દારૂના નશામાં ધૂત થઈ કોર્ટમાં ચુકાદો સંભળાવતા જજને સસ્પેન્ડ કરાયા

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની કોર્ટના જજ અનિરુદ્ધ પાઠક દારૂના નશામાં ધૂત થઈને કોર્ટમાં ચૂકાદો આપતા હોવાના આરોપો લાગતા આખરે કાર્યવાહી કરાઈ છે.

દારૂના નશામાં ધૂત થઈ કોર્ટમાં ચુકાદો સંભળાવતા જજને સસ્પેન્ડ કરાયા
image credit - News18 Hindi

સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર પર દેશનું યોગ્ય સંચાલન થાય તેની જવાબદારી રહેલી છે, ખાસ કરીને જજો પાસેથી શિસ્તબદ્ધ વર્તનની અપેક્ષા રખાય છે. પરંતુ મહારાષ્ટ્રના નંદુરબારમાં અનિરુદ્ધ પાઠક નામના એક સિવિલ જજ અનેકવાર દારૂના નશામાં ધૂત થઈને કોર્ટ પરિસરમાં સુનાવણી કરવા માટે આવી જતા હતા. તેમના આવા વર્તન સામે અનેક ફરિયાદો મળતા આખરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેની સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ મામલાની ગંભીરતાને જોતા બોમ્બે હાઈકોર્ટે દ્વારા તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે તેમને રાહત આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, ન્યાયધીશોએ ગરિમા સાથે કામ કરવું જોઈએ અને એવા આચરણ અને વ્યવહારમાં સામેલ ન થવું જોઈએ જેનાથી ન્યાયતંત્રની છબિ પ્રભાવિત થાય.

52 વર્ષીય અનિરુદ્ધ પાઠક નામના જજ સામે દારૂના નશામાં ધૂત થઈને કોર્ટ પરિસરમાં સુનાવણી કરવા માટે પહોંચી જવાના આરોપો લાગ્યા હતા. જેના કારણે તેમને સિવિલ જજ જુનિયર ડિવિઝનના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અનિરુદ્ધ પાઠકે આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયપાલિકા વિભાગ દ્વારા જારી કરવામાં આદેશને પડકાર્યો હતો જેમાં તેમને તેમના પદ પરથી દૂર કરાયા હતા.

આ મામલે હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, ‘ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓએ સન્માન સાથે વર્તવું જોઈએ. તેમણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ન્યાયતંત્રની છબી પર વિપરીત અસર થાય. અનિરુદ્ધ પાઠકને જે આરોપો પર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા તેમાં સમયનું પાલન ન કરવું, વારંવાર રજા પાડવી અને નશામાં ધૂત થઈને જ્યુડિશિયલ એકેડેમીમાં જવા જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. આ પહેલા પણ ઘણાં સ્ટાફ મેમ્બરોએ ફરિયાદ કરી હતી કે અનિરુદ્ધ પાઠક ઘણીવાર દારૂ પીને કોર્ટમાં પહોંચે છે અને ચૂકાદો સંભળાવે છે. આ આરોપોને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ નિર્ણયને પડકારતાં સસ્પેન્ડેડ જજ અનિરુદ્ધ પાઠકે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ એસ ચંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈને કોઈ રાહત આપી ન હતી. બેન્ચે કહ્યું કે જો કોઈ ન્યાયિક અધિકારી ગેરવર્તન કરે છે તો તેમણે એવું ન વિચારવું જોઈએ કે કોર્ટ તેની તરફેણમાં આવશે. બેન્ચે કહ્યું કે સામાન્ય માન્યતા છે કે ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓએ સન્માન સાથે જીવવું જોઈએ. તેઓએ એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય. જો કોઈ ન્યાયાધીશની વર્તણૂક એવી હોય કે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા હોય અને તેની ગરિમા ખરડાઈ રહી હોય તો તેમણે રાહતની અપેક્ષા ન રાખવી જોઈએ. આવા કિસ્સામાં હાઈકોર્ટ મદદ કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, જજ અનિરુદ્ધ પાઠકને માર્ચ ૨૦૧૦માં સિવિલ જજ જુનિયર ડિવિઝન તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેના થોડા સમય બાદ તેમની વિરુદ્ધ ફરિયાદો આવવા લાગી હતી કે તેઓ દારૂ પીને નશાની હાલતમાં જ કોર્ટ પરિસરમાં આવે છે અને ચૂકાદો આપે છે. આવી વ્યાપક ફરિયાદો બાદ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મુખ્ય ન્યાયાધીશે પાઠક વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો હતો. અંતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને ન્યાયાધીશની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

આગળ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.