્ધ છે. કારણ કે અનુસુચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો ગમે તે વ્યક્તિ ગમે તેટલ ઊંચા હોદ્દા પર પહોંચે તેમ છતાં જાતિ આધારિત અન્યાય તો તેઓની સાથે ચાલુ જ રહે છે.

બાબુ જગજીવનરામ જ્યારે સંરક્ષણ મિનિસ્ટર હતા ત્યારે તેઓના દ્વારા કલકત્તામાં સ્વામી સંપૂર્ણાનંદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે અનાવરણ પછી આ મૂર્તિને અભડાઈ જવાથી પંચદ્રવ્યોથી ધોઈ અને પવિત્ર કરનારા આ જાતિવાદી લોકોના સંતાનો એ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદને મંદિરમાં જતા અટકાવવા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવ્યા ન હતા. આમ એસસી એસટીનો વ્યક્તિ ગમે તેટલા ઊંચા પદ ઉપર પહોંચે પરંતુ જાતિવાદી માનસિકતા વાળા લોકો તો જાતિના આધારે જ મૂલ્યાંકન કરવા ટેવાયેલા છે. 

તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે તો અનામત છોડવા તૈયાર છે પરંતુ તમે પુના કરાર રદ કરી ગોળમેજ ગોળમેજ પરિષદમાંથી મળેલ બેવડા મતાધિકારને પરત આપી દો અને તમારી અનામત પછી લઈ જાઓ.તમે ક્રિમિલેયર લાગુ કરો પણ એ પહેલા કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં રહેલા દ્રોણાચાર્યઓ ને પણ દૂર કરો કે જેઓ આજે એસસી એસટીના હોનહાર વિદ્યાર્થીઓના અંગૂઠા કાપી રહ્યા છે. તમારામાં તેવડ હોય તો હરીફાઈ માટેની સ્ટાર્ટ લાઈન એક સરખી નક્કી કરો અને પછી અમારી સાથે હરીફાઈમાં ઉતરો એવી લલકાર કર્યો હતો.

એસસી, એસટી સાંસદો-ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરવામાં આવશેઃ અશોક ચાવડા

આ યાત્રાના મુખ્ય સંકલ્પકાર એવા અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ જો એસસી એસટી ની પેટા જાતિઓ નો વિકાસ ના થયો હોય તો એની જવાબદારી 75 વર્ષથી શાસન કરનારા સરકારની જમાતના લોકોની છે. સરકારના અલગ અલગ નિગમો જેવા કે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, અતિ પછાત વિકાસ નિગમ, ઠાકોર કોળી વિકાસ નિગમ, આદિજાતિ વિકાસ નિગમ, અલ્પસંખ્યાક વિકાસ નિગમ, વિગેરે અલગ અલગ નિગમોનું બજેટ ભેગું કરીએ તો માંડ 500 કરોડ પણ થતું નથી જ્યારે માત્ર EWS નિગમને 1,000 કરોડનું ફંડ આપવામાં આવે છે. જે આજના શાસકોની આ દેશનાં શોષિતો પ્રત્યેની માનસિકતા દર્શાવે છે. તેઓએ હાજર મેદીની ને ચેતવણી આપતા કહ્યું કે જો તમે જાગૃત નહીં થાઓ તો આવનાર સમયમાં કે જી બાલાકૃષ્ણ પંચ કે જે અનુસૂચિત જાતિમાંથી અન્ય ધર્મમાં પરિવર્તિત થયેલ લોકોને અનુસૂચિત જાતિનો લાભ આપવો કે કેમ તે અંગે સર્વેમાં નીકળ્યા છે તેની લટકતી તલવાર પણ આપણા માથા પર આવી રહી છે. 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ દેશના શાસકોને ખબર છે કે જાતિવાદી શોષણખોર વ્યવસ્થા સામે આ દેશના એસસી એસટીના લોકો જ પડકારરૂપ છે એટલે એમાં વિભાજન કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટ સાથે ગઠબંધન કરી આવા નિર્ણયો કર્યા છે. માત્ર સરકાર અને સુપ્રીમનું ગઠબંધન નથી પરંતુ વિપક્ષનો પણ ગઠબંધન છે તેવા આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર સમયમાં આ યાત્રા આદિવાસી બેલ્ટ તેમજ અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે પણ આહવાનું કર્યું છે. આવનાર સમયમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ જાગૃતિ માટેના કાર્યક્રમો દ્વારા માટે તૈયારી દર્શાવી છે. સાથે સાથે એસસી એસટીમાંથી પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો સંસદ સભ્યોના ઘરે પણ તેનો ઘેરાવ કરવા માટે આવનાર સમયમાં રણનીતિ ઘડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતમાં નિવૃત બેંક અધિકારી ત્રિભુવન વાઘેલા એ સૌનો આભાર માની ભવિષ્યની લડાઈ માટે તૈયાર રહેવા આવવાનું કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન મહેશ જી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંકલ્પ દિવસ નિમિત્તે દેશભરમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો વડોદરા સંકલ્પ ભૂમિ પર ઉમટી પડ્યા હતા. જો કે, આટલી મોટી ઘટના હોવા છતાં મનુમીડિયાએ તેની સમખાવા પુરતી પણ ક્યાંય નોંધ લીધી નહોતી.

આ પણ વાંચો: અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.