હરિયાણામાં આજથી સરકારી નોકરીઓમાં SC પેટા વર્ગીકરણ લાગુ
દલિતોને 'બટેંગે તો કટેંગે'ની ચર્ચામાં વ્યસ્ત રાખીને હરિયાણામાં ભાજપની નાયબસિંહ સૈનીની સરકારે છાનામાના દલિતોને બાંટી દીધાં.

હરિયાણા સરકારે રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) ના આરક્ષણમાં પેટા-વર્ગીકરણ માટેનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે વિધાનસભામાં આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ હરિયાણામાં સાંજે 5 વાગ્યાથી અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ લાગુ થઈ ગયું છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરિયાણા પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે દલિતોમાં ફાટફૂટ પડાવતા આ વિવાદિત નિર્ણયનો સૌથી પહેલા અમલ કર્યો છે. હરિયાણાની ભાજપ સરકારના આ નિર્ણય પરથી તેમની દલિત વિરોધી હોવાની છાપ વધુ સ્પષ્ટ બની છે. એક બાજુ વડાપ્રધાન મોદીથી લઈને ભાજપના અનેક મોટા નેતાઓ જાહેરમાં વિપક્ષો દલિતોની અનામત ખતમ કરી દેશે તેવી વાતો કરે છે, બીજી તરફ દલિતોમાં ભાગલા પાડી અનામતને ખતમ કરી દેવાનું સૌથી પહેલું પગલું ભાજપની જ સરકારે ઉઠાવ્યું છે. નાયબ સૈનીએ તો સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો એ જ દિવસે તેઓ આ નિર્ણયનો અમલ કરશે તેવી જાહેરાત કરી દીધી હતી. પરંતુ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તેઓ મૌન થઈ ગયા હતા. હવે ફરી જ્યારે તેઓ સત્તામાં પરત ફર્યા છે ત્યારે તેમણે અસલી દલિત વિરોધ રંગ બતાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટ, 2024ના આદેશને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે રાજ્ય સરકારોને SC અને ST અનામતમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી એસસી અને એસટી સમાજોમાં ફરક છે અને કેટલીક જાતિઓ અન્ય કરતાં વધુ પછાત છે.
હરિયાણા સરકારે 18 ઓક્ટોબરે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રચાયેલ હરિયાણા રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે અનુસૂચિત જાતિ અનામતને બે કેટેગરીમાં વિભાજીત કરવાની ભલામણ કરી હતી - અત્યંત પછાત અનુસૂચિત જાતિ (DSC) અને અન્ય અનુસૂચિત જાતિ (OSC).
DSC કેટેગરીમાં 36 જાતિઓનો સમાવેશ થાય છે, જેમાં ધનક, બામિક, મજહબી શીખ, ખટીક જેવી જાતિઓનો સામેલ છે, જેમને સરકારી નોકરીઓમાં અનામતના 50 ટકા હિસ્સાનો લાભ મળશે. જ્યારે OSC કેટેગરીમાં ચમાર, જટિયા ચમાર, રેહગર, રૈગર, રામદાસી, રવિદાસી, જાટવ, મોચી અને રામદાસિયા જેવી જાતિઓનો સમાવેશ થશે.
હરિયાણાની સરકાર આ પગલાને અનુસૂચિત જાતિના નબળા વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માની રહી છે, પણ વાસ્તવમાં તે દલિતોમાં કાયમી વૈમનસ્ય પેદા કરીને તેમને એક થતા રોકવાનું ભયંકર ષડયંત્ર છે એવું દલિત સમાજનો બૌદ્ધિક વર્ગ માને છે. જોવાનું એ રહેશે કે 22 ટકા વસ્તી ધરાવતો હરિયાણાનો દલિત સમાજ આ નિર્ણયને લઈને શું પ્રતિક્રિયા આપે છે.
આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ