ગટરની સફાઈ કરતાં કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ.૩૦ લાખનું વળતર આપવું પડશે: સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્નરૂપ આદેશ

ગુજરાત સહિતના રાજ્યોમાં ગટરની સફાઈ વખતે તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક શ્રમિકો અને કર્મચારીઓ અકાળે મોતને ભેટે છે, એવામાં સુપ્રીમ કોર્ટે ગટરમાં સફાઈ વખતે મોતને ભેટતા કે જીવનભરની ખોડખાપણનો ભોગ બનતા મજૂરો-સફાઇ કામદારો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

ગટરની સફાઈ કરતાં કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ.૩૦ લાખનું વળતર આપવું પડશે: સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્નરૂપ આદેશ
image credit - Google images
ગુજરાત સહિતના રાજ્યોમાં ગટરની સફાઈ વખતે તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક શ્રમિકો અને કર્મચારીઓ અકાળે મૃત્યુ પામે છે, એવામાં સુપ્રીમ કોર્ટે ગટરમાં સફાઈ વખતે મોતને ભેટતા કે જીવનભરની ખોડખાપણનો ભોગ બનતા મજૂરો-સફાઇ કામદારો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે જે પણ મજૂરનું ગટરમાં સફાઇ દરમિયાન મોત થાય તેના પરિવારને સરકાર તરફથી ફરજિયાત રૂ. ૩૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાના રહેશે. જ્યારે ગટરની સફાઇ દરમિયાન જો કોઇને કાયમી ખોડખાપણ રહી જાય તો તેવા કિસ્સામાં પીડિતને રૂ. ૨૦ લાખ આપવાના રહેશે.
સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી, જેમાં ગટરમાં સફાઇ કરતી વેળાએ મોતને ભેટતા કર્મચારીઓ ઉપરાંત ગટરના ગેસ અને અન્ય જોખમને કારણે ખોડખાપણનો ભોગ બનતા કર્મચારીઓ કે મજૂરોના હિતો માટે આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. 
આ રિટ પિટિશન સાથે સુપ્રીમ કોર્ટને આવા મજૂરોના મોત અને ઇજાગ્રસ્ત થયેલા કામદારોનો ડેટા પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને માન્ય રાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે તે ગટર સફાઇમાં મોતને ભેટતા કામદારોના પરિવારને રૂ. ૩૦ લાખ, કાયમી ખોડખાપણનો ભોગ બનનારાને રૂ. ૨૦ લાખ જ્યારે અન્ય કોઇ પણ પ્રકારની ખોડખાપણ માટે રૂ. ૧૦ લાખ રૂપિયા વળતર આપે.
માથે મેલું ઉપાડવાનું કામ બંધ કરાવવા કડક આદેશ
સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ એસ. રવીન્દ્ર ભટ્ટ અને અરવિંદ કુમારની બેંચે રાજ્યો અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે દેશમાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે માથે મેલું ઉપાડવાનું કામ કરાવવામાં ન આવે અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. મેન્યૂઅલ સ્કેવેન્જિંગને લઇને સુપ્રીમ કોર્ટે ૧૪ મુદ્દાઓ સાથે રાજ્યો અને કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. સાથે કહ્યું હતું કે દરેક સરકારી એજન્સીઓએ ધ્યાન રાખવાનું રહેશે કે ગટરમાં ઉતરવાથી કોઇ પણ મજૂરનું મોત ન થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કોઇ પણ હાઇકોર્ટને આવી ઘટનાઓનું મોનિટરીંગ કરતા અટકાવવામાં ન આવે.
છેલ્લાં 5 વર્ષમાં ૩૪૭ લોકોનાં મોત થયાં
જુલાઇ ૨૦૨૨માં લોકસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પરથી ગટરમાં ઉતરતા સફાઈકર્મીઓના મોત અંગે મોટો ખુલાસો થયો હતો. એ મુજબ છેલ્લા 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઇ દરમિયાન ઓછામાં ઓછા 347 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 40 ટકા મામલા ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને દિલ્હીના છે.

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.