તમિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન 7 લોકોના મોત, સેંકડો લોકો ઘાયલ

જલ્લિકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે જે પોંગલના તહેવાર દરમિયાન રમાય છે. જેમાં તોફાની બળદને સ્પર્ધક સાથે બાંધવામાં આવે છે.

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન 7 લોકોના મોત, સેંકડો લોકો ઘાયલ
image credit - Google images

આસ્થા અને પરંપરાના નામે દુનિયાભરમાં અનેક કાર્યક્રમો, ઉત્સવો ઉજવાય છે અને તેમાં પ્રાણીઓનો ખો નીકળી જતો હોય છે. તો અનેક લોકો પણ કારણ વિના તેમાં મોતને ભેટતા હોય છે. આવો જ એક ઉત્સવ એટલે જલ્લિકટ્ટુ, જે તમિલનાડુમાં ઉજવાય છે અને તેમાં લોકો બળદ સાથે દોટ મૂકે છે. તમિલનાડુમાં કાણુમ પોંગલના દિવસે યોજાયેલા જલ્લીકટ્ટુ અને મંજુવીરટ્ટુ કાર્યક્રમોમાં સાત લોકોના મોત (7 death Jallikattu events) થયા છે. મોટાભાગના મૃતકો દર્શકો અને બળદના માલિક હોવાનું કહેવાય છે. અલગ અલગ બે અકસ્માતોમાં પણ બે આખલાના મોત થઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે માહિતી આપી હતી કે પુડુક્કોટ્ટઈમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક બળદનું મોત થયું છે. શિવગંગાના સિરવયાલ મંજુવિરટ્ટુમાં એક બળદ અને તેના માલિકનું મોત થઈ ગયું હતું. સિરવયાલના નાદુવિકોટ્ટાઈ કીલા આવંધિપટ્ટી ગામનો થનેશ રાજા તેના બળદ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. થનેશનો બળદ અખાડામાંથી ભાગીને કંબનુરમાં કૂવામાં પડી ગયો હતો. આ ઘટનામાં બંનેના મોત થયા હતા.

મંજુવિરાટ્ટુમાં બનેલી ઘટનામાં લગભગ ૧૩૦ લોકો ઘાયલ થયા હતા. અહીં ૧૫૦ આખલા અને ૨૫૦ બળદોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દેવકોટ્ટાઈમાં સુબ્બૈયા નામના એક દર્શકને એક બળદે શીંગડા મારી દીધાં હતા. હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું હતું કે મદુરાઈના અલંગનલ્લુરના મેટ્ટુપટ્ટી ગામના રહેવાસી 55 વર્ષીય દર્શક પી પેરિયાસામીને એક તોફાને ચડેલા બળદે ગળામાં શીંગડા ઘૂસેડી દીધાં હતા. મદુરાઈની હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ રીતે આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગના દર્શકો હોવાનું કહેવાય છે.

બીજી તરફ તિરુચિરાપલ્લી, કરુર અને પુડુકોટ્ટાઈ જિલ્લામાં ચાર અલગ-અલગ જલ્લીકટ્ટુ ઇવેન્ટમાં બે દર્શકોના મોત થયા હતા. અહીં બળદ માલિકો સહિત ૧૪૮ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, પુડુક્કોટાઈ જિલ્લામાં લગભગ 19 લોકો ઘાયલ થયા છે.

જલ્લીકટ્ટુ શું છે?

જલ્લીકટ્ટુ એ તમિલનાડુની પરંપરાગત રમત છે. તે 'પોંગલ' દરમિયાન યોજાય છે. આ રમતમાં ખેલાડીઓ તેમના બળદ સાથે દોરડાથી બંધાયેલા હોય છે અને અન્ય સ્પર્ધકો સાથે રેસ લગાવે છે. આ રમત પર મદ્રાસ હાઈકોર્ટે 2006માં પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે પણ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટના આદેશો સામે રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા. જેના કારણે તમિલનાડુ સરકારે વર્ષ 2017 માં આ રમત પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રમતના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોના જૂથોએ સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટમાં ચર્ચા દરમિયાન તમિલનાડુ સરકારે કહ્યું હતું કે આ રમત ફક્ત મનોરંજન માટે નથી. આ રમત સાથે ઇતિહાસ, પરંપરા અને ધાર્મિક શ્રદ્ધા સંકળાયેલી છે.

વર્ષ 2023માં જસ્ટિસ કે.એમ. જોસેફની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જલ્લીકટ્ટુ પર તમિલનાડુ સરકારના નિયમોને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર માને છે કે જલ્લીકટ્ટુ તમિલનાડુની પરંપરા સાથે જોડાયેલું છે, તો અમે પણ એવું જ માનીએ છીએ. પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 2017 (તમિલનાડુ સંશોધન) રમતગમતમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતામાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

આ પણ વાંચો: 12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.