પેટ્રોલ-ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો
કર્ણાટકમાં ભાજપના એક નેતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ કરી રહ્યાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યાં હતા.
કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને થઈ રહેલા વિરોધ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થતા હોબાળો મચી ગયો છે. નેતાજીના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ભાજપના નેતા એમબી ભાનુપ્રકાશનું ગઈકાલે અવસાન થયું હતું. શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે તેમાં ભાગ લીધો હતો. એ દરમિયાન તેઓ ભાવવધારાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી દેશમાં હાર્ટએટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક લોકો તેની પાછળ કોરોનાની રસી જવાબદાર હોવાનું માને છે.
આ પહેલા ભાનુપ્રકાશ કર્ણાટક ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાનુપ્રકાશે શિવમોગામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને એ દરમિયાન કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, "વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ કારમાં બેઠા તે વખતે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બચાવી શકાયા નહોતા."
આ પણ વાંચો: દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેચાણવેરો વધારીને અનુક્રમે ૨૯.૮૪ ટકા અને ૧૮.૪૪ ટકા કર્યા બાદ આ વિરોધ થઈ રહ્યો છે. આ સુધારા બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૩ રૂપિયા અને ૩.૦૫ રૂપિયાનો વધારો થયો છે. આ નવા ભાવ ૧૫ જૂનથી તાત્કાલિક અમલમાં આવ્યા છે. ભાવ વધારાના વિરોધમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્રએ ૧૫ જૂને કહ્યું હતું કે પાર્ટી સરકારના નિર્ણય સામે સોમવારે (૧૭ જૂન) રાજ્યવ્યાપી વિરોધ કરશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભાનુપ્રકાશ શનિવારે રાજ્યની કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ પછી ભાનુપ્રકાશ પોતાની કારમાં બેસવા જતા હતા ત્યારે બેહોશ થઈ ગયા હતા. આ પછી, ભાજપના કાર્યકરો તેમને ઉતાવળમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એ પછી તેમના મૃતદેહને તેમના વતન મુત્તુર મોકલવામાં આવ્યો છે.
મીડિયાને સંબોધતા કર્ણાટક ભાજપના વડા બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે તેઓ ભાજપના વફાદાર ભાનુપ્રકાશના આકસ્મિક નિધનથી આઘાતમાં છે, જેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા સખત મહેનત કરી હતી. ભાનુપ્રકાશે તેમના છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું. તેમના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે."
આ પણ વાંચો: પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી