એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર
આવું નિવેદન કોઈ સડકછાપ ટપોરી કે અભણ હિંદુત્વવાદીએ નહીં પણ મહીસાગર જિલ્લાની મનુવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ આપ્યું છે.

ગુજરાત સહિત દેશભરમાં આઈએસ-આઈપીએસ સ્તરે કઈ હદની મનુવાદી દલિત વિરોધી માનસિકતાના લોકો બિરાજે છે તેની ચર્ચા કરવા જઈએ તો વર્ષો નીકળી જાય તેમ છે. પણ તેનું એક ઉદાહરણ આજે મહીસાગર જિલ્લાની કલેક્ટર નેહાકુમારી દુબેએ પુરું પાડ્યું છે.
કલેક્ટર જેવા પ્રતિષ્ઠિત હોદ્દે બિરાજતા આ જાતિવાદી અધિકારી નેહા કુમારી દુબેએ સમસ્ત દલિત સમાજનું ઘોર અપમાન કરતા કહ્યું છે કે, એટ્રોસિટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે અને તે બ્લેકમેઈલ કરવા માટે કરાય છે. તેમના આ નિવેદનને લઈને હવે સમસ્ત દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને નેહાકુમારીની બરાબરની ઝાટકણી કાઢી હતી અને તેમની સામે આજે સવારે 11 વાગ્યે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અને વિરોધ કરવા માટે લુણાવાડા જવાના છે. મેવાણીએ નેહાકુમારીના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી અને તેની વિરુદ્ધમાં એટ્રોસિટીના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
જિગ્નેશ મેવાણીએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અનુ. જાતિ મોરચના હોદ્દેદારો સાથે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નેહાકુમારીની જાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા અરજદાર વિજય પરમારને પણ હાજર રાખ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, "આઇપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા હાલમાં જ ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન કર્યા બાદ આ બીજી એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના યુવક, જેઓ રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ લઈને આવેલા, તેમની સાથે અત્યંત તોછડી ભાષામાં વાત કરે છે અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરે છે. આ કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી."
મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "કલેક્ટર નેહા કુમારી દુબેએ દલિત સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. સાથે જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરીએ છીએ. જેના માટે આજે અમે લુણાવાડા જઈને વિરોધ કરીશું."
મામલો શું હતો?
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.
અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"
એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી
મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે."
પત્રકારો, વકીલોનું પણ અપમાન કર્યું
આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે." આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ." આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.
મેવાણી, ચૈતર વસાવા, ગુલાબસિંહ ચૌહાણ વિરોધ નોંધાવશે
મહીસાગરની કલેક્ટર નેહાકુમારીની આ તોછડાઈને લઈને સમસ્ત દલિત સમાજ રોષે ભરાયો છે. જેને લઈને આજે દલિત સમાજ મોટી સંખ્યામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં ઈન્દિરા ગાંધી મેદાન લુણાવાડા ખાતે સભા યોજીને જાતિવાદી કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવશે અને તેને સસ્પેન્ડ કરવા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આંદોલન કરશે.
વિરોધ કાર્યક્રમની પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી થઈ
આ કાર્યક્રમની એક ડિજિટલ પત્રિકા પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે, જેમાં કહેવાયું છે કે, "સાથીઓ, મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા ગત તારીખ 23/10/2023 રોજ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ એક દલિત અરજદારને તુચ્છ ભાષામાં અપમાનિત કરી વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તથા દાહોદ મહીસાગરના દલિત-આદિવાસી બ્લેકમેલ કરવા માટે એટ્રોસીટી મુજબની ફરિયાદ કરાવે અને એટ્રોસીટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે તેવું નિવેદન આપવામાં આવેલ હતું. સાથે જ વકીલ અને પત્રકારને ચપ્પલ મારવા જોઈએ જેવી ટિપ્પણી કરી તેમના વ્યવસાયનું અપમાન કરવાનો પ્રયત્ન કરેલો હતો તથા મહિલાઓ 498 મુજબની ખોટી ફરિયાદો કરાવે છે પણ તેવી પણ ટિપ્પણી કરી હતી. ઉપરોક્ત તમામ બાબતો ગેરબંધારણીય છે અને કોઈ પણ ભોગે ચલાવી લેવાય તેવી નથી તો આના વિરોધમાં તારીખ 30/10/2024 ના રોજ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ ના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા અને ગુજરાતના દલિત આદિવાસી આગેવાનો સંગઠનો વકિલો, પત્રકાર તથા ન્યાય પ્રિય જનતાને અવાજ બુલંદ રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌને પોતાની નૈતિક ફરક સમજી આવતીકાલે લુણાવાડા ખાતે ઉપસ્થિત રહેવું."
એકઠા થવાનું સ્થળઃ ઈન્દિરા ગાંધી મેદાન
તારીખઃ 30/10/2024
સમયઃ 11:00 વાગ્યે બુધવાર
આ પણ વાંચો: મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?