નિકોલમાં ભાજપના વોર્ડ પ્રમુખને વ્યાજખોરે ફટકારી સોનું અને રૂ. 3500 લૂંટી લીધા
વ્યાજખોરો જો સત્તાપક્ષના વોર્ડ પ્રમુખને ખૂલ્લેઆમ ફટકારતા હોય ત્યાં સામાન્ય માણસનું શું ગજું એ સવાલ છે.

અમદાવાદમાં ભાજપના એક વોર્ડ પ્રમુખને વ્યાજખોરે માર મારી સોનાની ચેઈન અને રૂ. 3500 પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. ભાજપના વિરાટનગર વોર્ડના પ્રમુખને વ્યાજખોર માર મારીને સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વોર્ડ પ્રમુખે આરોપી પાસેથી રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેણે રૂ. 35 લાખ ચૂકવ્યા હતા, છતાં આરોપી ઉઘરાણી કરતો હતો. આથી વોર્ડ પ્રમુખે નિકોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોધાવી છે.
નિકોલમાં રહેતા શાંતિલાલ સોજિત્રા કન્સ્ટ્રક્શનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને ભાજપમાં વિરાટનગર વોર્ડમાં પ્રમુખ તરીકે કામ કરે છે. ગત 9 માર્ચ 2020માં તેમણે એક મિત્રના ઓળખીતા વ્યક્તિ નરસિંહભાઇ સિંધવ પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા. તે સમયે તેમણે બે ચેક પણ આપ્યા હતા. દરમિયાન કોરોનાકાળમાં દોઢેક વર્ષ સુધી તેઓ હપ્તા ભરી શક્યા ન હતા. એ દરમિયાન શાંતિલાલે ટુકડે-ટુકડે કુલ રૂ. 35 લાખ ચૂકવ્યા હતા. તેમ છતા નરસિંહ તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાથી રૂ. 1 લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે ગત 27 ઓક્ટોબરે શાંતિલાલની ઓફિસે નરસિંહ આવ્યો હતો અને બંને ખુલ્લી જગ્યામાં બેઠા હતા તે સમયે રૂ. 1 લાખ આપ્યા હતા. જેથી શાંતિલાલે આપેલ ચેક પરત માંગતા આપ્યા હતા.
પરંતુ તે ચેક બીજાના છે જેથી નરસિંહે ઓફિસે પડ્યા છે. ત્યારે શાંતિલાલે ચેક પરત માંગતા શખ્સે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરીને માર મારવા લાગ્યો હતો. બાદમાં નરસિંહ સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ભાગી ગયો હતો. આ અંગે શાંતિલાલે નરસિંહ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
આ પણ વાંચો: વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો