“મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

અયોધ્યામાં કથિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય હથિયાર બનાવીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે ત્યારે ડૉ. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે એક ઓપન લેટર લખીને રામ મંદિરના નિમંત્રણને ઠુકરાવી દીધું છે.

“મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું
Photo credit: Google Images

ચોતરફ રામમંદિરની હોહા મચેલી છે. સત્તાધારીઓના તાનાશાહી વલણ અને બીકને કારણે શરણાગતિ સ્વીકારી ચૂકેલું દેશનું કથિત મુખ્યધારાનું મીડિયા પણ દલાલની ભૂમિકામાં આવીને આ માહોલને ચગાવવામાં બરાબરનું યોગદાન આપી રહ્યું છે. બધું તદ્દન એક તરફી ચાલી રહ્યું છે ત્યારે પણ હજુ કેટલાક લોકો બચ્યાં છે જેઓ આ બધી બાબતોનો સામી છાતીએ વિરોધ નોંધાવી શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ઍડવોકેટ પ્રકાશ આંબેડકર તેમાંના એક છે.


એકબાજુ દેશના દલિત, આદિવાસી, ઓબીસી અને લધુમતી સમાજના બંધારણીય હકો પર દરરોજ કોઈને કોઈ રીતે તરાપ મારવામાં આવી રહી છે, રામ મંદિરની આડમાં એ તમામ સળગતા પ્રશ્નોને ભોંમાં ભંડારી દેવાના પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ અમુક લોકો રામ મંદિરની ધર્મની રાજનીતિને બરાબરને સમજે છે અને તેની સામે ખૂલીને વિરોધ પણ નોંધાવે છે. મહારાષ્ટ્રની વંચિત બહુજન આઘાડીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઍડવોકેટ પ્રકાશ આંબેડકર આવા જ એક વ્યક્તિ છે જેમણે રામમંદિરના નામે ચાલતી ધર્મની રાજનીતિ અને તેની આડમાં ફરી એકવાર ભાજપ-સંઘની કટ્ટર જાતિવાદી સરકારને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો પહોંચે તે માટે માહોલ ઉભો કરવામાં આવતો હોવાની બાબતનો ખૂલીને વિરોધ નોંધાવી રામ મંદિરની કથિત પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને ઠુકરાવી દીધું છે.


ઍડવોકેટ પ્રકાશ આંબેડકરને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય તરફથી અયોધ્યામાં તા. 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાવા જઈ રહેલા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ મળ્યું હતું. જેને પ્રકાશ આંબેડકરે એક ખૂલ્લો પત્ર લખીને સજ્જડ રીતે ફગાવી દીધું છે. પ્રકાશ આંબેડકરે રામ મંદિરના કથિત પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણને ઠુકરાવતા પત્રમાં લખ્યું છે કે, હું આ કથિત સમારંભમાં સામેલ નહીં થાઉં. મારું તેમાં સામેલ નહીં થવા પાછળનું કારણ એ છે કે, ભાજપ આરએસએસે આ સમારંભ પર કબ્જો જમાવી લીધો છે. એક ધાર્મિક સમારંભ ચૂંટણી ફાયદા માટે એક રાજકીય અભિયાન બની ચૂક્યો છે. મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે, “જો રાજકીય પક્ષો ધર્મ, પંથને દેશની ઉપર રાખશે, તો આપણી આઝાદી બીજી વાર ખતરામાં આવી જશે, અને આ વખતે કદાચ આપણે તેને કાયમ માટે ખોઈ દઈશું.” આજે આ ડર સાચો સાબિત થઈ રહ્યો છે. ધર્મ અને પંથને દેશના બંધારણથી પણ ઉપર રાખતા ભાજપ-આરએસએસે રામ મંદિરના આ સમારંભને હડપ કરી લીધો છે. એટલે હું આ સમારંભમાં હાજર રહી શકીશ નહીં. જય ફૂલે, જય સાવિત્રી, જય શાહૂ, જય ભીમ.


ઍડવોકેટ પ્રકાશ આંબેડકરનો આ ખૂલ્લો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સૌ કોઈ તેમના આ નિર્ણયને આવકારી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વડાપ્રધાન દ્વારા અયોધ્યામાં રામ મંદિરનો કથિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેને લઈને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેશભરમાં રામના નામે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના વિવિધ ફાંટાઓ દ્વારા લોકો વચ્ચે જઈને આ બાબતનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેથી આગામી મે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં રામના નામે મતો માંગી શકાય. એક બાજુ દેશમાં બેરોજગારી, મોંઘવારી, બેકારી, કોન્ટ્રાક્ટ પ્રથા, ભ્રષ્ટાચાર જેવા સેંકડો સળગતા મુદ્દાઓને લઈને વર્તમાન કેન્દ્ર સરકાર મૌન સેવીને બેઠી છે. વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ ઓપન પ્રેસ કોન્ફરન્સ કરી નથી, પોતાની જવાબદેહીથી ભાગી રહ્યાં છે, અને બીજી તરફ રામ મંદિરના નામે તેમને અવતારી પુરૂષ તરીકે પ્રોજેક્ટ કરીને આ તમામ સળગતા પ્રશ્નો તરફથી લોકોનું ધ્યાન ભટકાવવી રામ મંદિરના નામે લોકોની ધાર્મિક ભાવનાઓને પંપાળીને રાજકીય લાભ મેળવવા પ્રયત્નો થઈ રહ્યાં છે. દેશમાં દલિતો, આદિવાસીઓ પર અત્યાચારના બનાવો સતત વધતા જઈ રહ્યાં છે, ઓબીસી સમાજની સૌથી વધુ નોકરીઓ ખતમ કરી દેવાઈ છે, લઘુમતીઓને ત્રીજા દરજ્જાના માણસ તરીકે જોવામાં આવી રહ્યાં છે, આ બધી બાબતો પ્રકાશ આંબેડકર સારી રીતે સમજે છે અને એટલે જ તેમણે રામ મંદિરના કથિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.