સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશન અંગેની તમામ અરજીઓ ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે VVPAT અને EVMના સો ટકા ક્રોસ વેરિફિકેશનની માંગણી કરતી તમામ અરજીઓ ફગાવીને EVMને સુરક્ષિત ગણાવ્યું છે. જાણો કોર્ટે બીજું શું કહ્યું.

સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશન અંગેની તમામ અરજીઓ ફગાવી દીધી
image credit - Google images

સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માંગણી અંગેની તમામ અરજીઓ આજે ફગાવી દીધી છે. સાથે જ બેલેટ પેપરની માંગણી અંગેની અરજી પણ ફગાવવામાં આવી છે. કોર્ટના આ ચૂકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT સ્લિપ સાથે ૧૦૦ ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે સહમતિથી આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ- VVPAT નું 100 ટકા મેચ કરવામાં આવશે નહીં. ૪૫ દિવસ સુધી VVPAT ની સ્લિપ સુરક્ષિત રહેશે. એટલે કે ૪૫ દિવસ સુધી ડેટા સુરક્ષિત રહેશે. આ સ્લિપ ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે. કોર્ટનો નિર્દેશ છે કે ચૂંટણી બાદ સિંમ્બોલ લોડિંગ યુનિટ્‌સને પણ સીલ કરવામાં આવે. એ પણ નિર્દેશ અપાયો છે કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત બાદ ટેક્નિક્લ ટીમ દ્વારા ઈવીએમના માઈક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની તપાસ કરાવવાનો વિકલ્પ રહેશે જેને ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે. 

આ ચુકાદો આપતા જસ્ટિસ ખન્નાએ  કહ્યું કે VVPAT વેરિફિકેશનનો ખર્ચો ઉમેદવારોએ પોતે જ ઉઠાવવો પડશે. જો કોઈ સ્થિતિમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ કે ઈવીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું તો તેનો દંડ પણ ભરવો પડશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે કોઈ સિસ્ટમ પર આંખ મીંચીને અવિશ્વાસ કરવાથી શંકા જ પેદા થાય છે. લોકતંત્રનો અર્થ જ વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાનો છે. 

અત્રે જણાવવાનું કે માર્ચ ૨૦૨૩માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ ૧૦૦ ટકા ઈવીએમ મતો અને વીવીપેટની સ્લિપ્સને મેચ કરવાની માંગણીને લઈને અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચુકાદો આપ્યો છે. હાલના સમયમાં વીવીપેટ વેરિફિકેશન હેઠળ લોકસભા ક્ષેત્રની દરેક વિધાનસભા વિસ્તારના ફક્ત પાંચ મતદાન કેન્દ્રોના ઈવીએમ મતો અને વીવીપેટ સ્લિપોને મેચ કરાય છે.

આ પણ વાંચોઃ સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથી: પ્રશાંત ભૂષણ

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECI) એ ૨૦૧૩માં VVPAT એટલે કે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ મશીનો ડિઝાઈન કર્યા હતા. આ બંને એ જ સરકારી કંપનીઓ છે જે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો બનાવે છે. EVM મશીનોનો સૌથી પહેલો ઉપયોગ ૨૦૧૩ની નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયો હતો. ત્યારબાદ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટો પર આ મશીનો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૭ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર EVM મશીનોનો ઉપયોગ આખા દેશમાં થયો હતો. તે ચૂંટણીમાં ૧૭.૩ લાખથી વધુ EVM મશીનોનો ઉપયોગ થયો હતો.

મતદાનની પ્રક્રિયામાં પાદર્શકતા લાવવા માટે EVM ને લાવવામાં આવ્યું હતું. જો કે દેશભરમાં એક આખો વર્ગ ઉભો થઈ ગયો છે જે ઈવીએમને શંકાની નજર જોઈ રહ્યો છે. ખાસ કરીને ભાજપ જે રીતે સત્તા મેળવી રહ્યો છે તેના કારણે વિપક્ષો સહિત અનેક લોકોના મનમાં શંકા જાગી છે. જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે આ પ્રકારના નિવેદનો લોકમુખે ચર્ચાતા રહ્યાં છે. ઘણાં લોકો માનવા લાગ્યા છે કે ભાજપ સત્તાના બળે ઈવીએમમાં ચેડાં કરે છે અને જો ઈવીએમમાં પડેલા તમામ મતોને તમામ વીવીપેટ સાથે મેળવવામાં આવે તો ચોક્કસ આખો ભાંડો ફૂટી જાય તેમ છે. વીવીપેટ મશીન ઈવીએમ સાથે કનેક્ટેડ રહે છે. જેવો મતદાર મત નાખે છે ત્યારે જ એક સ્લિપ નીકળે છે. આ સ્લિપમાં તે ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ હોય છે જેને તેણે મત આપ્યો હોય છે. 

વીવીપેટની સ્ક્રીન પર આ સ્લિપ ૭ સેકન્ડ સુધી જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે મતદાર જોઈ શકે કે તેણે જે ઉમેદવારને મત આપ્યો છે તેને જ તે મળ્યો છે કે નહીં. ૭ સેકન્ડ બાદ આ સ્લિપ વીવીપેટ ના ડ્રોપ બોક્સમાં પડી જાય છે. જ્યારે મતગણતરી થાય છે ત્યારે તમામ વીવીપેટની ગણતરી કરવાને બદલે માત્ર સેમ્પલ ગણવામાં આવે છે, જેના કારણે લોકોના મનમાં શંકા પેદા થઈ છે કે, તેમાં ચેડાં થઈ રહ્યાં છે. વીવીપેટના આ મામલાને હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પડકારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આગળ વાંચોઃ શું EVMમાં ખરેખર ચેડાં થઈ શકે છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Kaushik parmar
    Kaushik parmar
    આજે ટેકનોલોજીના યુગમાં કુદરત જે વસ્તુનું નિર્માણ કરે છે તેમાં માણસ ફેરફાર કરી શકે છે એ તો ઇવીએમ એ તો માણસે બનાવેલું રમકડું છે તેમાં ફેરફાર શક્ય નથી એવું માનવું જ મૂર્ખામી છે..
    2 months ago