પ્રતિબંધ હોવા છતાં ગટરમાં ઉતરી કામ કરતાં સફાઈ કામદારોના મૃત્યુનો સિલસિલો યથાવત
એક અહેવાલ મુજબ ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા એક મહિનામાં ગટર સાફ કરતી વખતે ઓછામાં ઓછા આઠ કામદારોના મોત થયા છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે સમગ્ર દેશમાં આ પ્રથાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.
22 માર્ચથી 26 એપ્રિલ, 2023 સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગટર સાફ કરતી વખતે ઓછામાં ઓછા આઠ કામદારોના મોત થયા છે. મેન્યુઅલ સફાઈ કામદારોની લગાતાર થતી આ મૃત્યુએ ચિંતા વધારી છે, કારણ કે આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે સમગ્ર દેશમાં આ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે.
ધ હિન્દુના અહેવાલ મુજબ, 22 માર્ચે રાજકોટમાં બે લોકોના મોત થયા હતા; 3 એપ્રિલે દહેજમાં ૩ લોકોના મોત થયા હતા, આ પછી 23 એપ્રિલે ધોળકામાં ૨ અને 26 એપ્રિલે ઉત્તર ગુજરાતના થરાદમાં વધુ ૧ મોત થયું હતું.
તમામ ઘટનાઓ ત્યારે બની જ્યારે કામદારો વિના સલામતી અને સાધનો વગર ગટરો સાફ કરવા એમાં પ્રવેશ્યા અને ગૂંગળામણ અથવા ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી મૃત્યુ પામ્યા. આ મૃત્યુ બાદ પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો હતો, જ્યારે દહેજની ઘટનામાં ખાનગી કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મૃત્યુ પામેલા તમામ કામદારોને ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પર રાખવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટરોની નિમણૂક નાગરિક સંસ્થાઓ અથવા તો સરકારી એજન્સીઓ દ્વારા ભૂગર્ભ ગટર લાઇનની જાળવણી સંબંધિત કામો માટે કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભામાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં ગટરની લાઈનો સાફ કરતી વખતે છેલ્લાં બે વર્ષમાં અગિયાર લોકોનાં મોત થયાં હતાં, આ સંખ્યા તાજેતરના આઠ મૃત્યુથી પહેલાની સંખ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ આ વર્ષે માર્ચમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી, 2021 અને 31 જાન્યુઆરી, 2022 દરમિયાન ગટર સાફ કરતી વખતે સાત સફાઈ કામદારોના મોત થયા હતા, જ્યારે 1 ફેબ્રુઆરી, 2022થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન ચાર સફાઈ કર્મચારીઓના મોત થયા હતા.
જો કે, મેન્યુઅલ સફાઈ કામદારોના અધિકારો માટે કામ કરતા સામાજિક કાર્યકરો અને દલિત સંગઠનોના સમુદાયના નેતાઓ રાજ્ય સરકારના આંકડા પર સવાલ ઉઠાવે છે અને દાવો કરે છે કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે.
ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાએ ધ હિંદુને જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ભૂગર્ભ ગટર લાઇન અથવા મેનહોલ સાફ કરતી વખતે 150 થી વધુ કામદારો મૃત્યુ પામ્યા છે અને તે બધા દલિત અથવા આદિવાસી છે. તાજેતરના રાજકોટ કેસમાં લઘુમતી સમુદાયનો પણ એક વ્યક્તિ છે.".
મૃત્યુના વધારાને પગલે, ગુજરાત કોંગ્રેસના નેતા હિરેન બેંકરે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ને પત્ર લખીને ગુજરાતમાં સફાઈ કામદારોના મૃત્યુની તપાસની માંગણી રાષ્ટ્રીય અધિકાર સંસ્થા દ્વારા કરી છે.
સરકારી નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનું સેપ્ટિક ટાંકી અથવા ગટર અથવા મેનહોલ સાફ કરતી વખતે મૃત્યુ થાય છે, તો મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
જો કે, પીઠડિયાના જણાવ્યા મુજબ, અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવતું નથી અને રાજ્ય એજન્સીઓ અથવા નાગરિક સંસ્થાઓ પણ આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.
સ્થાનિક એનજીઓ માનવ ગરિમાના અગ્રણી કાર્યકર પુરુષોત્તમ વાઘેલાએ તાજેતરમાં મેન્યુઅલ સફાઈ કામદારોના વધતા મૃત્યુના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં કહ્યું, 'ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 11 લોકોના મોત થયા છે. 1993 થી રાજ્યમાં મેલું ઉપાડતા ૩૦૦ થી વધુ કામદારો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત, તેમણે કાયદાના કડક અમલીકરણ અને અધિકારીઓ અથવા ખાનગી કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે 2019માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે ભૂગર્ભ ગટર, સેપ્ટિક ટાંકી અથવા ગટર લાઇનની સફાઈ કરતી વખતે જો કોઈ સફાઈ કામદારનું મૃત્યુ થાય તો સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયા છે અને કોઈપણ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
સરકારી રેકોર્ડ મુજબ મૃત્યુ પામેલા 11 વ્યક્તિઓને વળતર આપવાના પ્રશ્ન પર, સરકારે સ્વીકાર્યું કે હજુ છ પરિવારોને વળતર આપવાનું બાકી છે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
M troyCongratulations