તમે કોઈનું ઘર કેવી રીતે પાડી શકો? બુલડોઝર ન્યાય મુદ્દે સુપ્રીમ કોર્ટ

ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો તોડી પાડવાના જેસીબી જસ્ટિસ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં તેણે અનેક સવાલો કર્યા હતા.

તમે કોઈનું ઘર કેવી રીતે પાડી શકો? બુલડોઝર ન્યાય મુદ્દે સુપ્રીમ કોર્ટ
image credit - Google images

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની યોગી સરકારથી શરૂ થયેલો બુલડોઝર ન્યાય(Bulldozer Justice)નો સિલસિલો અન્ય રાજ્યોમાં પણ ફેલાતા તેની સામે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અનેક અરજીઓ થઈ હતી. આ મામલે આજે સર્વોચ્ચ અદાલતે સુનાવણી હાથ ધરી હતી અને અનેક આકરા સવાલો કર્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કોઈ વ્યક્તિનું ઘર માત્ર એટલા માટે કેવી રીતે તોડી શકાય કે તે આરોપી છે. અરજીમાં નોટિસ વિના મકાનો તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ(Solicitor General) તુષાર મહેતા(Tushar Mehta)એ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ અંગે માર્ગદર્શિકા બનાવીશું. તમામ રાજ્યોએ તેનું પાલન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ હવે 17 સપ્ટેમ્બરે દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી(Bulldozer Justice) પર આગામી સુનાવણી હાથ ધરશે.

જસ્ટિસ બીઆર ગવઈ(Justice BR Gavai)એ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ(Jamiat Ulema A Hind)ની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, 'માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જો તે દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને જણાવ્યા પછી પણ અમને આ મામલે કોઈ ફેરફાર દેખાતો નથી. 

અરજીની સુનાવણી કરી રહેલી બેંચનો ભાગ રહેલા જસ્ટિસ કેવી વિશ્વનાથને કહ્યું કે 'કોઈએ પણ ખામીઓનો લાભ લેવો જોઈએ નહીં. પિતાનો દીકરો જિદ્દી હોય કે આદેશ ન માનનારો હોઈ શકે છે, પણ જો તેના આધારે ઘર તોડવામાં આવે છે તો એ યોગ્ય રસ્તો નથી. અમને લાગે છે કે પક્ષકારોના વકીલ સૂચનો કરે તે યોગ્ય છે, જેથી કોર્ટ માર્ગદર્શિકા ઘડી શકે જે સમગ્ર ભારતીય સ્તરે લાગુ થશે.

આ પણ વાંચોઃ આઝાદીમાં મુસ્લિમોઃ 'જય હિંદ' થી 'સારે જહાઁ સે અચ્છા' સુધી...

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જ્યારે કાયદાનું ઉલ્લંઘન થાય છે ત્યારે મકાનો તોડી પાડવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે ત્યારે જ કાર્યવાહી કરીએ છીએ જ્યારે કાયદાનો ભંગ થાય છે," 

જવાબમાં બેન્ચે કહ્યું, 'પરંતુ ફરિયાદોને ધ્યાનમાં લેતા અમને લાગે છે કે ઉલ્લંઘન થયું છે.' ન્યાયમૂર્તિ વિશ્વનાથને સમગ્ર રાજ્યમાં અનધિકૃત ઇમારતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકાની જરૂરિયાતની પણ નોંધ લીધી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું, 'સૂચનો આવવા દો. અમે અખિલ ભારતીય સ્તરે માર્ગદર્શિકા જારી કરીશું.'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોઈપણ ગેરકાયદે બાંધકામને સંરક્ષણ નહીં આપે. અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરવાનું વિચારી રહ્યાં છીએ. આ કેસની વધુ સુનાવણી આગામી 17 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, બુલડોઝર દ્વારા આરોપીઓના ઘરો તોડી પાડવાનો સિલસિલો યુપીમાંથી શરૂ થયો હતો. જેના બાદમાં ભાજપસાશિત અન્ય રાજ્યોએ પણ અપનાવી લીધો હતો. આરોપ છે કે, બુલડોઝર દ્વારા મોટાભાગે લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઘરો અને સંપત્તિઓ પર જેસીબી ફેરવી દેવામાં આવતું હતું. આવા અનેક મામલાઓ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં સામે આવ્યા હતા. જેમાં કોઈ વ્યક્તિ પર આરોપ સાબિત થવાના બાકી હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય તો પણ તેના ઘર પર જેસીબી મશીન ફરી વળ્યું હોય. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મુસ્લિમ યુવકે ધસમસતા પુર વચ્ચે જીવ જોખમમાં મૂકીને પૂજારીનો જીવ બચાવ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.