Morbi બ્રિજ દુર્ઘટનાનું એક વર્ષઃ આરોપી જયસુખ પટેલને છોડાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે?

Morbi બ્રિજ દુર્ઘટનાનું એક વર્ષઃ આરોપી જયસુખ પટેલને છોડાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે?
Photo By Google Images

મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોનાં મોત થયાને આજે એક વર્ષ થઈ ગયું. જો કે, આ 365 દિવસમાં મૃતકોના પરિવારજનોની ન્યાયની આશાને ઠેસ પહોંચે તેવી એક ઘટના આજકાલ બની રહી છે. જેમાં આરોપી રહેલા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને છોડાવવા માટે છડેચોક પ્રયાસો ચાલી રહ્યા છે. તેના માટે પહેલા રાજકીય, પછી ધાર્મિક અને હવે સામાજિક રીતે પ્રયાસો ચાલુ થઈ ગયા છે. પાટીદાર સમાજ પણ જયસુખ પટેલના સમર્થનમાં આગળ આવ્યો છે. તેમને છોડી મૂકવા સરકારને ભલામણ કરી છે. આ મામલે આગળ આવેલા ત્રણ પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી હોવાને કારણે ખુદ કોંગ્રેસ પાર્ટીએ એમના નિવેદનથી અંતર જાળવીને ખુલાસા કરવા પડ્યા છે.

જયસુખ પટેલના સમર્થનમાં શરૂઆત કોણે કરી?
ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત માટે ઓરેવા કંપની જવાબદાર હોવાનું એસઆઈટીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જેલમાંથી બહાર લાવવા માટે યેનકેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે. તાજેતરમાં મોરબીના નાની વાવડીમાં યોજાયેલી 8 ઓક્ટોબરની કથાનો કથાકાર મોરારિ બાપુનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહે છે કે મોરબી પુલ દુર્ઘટનાના આરોપી પોતાના ઘરે સારી રીતે દીવાળી કરે તેવું મને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક પરિવારે કહ્યું હતું. આ નિવેદનના કારણે વિવાદ થયો હતો કારણ કે મોરારિ બાપુએ આડકતરી રીતે જયસુખ પટેલને છોડાવાની ભલામણ કરી હતી.
મુખ્યમંત્રીને પત્ર લખાયો
ત્યારબાદ જૂનાગઢમાં આવેલા ગાંઠીલા ખાતેના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ નીલેશ ધુલેશિયાએ 17 ઓકટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને છોડી મુકવા ભલામણ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, 'મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે પાટીદાર સમાજનાં મોભી, ભામાશા અને જ્ઞાતિરત્ન સ્વ. ઓધવજીભાઈ પટેલના પુત્ર જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.'
તેમણે ઉમેર્યું હતું કે, 'આ ઝુલતા પુલના સમારકામમાંથી કોઈપણ જાતના આર્થિક ઉપાર્જનનો ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનો ઈરાદો નહોતો. તેઓ માત્ર મોરબીની ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માગતા હતા. આ પરિવારે પ્રત્યેક વર્ષે સમાજના ઉત્કર્ષ માટે ભૂતકાળમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે અને આજે તેમની સ્થિતિ ધરમ કરતાં ધાડ પડી હોય તેવી થઈ છે. આવા આદરપાત્ર સમાજના મોભી પર આ સંકટ સમયે તમામ પાટીદારો ચિંતિત થયા છે.' આ સાથે તેમણે આ કેસની તપાસ યોગ્ય દિશામાં કરવા અને વહેલી તકે જયસુખ પટેલને છોડી મુકવા વિનંતી કરી છે.
ત્રણ પાટીદાર નેતાઓ આગળ આવ્યા
આ પત્ર વાઇરલ થયો એ દરમ્યાન કોંગ્રેસના ત્રણ નેતાઓ પણ જયસુખ પટેલને જેલમાંથી છોડાવવા આગળ આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયા તેમજ ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છે કે મોરબી પુલ દુર્ઘટનામાં સરકારી અધિકારીઓને બચાવવા માટે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. તેમણે આ દુર્ઘટના માટે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ કાર્યવાહીની માગણી કરી છે. 
મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલે લલિત કગથરાએ કહ્યું કે, આ દુર્ઘટના મુદ્દે SITનો રિપોર્ટ એકતરફી છે અને અધિકારીઓને બચાવવા માટે કોન્ટ્રાક્ટરોને હેરાન કરાઈ રહ્યા છે. ઓરેવા કંપનીએ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ કરારના મુદ્દા નક્કી કરી તેનું 100 ટકા પાલન કર્યું હતું તો આ દુર્ઘટના માટે માત્ર ઓરેવા કંપની જ જવાબદાર કેવી રીતે હોઈ શકે તેવો પણ તેમણે સવાલ કર્યો હતો.
મીડિયા રિપોર્ટમાં લલિત વસોયાને એમ કહેતા ટાંકવામાં આવ્યા કે 'મોરબી દુર્ઘટના સમયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં હતી. તેથી સરકારે પોતાની બેદરકારી પર ઢાંકપિછોડો કરવા માટે ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવ્યું છે. સરકાર આ કેસમાં યોગ્ય તપાસ નહીં કરે તો અમે આંદોલન ચલાવીશું અને પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના વડીલો સાથે આગામી મહિને બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરીશું.'
કોંગ્રેસને પણ છાંટા ઊડ્યાં
ઉદ્યોગપતિ આરોપીના સમર્થનમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓના નિવેદનને લીધે કોંગ્રેસની છબી ખરડાઈ હતી. એક ગંભીર ગુનામાં આરોપી એવા જયસુખ પટેલના સમર્થન બદલ કોંગ્રેસ પોતાના પાટીદાર નેતાઓ સામે કોઈ પગલાં લઈ શકે એમ નથી. આખરે આ મામલે 25 ઓકટોબરે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મૌન તોડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે ત્રણ નેતાઓએ જે નિવેદન આપ્યું તે તેમનું વ્યક્તિગત નિવેદન હશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પક્ષ તેમના નિવેદનને સમર્થન આપતો નથી. આ પ્રકારની ઘટનામાં જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કોન્ટ્રાકટર, અધિકારીઓ કે અન્ય કોઈ વ્યક્તિ જે પણ હોય તેની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. એવું અમિત ચાવડાએ કહ્યું હતું.
આ આખો ઘટનાક્રમ અહીં ટાંકવાનો પાછળનો અર્થ ફક્ત એટલો જ કે બહુજન સમાજે તેમાંથી ઘણું બધું શીખવાનું છે. તમે આમાંથી શું સમજણ કેળવો છો તે તમારા પર છોડીએ છીએ.

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.