ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?
છાશવારે ગૌમાંસ આરોગવાને લઈને દલિતો, મુસ્લિમો પર હુમલા કરતા હિંદુઓ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગાય-ડુક્કર-માછલીની ચરબી ખાઈને શું બોલશે?
હિંદુઓી આસ્થાના પ્રતિક તિરુપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, માછલીનું તેલ, બીફના તત્વો મળી આવ્યા હોવાની વાતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે હવે ભાજપને આંધ્રપ્રદેશની પૂર્વ જગન મોહન રેડ્ડીની સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે. પણ આપણો સવાલ એ છે કે, મનફાવે ત્યારે ગૌમાંસ, ગૌહત્યા અને નોનવેજના નામે દલિતો, લઘુમતીઓ પર હુમલા કરતા તત્વો આ મામલે શું કહેશે કે કરશે? ગૌમાંસ ખાવાથી અમારી આસ્થાને ઠેસ પહોંચે છે એમ કહીને અત્યાર સુધીમાં દેશમાં અનેક હત્યાઓ થઈ ચૂકી છે. એવામાં દેશના સૌથી પૈસાદાર મંદિરે જ પ્રસાદમાં કરોડો હિંદુઓને ગૌમાંસ, ડુક્કરની ચરબી અને માછલીના તેલમાંથી બનેલા લાડુ ખવડાવી દીધાં છે. ત્યારે તમારી આસ્થાને કેમ કોઈ ઠેસ પહોંચતી નથી?
આ બેવડી નીતિ સાબિત કરે છે કે તમારી આસ્થા અને તેની પહોંચતી ઠેસ પણ પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. મામલો દલિતો સાથે સંકળાયેલો હોય ત્યારે તમારી આસ્થા તરત ભડકી ઉઠે છે અને તમે મારામારી કરવા પર ઉતરી આવો છો. પરંતુ જ્યારે એ જ આસ્થાની સોય તમારા તરફ તકાય છે ત્યારે તમે મૌન ધારણ કરીને બેસી જાવ છો. મરેલી ગાયનું ચામડું ચીરતા ઉનાના દલિતોને તમે જાહેરમાં માર મારતા અચકાતા નથી. પણ હિંદુત્વવાદી સરકારે જે સવર્ણ હિંદુઓને ગાયની કાયદેસરની કતલ કરી તેનું માંસ વિદેશોમાં એક્સપોર્ટ કરવા માટે કંપની ઓલીને વેચવાના લાયસન્સ આપ્યા છે તેના વિશે તેમને કશું કહેવાનું નથી થતું. આવી બેવડી નીતિ તમારી આસ્થાના ઢોંગને પણ ખૂલ્લો પાડી દે છે.
ભાજપના નેતા અને તિરુપતિ મંદિર બોર્ડના પૂર્વ સભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ કહ્યું છે કે, વર્ષ 2019 થી 2024 સુધીમાં જગનમોહન રેડ્ડીની સરકારમાં પ્રસાદના લાડુ બનાવવા માટે જે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ગાયનું શુદ્ધ ઘી નહોતું પરંતુ પશુઓની ચરબીમાંથી બનેલું ભેળસેળિયું ઘી હતું. બાલાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અહીંથી લાડુનો પ્રસાદ ચોક્કસ લે છે. દરરોજ મંદિરમાં લાડુ પ્રસાદ બનાવવા 14 ટન ઘીનો ઉપયોગ થતો હતો. હવે તેમાં ગાય, ડુક્કરની ચરબી તથા માછલીના તેલની ભેળસેળ મળી આવી છે.
આ પણ વાંચો: કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD) ના પ્રવક્તા વેંકટ રમણે કહ્યું છે કે આ ઘીના નમૂના ગુજરાત સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરી NDDB CALF માં ટેસ્ટ કરાયા હતા. અને તેના રિપોર્ટમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે કે, પ્રસાદમાં વપરાતા આ ઘીમાં પશુઓની ચરબી, ડુક્કરની ચરબી અને માછલીના તેલ મોજૂદ છે. નમૂનો 9 જુલાઈ 2024ના રોજ લેવાયો હતો અને એનડીડીબીની લેબોરેટરીએ 16 જુલાઈએ પોતાનો રિપોર્ટ આપી દીધો હતો.
હવે ભાજપના ધારાસભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની તિરુપતિ મંદિરના ચેરમેન ભુમના કરુણાકર રેડ્ડી, વાઈવી સુબ્બા રેડ્ડી અને તે વખતના કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે, એનડીડીબીની લેબોરેટરીએ બાલાજી મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબી, માછલીનું તેલ અને પામ ઓઈલ હોવાનું પરીક્ષણ કર્યું છે. વાસ્તવમાં બળદ અને ગાય જેવા પ્રાણીઓના ચોક્કસ અંગોમાં ભારે ચરબી હોય છે. ચરબીયુક્ત માંશપેશીઓને દૂર કરીને તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેમાંથી જે પદાર્થ છુટો પડે છે તેનો ઉપયોગ પછી સાબુ, મીણબત્તી બનાવવામાં થાય છે.
ગુજરાતમાં દલિતો તેને 'વહ' તરીકે ઓળખે છે. જૂના જમાનામાં ગામડાઓમાં દલિતો આ વહનો ઉપયોગ શીરો જેવી વાનગી બનાવવામાં કરતા હતા. આજે પણ વડીલોને આ બધું યાદ હશે. દલિતોની તો મજબૂરી હતી કે તેમણે ગરીબીના કારણે ખાવું પડતું હતું. પણ પૈસાદાર તિરુપતિ બાલાજી મંદિરના પૈસાદાર ભક્તોને કોઈ મજબૂરી નહોતી. છતાં ભ્રષ્ટ તંત્રે તેમને પણ એ બધું ખવડાવી દીધું જેનો તેઓ વિરોધ કરીને દલિતો પર અત્યાચાર કરતા હતા. હવે તેઓ ખુદ ગૌમાંસ, ડુક્કરની ચરબી અને માછલીનું તેલ પેટમાં પધરાવી ગયા પછી પોતાની જાતને કેવી રીતે પવિત્ર ગણશે તે સવાલ છે.
આ પણ વાંચો: તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ