MP Assembly Election 2023: શું અનુસૂચિત જાતિના મતદારો ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે?

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડાઓ અનુસાર મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિના લોકો સામે અત્યાચારના સૌથી વધુ બનાવો નોંધાયા છે. મતલબ કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધ્યાં છે. ત્યારે રાજ્યમાં બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શું SC મતદારોને રીઝવવામાં સફળ થશે?

MP Assembly Election 2023: શું અનુસૂચિત જાતિના મતદારો ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે?

Madhya Pradesh Assembly Election 2023: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઈને જોરશોરથી રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોએ પણ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે એક રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશમાં દલિત મતદારો સત્તાપક્ષથી નારાજ હોવાનું બહાર આવ્યું છે.

મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિના મતદારો 84 બેઠકોને સીધી અસર કરે છે. SC કેટેગરીના મત ઉમેદવારની જીત કે હારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સાથે સરકાર બનાવવામાં SC મતદારોની પણ મહત્વની ભૂમિકા છે. પરંતુ અહીં દલિતો પર વધતી ગુનાહિત ઘટનાઓની અસર આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે તેમ જાણકારોનું કહેવું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડાઓ અનુસાર મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિ વર્ગના લોકો સામે અત્યાચારના સૌથી વધુ બનાવો નોંધાયા છે. મતલબ કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધ્યાં છે. એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે, રાજ્યમાં બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શું SC મતદારોને રીઝવવામાં સફળ થશે?

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ રાજ્યના અનુસૂચિત જાતિના મતદારોને પોતાની તરફેણમાં કરવાની શરૂઆત કરી દીધી છે. આ માટે ભાજપે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરમાં સંત રવિદાસના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે દલિત વોટબેંક ભાજપના હાથમાં સરકી શકે છે. કેમ કે, દલિત મતદાર હવે સમજી ચૂક્યો છે કે, મંદિરો ગમે તેટલા મોટાં થઈ જાય તેનાથી તેની પાયાની સમસ્યાઓ રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણમાં કશો ફેર પડવાનો નથી. એટલે જ નિષ્ણાતો સત્તાપક્ષ માટે કપરાં ચઢાણ હોવાનું જણાવે છે.

ભાજપનો 200 બેઠકો જીતવાનો દાવો

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. દુર્ગેશ કેસવાણીએ દાવો કર્યો છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં SC અનામત તમામ 35 બેઠકો જીતશે અને 200 બેઠકો જીતીને ફરીથી સરકાર બનાવશે.

બીજી તરફ કોંગ્રેસનો દાવો છે કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને દલિત મતદારોનું સંપૂર્ણ સમર્થન મળશે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા રાહુલ રવિ વર્માએ જણાવ્યું હતું કે, રાજ્યનો અનુસૂચિત જાતિ વર્ગ ભાજપની દલિત વિરોધી નીતિને સમજી ગયો છે. અને આ વખતે અનુસૂચિત જાતિ વર્ગના મતદારો કોંગ્રેસને પસંદ કરશે.

બહુજન સમાજ પાર્ટી(BSP) પણ સક્રિય 

મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટી(BSP) પણ સક્રિય થઈ ગઈ છે. આ વખતે પણ પાર્ટી તમામ 230 સીટો પર ઉમેદવારો ઉભા રાખવાનો દાવો કરી રહી છે. પાછલી ચૂંટણીઓની સરખામણીમાં BSPની વોટ ટકાવારી ઘટીને 5.5 ટકા થઈ ગઈ છે. 2018ની વિધાનસભામાં BSPના માત્ર બે ઉમેદવારો જ ધારાસભ્ય બની શક્યા હતા. અગાઉ 2008માં પાર્ટી પાસે 7 ધારાસભ્યો હતા અને મતદાનની ટકાવારી 8.7 હતી. મતદારોની ટકાવારી ઘટવા છતાં BSP આ વખતે ચૂંટણીમાં જોરદાર દેખાવ કરી રહી છે. બીએસપીનો દાવો છે કે આ વખતે તેમના સમર્થન વિના રાજ્યમાં કોઈપણ પક્ષ સરકાર નહીં બનાવી શકે.

સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી(SP) પણ મધ્યપ્રદેશના ચૂંટણી જંગમાં ઉતરવાની સંપૂર્ણ તૈયારી કરી રહી છે. જો કે હાલમાં એસપીનો એક પણ ધારાસભ્ય વિધાનસભામાં નથી. છેલ્લી 2018ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી માત્ર 1 ટકા વોટ મેળવી શકી હતી. અગાઉ 2013માં પાર્ટીના એક ધારાસભ્ય વિધાનસભામાં હતા. જોકે પક્ષના અમુક નેતાઓ માને છે કે સપા આ વખતે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં દલિતો પર અત્યાચારના સૌથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ હવે ચૂંટણી સમયે રાજકીય પક્ષો અનુસૂચિત જાતિ(SC) વર્ગને આકર્ષવા માટે કોઈ તક છોડતા નથી. રાજ્યમાં સરકાર બનાવવામાં SC કેટેગરીના વોટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં અનુસૂચિત જાતિ માટે અનામત એવી 35 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે 21 બેઠકો છે, જ્યારે 13 સીટો કોંગ્રેસના ખાતામાં છે, તો બસપાની 1 સીટ છે.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.