અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!

દુનિયાભરમાં શાસકો કેવી કેવી રીતે સત્તા પ્રાપ્ત કરે છે, કરતા આવ્યા છે, તેનું સ્વરૂપ કેવું હોય છે તે બાબતે બૌદ્ધિક વર્ગ પણ બહુ ઊંડો ઉતરતો નથી, ત્યારે તેના વિશે પ્રો. હેમંતકુમાર શાહ વિખ્યાત લેખક રોબર્ટ સ્કિદેલસ્કીના પુસ્તક What is Wrong with Economics ના પ્રકરણ Economics and Powerનો ભાવાનુવાદ રજૂ કરે છે.

અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!

લેખકઃ રોબર્ટ સ્કિદેલસ્કી, ભાવાનુવાદઃ પ્રો. હેમંતકુમાર શાહ

“મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓને આર્થિક ઘટનાઓને સમજાવવા માટે શોષણ અને સત્તા જેવા ખ્યાલો માત્ર નકામા જ લાગ્યા છે એવું નથી, પરંતુ તેમને આવા સંવેદનાત્મક શબ્દો વિશ્લેષણમાં દાખલ કરવામાં ચિંતા થાય છે.” એમ 2001ના નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લિટ્ઝ કહે છે.

કેવી રીતે સત્તા પ્રાપ્ત કરવામાં આવે છે, કેવી રીતે સત્તાનો ઉપયોગ થાય છે અને સત્તાની લોકસ્વીકૃતિ (legitimacy) શું છે એ રાજ્યશાસ્ત્રનો મુખ્ય વિષય છે. અર્થશાસ્ત્રમાં આ વિષયની ગેરહાજરી એકદમ સ્પષ્ટ છે. કમ-સે-કમ કહેવા પૂરતું પણ જેમાં દબાણ ન હોય તેવા સંબંધોનો અભ્યાસ તો અર્થશાસ્ત્ર કરે જ છેઃ જેમ કે, બજારમાં સ્વૈચ્છિક રીતે થતી સોદાબાજી. વાસ્તવિક રાજકીય જગત સત્તાના સંબંધો દ્વારા આકાર પામે છે અને વાસ્તવિક આર્થિક જગત સ્વૈચ્છિક કરારો દ્વારા આકાર પામે છે; ત્યારે શું રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જીવનનાં બે અલગ અલગ ક્ષેત્રો વિષે વાત કરે છે?

રાજકીય અર્થતંત્ર (political economy) એ બંનેને સાથે મૂકવાનો એક પરંપરાગત પ્રયાસ છે. પરંતુ એક વિદ્યાશાખા તરીકે માર્ક્સવાદ સાથે તે જોડાયો તેથી જે બિન-માર્ક્સવાદી અર્થઘટનો હતાં તે સત્તાના સંબંધો અને આર્થિક સંબંધો કેવી રીતે પરસ્પર જોડાયેલા છે તેને વિષે અસ્પષ્ટતા ધરાવતાં થઈ ગયાં. તેને પરિણામે રાજકીય અર્થતંત્રનો અભ્યાસ હાંસિયામાં ધકેલાઈ ગયો. રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એ બંને વિદ્યાશાખાઓ તેમના અલગ અલગ રસ્તે ચાલે છે અને તેમની પોતાની ગુફાઓમાં રહે છે. એ બંનેની વચ્ચે જ જાહેર નીતિઓના મહત્ત્વના પ્રશ્નો ઊભા થતા હોય છે.

અર્થશાસ્ત્રીઓએ આર્થિક સંબંધોમાં સત્તા જે ભૂમિકા ભજવે છે તેને અવગણી છે. આ અવગણના ઈરાદાપૂર્વકની છે. અર્થતંત્રમાં સત્તા કેટલી હદ સુધી વ્યાપ્ત છે તે બાબતને અવગણીને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓએ સત્તાનાં પ્રવર્તમાન માળખાંને અદૃશ્ય બનાવીને મજબૂત બનાવી દીધાં છે.

સત્તા વિશે વાત કરનાર કોઈ પણ વ્યક્તિ માટે સૌ પ્રથમ પડકાર એ છે કે તેનો અર્થ શો થાય છે તે કહેવું. એકદમ સીધા-સાદા શબ્દોમાં કહીએ તો સત્તા એટલે સજા કે ધમકી દ્વારા બીજાને પોતાની ઈચ્છાને તાબે કરવા તે. સત્તા(power) અને સત્તાધિકાર(authority) બંને એક જ નથી. જો કે, એ બંને ખ્યાલો એકબીજાના પર્યાય બને છે ખરા. સત્તાધિકાર એટલે સ્વીકૃત ચારિત્ર્ય, દિમાગ, અનુભવ અથવા હોદ્દાની ઉચ્ચતા મારફતે પ્રસ્થાપિત થાય તે. તેમાં માન્ય અધિકાર આવે છે કે જેનો સ્વીકાર થાય છે. જો કે, ડોક્ટરની પાસે સત્તાધિકાર છે પણ સત્તા નથી. બધી સત્તા કંઈ ગેરકાનૂની (illegitimate) હોતી નથી. તે કાનૂની હોઈ શકે છે તે એ અર્થમાં કે હુકમો કરવાનો કોઈકનો અધિકાર અને તેમનું પાલન કરવાની બીજાની ફરજ એ સામાન્ય રીતે સ્વીકૃત બાબત છે. જો કે, તે કદી પણ સંપૂર્ણતયા કાનૂની હોતી નથી. તેમાં સત્તા જેની પાસે છે તેની ઈચ્છાઓ સામેનો વાસ્તવિક કે સંભવિત એવો કોઈક પ્રકારનો પ્રતિકાર હોઈ શકે છે, કે જેને રોકવો પડે અથવા તો તેને અતિક્રમી જવો પડે. બધા જ સત્તાધિકારને સત્તાથી અલગ પણ પાડી શકાય નહિ. આપણે સત્તાની ઉપરવટ હોય અથવા અલગ હોય એવા કોઈક મહિમાવંત કાનૂન(majesty of law)ની વાત કરી રહ્યા છીએ. પરંતુ આપણે ‘ધનવાનો માટે એક કાયદો છે અને ગરીબો માટે બીજો કાયદો છે’ એવી શંકાને ટાળી શકીએ એમ નથી.

સત્તા વિશેની એક સૌથી પ્રભાવક ચર્ચા બ્રિટિશ સમાજશાસ્ત્રી સ્ટિવન લુક્સ (1941) દ્વારા કરવામાં આવી છે. તેઓ કહે છે કે સત્તાને ત્રણ રીતે સમજવી જોઈએ: સખત સત્તા (blunt power), કાર્યસૂચક સત્તા (agenda power) અને વર્ચસ્વલક્ષી સત્તા (hegemonic power).

સખત સત્તા એ એકદમ સરળ સ્વરૂપની છે. તે બહુ ઓછી વિવાદાસ્પદ છે અને તે ચોક્કસપણે આ ત્રણમાં સૌથી મહત્વનું સ્વરૂપ છે. સખત સત્તા એટલે લમણે બંદૂક અને ગળું દબાવવુંઃ એટલે લોકો જે કરવા ઈચ્છતા નથી અને તમે જે તેમની પાસે કરાવવા માંગો છો તે કરવા માટે લોકો પર દબાણ લાવવાની ક્ષમતા. દબાણની માત્રા જુદી જુદી હોય છે, પરંતુ મૂળ બાબત તો એક જ છે. હું જે ઈચ્છું છું તે તમે નહિ કરો તો હું તમને મારી નાખીશ અથવા તમારી જિંદગીને બહુ જ પીડાદાયક બનાવી દઈશ અથવા બહુ જ મુશ્કેલ બનાવી દઈશ. ઈતિહાસમાં સત્તાનું આ સ્વરૂપ સૌથી વધુ પ્રવર્તમાન રહ્યું છે. તે મોટે ભાગે લશ્કરી સંઘર્ષોની કહાનીઓ છે. પોલેન્ડના લશ્કરી જનરલ રહેલા કાર્લ ક્લોઝ્વિત્ઝ(1780-1831) યુદ્ધની વ્યાખ્યા આ રીતે આપે છેઃ “મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે વિરોધીને ફરજ પાડવા માટે કરવામાં આવતી હિંસા.” આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હજુ પણ યુદ્ધ એક મહત્વનો મુદ્દો છે, જો કે તેનું સ્વરૂપ મિશ્ર થઈ ગયું છે.

કાર્યસૂચક સત્તા એટલે રાજકારણની કાર્યસૂચિ ઉપર અંકુશ ધરાવવાની સત્તા. તે એ છે કે જેમાં નિર્ણય પ્રક્રિયામાં અણગમતા વિચારોને બાકાત રાખવામાં આવે છે. જો તમારાં હિતો સાથે કોઈક વિચારનો મેળ ન ખાતો હોય તો તમે તેની ચર્ચા થતી જ રોકો છો. કોઈક સભામાં જે અધ્યક્ષ હોય છે તે સભાની કાર્યસૂચિ નક્કી કરે છે અને તે ચાલાકીપૂર્વક એની કાળજી રાખે છે કે અણગમતા વિષયની ચર્ચા માટે સમય રહે તે પહેલાં જ સભા પૂરી થઈ જાય! માધ્યમો અને રાજકીય પક્ષો જાહેર ચર્ચાનાં ભાષા અને રંગ(tone) નક્કી કરે છે. તેઓ નક્કી કરે છે કે કયા વિચારો વિષે ચર્ચા ચાલે અને કયા મુદ્દા ઢંકાઈ જાય.

ગ્રીસની નાણાકીય કટોકટી વખતે તેને ઉગારવા માટેની ચર્ચા ચાલતી હતી ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF)ના વડા ક્રિસ્ટિન લેગાર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે,  “પુખ્ત લોકો સાથે જ વાતચીત” કરવાની જરૂર છે. તેમની આ વાત બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. તેમનો ઈશારો ગ્રીસના નાણાં પ્રધાન યાનિસ વારુફકિસ સામે હતો કે જેમને બાલિશ માણસ તરીકે ચીતરવામાં આવ્યા હતા. યાનિસે દેવામાં રાહત વિશે જે દરખાસ્તો રજૂ કરી હતી તેના ઉપર ચર્ચા કરવામાં આવી જ નહોતી. ગ્રીસના કપાળે બંદૂક મૂકવાની ઘડી તો પછી આવી હતી; કે જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગ્રીસમાં લોકમત લેવામાં આવનાર હતો ત્યારે દેશની બેન્કિંગ વ્યવસ્થા જ તોડી પાડી હતી.

એ જ રીતે, જો મોટાં માધ્યમો કાર્યસૂચક સત્તા દ્વારા થતા કાર્યને પ્રસિદ્ધિ આપવાનો ઇનકાર કરે અને રાજકીય પક્ષો તેને માટે દબાણ ન કરે તો ધીમે ધીમે તેમાં લોકોનો રસ ઓછો થઈ જાય છે. લોકો પાનના ગલ્લે કે ચોરે ને ચૌટે  ઊભા ઊભા બડબડાટ કર્યા કરે, પરંતુ મોટે ભાગે તેનાથી કશું વળતું નથી. તેનું એક વિશિષ્ટ ઉદાહરણ વૈશ્વિક સ્થળાંતર છે.

અલબત્ત, આ રીતે, વાસ્તવિક બાબતોને તદ્દન અવગણવાનું સંપૂર્ણપણે શક્ય બનતું નથી, સફળ  થતું નથી. ‘ડેઈલી મેલ’ અને ‘ડેઈલી ટેલિગ્રાફ’ અખબારો દ્વારા સતત લાંબા ગાળા સુધી બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જાય તેને ટેકો આપવામાં આવ્યો હતો; પરંતુ જ્યાં સુધી ડેવિડ કેમેરોન અને જ્યોર્જ ઓસ્બોર્ન સત્તા પર આવ્યા અને તેમને લાગ્યું કે યુરોપ અંગે જે આંતરવિગ્રહ રૂઢિચુસ્ત પક્ષ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે તે લોકમત લીધા સિવાય શાંત નહિ થાય, ત્યાં સુધી એ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો જ નહોતો. એ જ રીતે, રિપબ્લિકન પાર્ટીની અંદરની આરંભિક ચૂંટણીમાં સામાજિક માધ્યમોનો લુચ્ચાઈભર્યો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ ધડાકાભેર આગળ ન આવ્યા ત્યાં સુધી તો તેમને કોઈ ગણતરીમાં લેતું જ નહોતું. ટીવી ચેનલો નાટક કરવામાં જે રસ ધરાવતી હતી તેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. કાર્યસૂચક સત્તાનો ઉપયોગ કરવાની ક્ષમતાની સૌથી મોટી મર્યાદા ભિન્ન ભિન્ન અભિપ્રાયો હોય છે એ છે.  

કાર્યસૂચક સત્તા વર્ચસ્વલક્ષી સત્તા અથવા વિચારધારાકીય સત્તા (ideological power) સાથે બેવડાય છે. એમાં એનો અર્થ ખોટા વિચારોને બાજુ પર મૂકી દેવાનો નથી થતો પણ પોતાના વિચારોથી લોકોના મગજને ભરી દેવાનો થાય છે. વિચારધારાકીય સત્તા અદ્રશ્ય હોય છે, એટલે તેમાં પ્રતિકાર ઊભો થતો નથી. સ્ટિવન લુક્સ તેને “વિચારો, ઈચ્છાઓ, માન્યતાઓ અને તેને પરિણામે પ્રાથમિકતાઓ પરની સત્તા” કહે છે. ફ્રેન્ચ સમાજશાસ્ત્રીઓ પિયર બોર્દૂ (1930-2002) અને મિશેલ ફુકો (1926-1984) બંનેએ રહસ્યમયી વર્ચસ્વ (cryptic domination)ની વાત કરી છે. તેઓ કહે છે કે આ પ્રકારનું વર્ચસ્વ આપણી અંદર અને આપણી આદતોમાં એવું ઘૂસી જાય છે કે આપણે ખરેખર તેને માટે સભાન પણ થઈ શકતા નથી. પ્રચાર કાર્યસૂચક સત્તા અને વર્ચસ્વલક્ષી સત્તા બંનેને ટેકો આપે છે લોકો લાંબે ગાળે કેવી રીતે વિચારે તેનું માળખું તૈયાર કરી આપે છે. તમે પ્રેમપૂર્વક તેને તાબે થાવ છો, ભયથી નહિ. લુક્સ, બોર્દૂ અને ફુકોની વ્યાખ્યાઓ થોડી થોડી જુદી પડે છે ખરી, પણ તેઓ ત્રણેય જે વાત કરે છે તે એ છે કે આપણાં મૂલ્યો અને આપણી વિચાર કરવાની આદતો જેઓ સત્તામાં બેઠા છે તેમનાં હિતોને અનુકૂળ બને તે રીતે ગોઠવી શકાય છે.

(સ્ત્રોતઃ લેખકનું પુસ્તક- What is Wrong with Economics, પ્રકરણઃ Economics and Power)

આ પણ વાંચો : રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.