એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી-બિલાડીનું રૂપ ધારણ કરે છે...

ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક પરિવારની મહિલા બીજી બે મહિલાઓ પર દ્વેષ-દાઝ રાખી બદનામ કરતી હતી.

એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી-બિલાડીનું રૂપ ધારણ કરે છે...
image credit - Google images

વિજ્ઞાન જાથાએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાવ નકામું ધૂણીને પરિવારની જ બે મહિલાઓને ડાકણ ચીતરીને બદનામ કરતી એક મહિલાનો પર્દાફાશ કરી તેમની પાસે માફી મગાવી હતી. મળતી માહિતી પ્રમાણે વાગરાના કલાદરા ગામની જેલીબેન નામની મહિલા દરગાહમાં હાજરી ભરવા જતી હતી અને ત્યાં ધૂણીને પરિવારની જ બે મહિલાઓ ઉપર ડાકણનો આરોપ મૂકીને બંનેને ફસાવી દેવા પ્રયત્ન કરી હતી. આ મામલે બંને મહિલાના પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા તેમણે જેલીબેન આહિરના ઢોંગનો પર્દાફાશ કર્યો હતો અને ભૂલ કબૂલ કરાવડાવી, માફી મગાવતા મામલો થાળે પડ્યો હતો. સાથે જ તેમણે કોઈ સમસ્યા હોય તો ભૂવા ભારાડી કે દરગાહમાં જવાને બદલે ડોક્ટર પાસે જઈને માનસિક સારવાર લેવી જોઈએ તેવી સલાહ આપવાનું પણ કબૂલ કરાવ્યું હતું.

બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઇ આહિરે જણાવ્યું હતું તેમના કુટુંબી જેલીબેન આહિર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે અને ત્યાં તેમને હાજરી આવતી હોવાથી તેઓ ધૂણવા માંડતા હતા અને પરેશભાઈ તથા ઠાકોરભાઈના મમ્મી જશુબેન અને દેવીબેન બંને ડાકણ છે અને મેલીવિદ્યા જાણે છે તેવું બોલી તેમને બદનામ કરતા હતા. જેલીબેન ધૂણતી વખતે કહેતા બંને રાત પડ્યે બિલાડી અને ઉંદરડી બની મેલી વિદ્યા કરી બધાને હેરાન કરે છે.

આ પણ વાંચોઃ ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ

આ મામલે પરેશભાઈ અને ઠાકોરભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો અને તેમને આ મામલામાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોઇકનો જીવ જાય તે પહેલા સત્ય ઉજાગર કરો, મારી મમ્મી અને બીજી મહિલા નિર્દોષ છે. મેલીવિદ્યા શું કહેવાય તે પણ તેમને ખબર નથી. જેલીબેન માત્ર ઇર્ષા, દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારી મમ્મીને બદનામ કરવા આવું કરે છે.

એ પછી જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર રહી જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઇ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળતા ધૂણવા લાગ્યા હતા અને હાથમાં રહે નહીં તેમ કુદાકુદ કરવા લાગ્યા હતા. એ પછી મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ તેમને પકડીને માંડ માંડ ગાડીમાં બેસાડ્યા હતા. જો કે અહીં પણ તેમણે ધૂણવાનું ચાલુ રાખ્યું હતું. આખરે પોલીસે કડક શબ્દોમાં વાત કરતા તેઓ શાંત પડ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

જાથાના જયંત પંડયાએ જેલીબેન પાસે આ બંને મહિલાઓ ડાકણ હોવાની અને મેલીવિદ્યા જાણતી હોવાની સાબિતી માંગી હતી. પણ જેલીબેન કશા પુરાવા આપી શક્યા નહોતા. આખરે પોલીસનો ડર લાગતા જેલીબેનના પતિ, દીકરો સંજય માફી માગવા લાગ્યા હતા. અંતે જેલીબહેને પોતે ખોટું બોલી રહ્યા હતા અને ઈર્ષા તથા દ્વેષના કારણે આવું કરતા હોવાનું કબૂલ કર્યું હતું. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે તેમને દરગાહમાં જવાથી કોઈ ધૂણું આવતું નહોતું અને તેઓ ખોટેખોટાં ધૂણી રહ્યાં હતા, જેથી લોકો તેમને દૈવીશક્તિ માનીને માન આપે.

આ પણ વાંચોઃ વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    વિજ્ઞાન જાથાનું કામ બહુ ઉચ્ચ કોટિનું કામ છે. એ કામ બિલકુલ વૈજ્ઞાનિક વિચારધારાનું કામ છે, આ કામ દેશના વ્યકિતને એક સાચો નાગરિક બનાવવાના કામમાં એક સાહસી અને પ્રગતિશીલ કદમ કરે છે. અભિનંદન સમગ્ર ટીમને.
    8 months ago