DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા

દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક્યા હતા. તેઓ છેલ્લાં 192 દિવસથી આ મુદ્દે ન્યાયની માંગણી સાથે ધરણાં કરી રહ્યા હતા.

DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તે આનું નામ. દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક્યા હતા. તેઓ છેલ્લાં 192 દિવસથી આ મુદ્દે ન્યાયની માંગણી સાથે ધરણાં કરી રહ્યા હતા. પોલીસે તેમને ન્યાય તો ન અપાવ્યો, ઉલટાનું તેમના પર જ કેસ કરી દીધો છે.

દિલ્હી યુનિવર્સિટીની પૂર્વ પ્રોફેસર રિતુ સિંહને ન્યાય આપવાને બદલે પોલીસે ઉલટાનું તેમના પર જ ફરિયાદ દાખલ કરી દીધી છે. રિતુ સિંહનો આરોપ છે કે, યુનિવર્સિટીમાં તેમની સાથે તેમની દલિત જાતિના કારણે ભેદભાવ કરવામાં આવતો હતો અને તેની સામે અવાજ ઉઠાવવાને કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એ પછી તેઓ યુનિવર્સિટી બહાર 192 દિવસ સુધી ધરણાં પર બેસી રહ્યા હતા પણ યુનિવર્સિટી કે તંત્ર તરફથી તેમને કોઈ ન્યાય મળ્યો નહોતો. કંટાળીને તેમણે યુનિ. બહાર ભજીયાની લારી શરૂ કરીને વિરોધ નોંધાવ્યો હતો. એ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા તેમણે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં તેમની માંગણીઓને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. છેલ્લાં કેટલાક સમયથી દેશભરમાં સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરતી વ્યક્તિને જ આરોપી બનાવી દેવાનું જે કાવતરું શરૂ થયું છે તેનો ડૉ. રિતુ સિંહ પણ ભોગ બન્યા છે. 

ઉલટા ચોર કોટવાલનો ડાંટેની કહેવત મુજબ પોલીસે ડૉ. રિતુ સિંહની ન્યાયની માગણી પર ધ્યાન આપવાને બદલે પોલીસ દ્વારા તેમના પર જ કેસ કરી દીધો છે. આ કેસ યુનિવર્સિટીની બહારની જગ્યા પર અતિક્રમણ કરવા અને ત્યાં ભજીયાનો સ્ટોલ લગાવવા બદલ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રો. રિત સિંહના સ્ટોલના કારણે અનધિકૃત વાહનોએ ટ્રાફિકની સમસ્યા સર્જી છે. આથી અમે ટીમ મોકલીને ત્યાંથી સ્ટોલ હટાવવાની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો અને ભારતીય દંડ સંહિતાની કલમ 283 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોણ છે ડૉ. રિતુ સિંહ?

દિલ્હી યુનિવર્સિટીની 28 વર્ષની પૂર્વ મહિલા પ્રોફેસર ડૉ. રિતુ સિંહ દલિત સમાજમાંથી આવે છે. જાતિ ઉત્પીડન અને યુનિવર્સિટીમાંથી ગેરકાયદેસર રીતે હાંકી કાઢવા સામે તેઓ છેલ્લાં 192 દિવસથી યુનિવર્સિટીની બહાર વિરોધ કરી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા તેમની માગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, એ પછી તેમણે યુનિવર્સિટીની બહાર ભજીયાનો સ્ટોલ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ડૉ. રિતુ સિંહને 2019માં દોલતરામ કોલેજમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેને એક વર્ષમાં કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નહોતો.

એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ડૉ. રિતુ સિંહે જણાવ્યું હતું કે, “મારી પાસે નોકરી નથી. મને મારી ડીગ્રી આપનાર યુનિવર્સિટીની બહારના રસ્તા પર મેં ભજીયા તળવાનું શરૂ કર્યું છે. આ મારી આજીવિકા છે. જાતિવાદી તત્વોએ મારી નોકરી છીનવી લીધી, હવે મારે આ કામ કરવાનો સમય આવી ગયો છે. મારા આંદોલનને દબાવવાના ઘણાં પ્રયત્ન થયા. મારા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટોલ 'PHD પકોડેવાલી' આ આંદોલનનો એક ભાગ છે. મેં યુનિવર્સટીના ગેટ પાસે કોઈને અડચણ ન થાય તે રીતે સ્ટોલ શરૂ કર્યો હતો. છતાં બે દિવસ પછી પોલીસે મારી પાસે આવીને મારું લાયસન્સ માંગ્યું હતું. એ પછી તેમણે મને ત્યાંથી સ્ટોલ હટાવી દેવાની ધમકી આપી હતી. તેઓ મને સન્માનજનક રીતે નોટિસ આપી શક્યા હોત, શું મારી સામે કેસ નોંધવો જરૂરી હતો?”

પોલીસ કાર્યવાહી બાદ ડૉ. રિતુ સિંહે ગઈકાલે વિશ્વ મહિલા દિવસ પર ફરીથી યુનિવર્સિટીની બહાર ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2020માં ડૉ. રિતુ સિંહને નિમણૂંક પત્ર આપવામાં આવ્યો નહોતો એટલે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા. જો કે, દેશના સમગ્ર શિક્ષણ જગત પર વર્ષોથી ફક્ત એક જ જાતિના લોકોનું વર્ચસ્વ હોવાથી રિતુ સિંહ જેવી દલિત મહિલાની પ્રગતિને જાતિવાદી તત્વો સાંખી લેતા નથી.

આ પણ વાંચો : ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.