શિવના જળાભિષેક માટે ગંગામાં ડૂબકી મારી જળ ભરવા ગયેલા 11 ડૂબાયા
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ કરૂણ ઘટના સામે આવી છે. જેમાં શિવના જળાભિષેક માટે ગંગામાં જળ ભરવા ગયેલા 11 યુવાનો ડૂબાયા હતા.
ઉત્તર ભારતમાં હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે પહેલા જ સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી પ્રમાણે બિહારના ભાગલપુરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવના અભિષેક માટે ગંગામાં જળ ભરવા ગયેલા 11 લોકો ડૂબ્યા હતા. શિવજીને જળાભિષેક કરતા પહેલા ગંગામાં સ્નાન કરવા ગયેલા 11 મિત્રો અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો કે અચાનક તરવૈયાઓનું ધ્યાન જતા તેઓ તેમને બચાવવા કૂદી પડ્યા હતા. જેમ તેમ કરીને બધાંને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બિહારના ભાગલપુર પાસેના નારાયણપુર તાલુકાના ભવાનીપુર ગામમાં બની હતી.
માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેય મિત્રોના મૃતદેહનો કબજો લઈ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તમામ 11 મિત્રો નવગચિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નયા ટોલા ગામના રહેવાસી હતા. બધાં મિત્રોએ મળીને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરવાનું નક્કી કર્યું હતું. આ માટે બધાં રવિવારે રાત્રે જ પાણી ભરવા માટે ભવાનીપુર પહોંચી ગયા હતા. સોમવારે વહેલી સવારે બધાં ગંગાઘાટ પર પાણી ભરવા આવ્યા અને સ્નાન કરવા લાગ્યા.
આ પણ વાંચો: યુપીની કાવડ યાત્રાના રૂટ પરની નેમપ્લેટનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
એ દરમિયાન આલોક કુમાર નામનો યુવક લપસી પડ્યો અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. બાકીના ૧૦ મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એક પછી એક બધાં પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેના કારણે ગંગા કિનારે હોબાળો મચી ગયો હતો. સારી વાત એ રહી કે ત્યાં કેટલાક તરવૈયાઓ મોજૂદ હતા. તેમણે ભારે મુશ્કેલીથી તમામને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આલોક સહિત ચાર મિત્રોના મોત થઈ ગયા હતા. જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ શિવમ કુમાર (૧૮), સોનુ કુમાર (૧૬), આલોક કુમાર (૧૮) અને સંજીવ કુમાર (૧૭) તરીકે થઈ છે.
માહિતી મળતા જ ભવાનીપુર પોલીસ સ્ટેશનના વડા મહેશ કુમાર, સર્કલ ઓફિસર વિશાલ અગ્રવાલ, આરઓ ભરત કુમાર ઝા અને અન્ય ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની તપાસ આદરી હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતા તમામ ૧૧ મિત્રોના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટના માટે વહીવટીતંત્રને જવાબદાર ગણાવતા કહ્યું કે પોલીસ અને તંત્રને પણ ખબર છે કે શ્રાવણ મહિનામાં ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ જામે છે. આમ છતાં કોઈ ઘાટ પર ન તો બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ન તો બચાવ કાર્ય માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણના પહેલા સોમવારે ૪ લોકોએ વહીવટી તંત્રની આ બેદરકારીની કિંમત પોતાનો જીવ કાઢીને ચૂકવવી પડી છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો