અનામત બચાવો સંકલ્પ યાત્રા ક્યાં પહોંચી, શું કાર્યક્રમો થયા?

ચાંદખેડાથી નીકળેલી અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે ચોથો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી, આટલા દિવસોમાં શું શું થયું.

અનામત બચાવો સંકલ્પ યાત્રા ક્યાં પહોંચી, શું કાર્યક્રમો થયા?
image credit - P.L Rathod

તા. 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી શરૂ થયેલી એસસી, એસટી, ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રા તેના મધ્યમાં પહોંચી ચૂકી છે અને તેને સમસ્ત બહુજન સમાજનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. 17મી સપ્ટેમ્બરે યાત્રા સંવિધાન સર્કલ સ્નેહ પ્લાઝા ચાંદખેડા થી સવારે નવ વાગ્યે નીકળી હતી અને સાબરમતી, રાણીપ, વાડજ, ગિરધરનગર, પ્રભાકર ટેનામેન્ટ, નરોડા રોડ, સરસપુર, રખિયાલ, બાપુનગર થઈ અમરાઈવાડી ખાતે પહોંચી હતી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.

ત્યારબાદ તા. ૧૮/૯/૨૪ના રોજ સવારે યાત્રા અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, બહેરામપુરા દૂધવાળી ચાલી થઈ દાણીલીમડા પહોંચી હતી. જ્યાં યાત્રાના આગેવાનોએ જનસભા સંબોધી હતી. અહીંથી તે દાણીલીમડા તરફ આગળ વધી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક, કાર, ટેબ્લો સાથે માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની યાદ અપાવતા સાઈકલવીરો પણ જોવા મળ્યા હતા.

અહીં બપોરનું ભોજન લીધા બાદ યાત્રા આંબાવાડી આંબેડકર કોલોની,  વાસણા, ગુપ્તા નગર થઈ વેજલપુરની વિવિધ સોસાયટીમાં ફરી હતી. એ પછી રાત્રે વેજલપુર સોસાયટીમાં મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ડૉ નીતિન ગુર્જર તેમજ પી. એલ રાઠોડ, અશોક ચાવડા, હેમંત પરમાર, રાજેશ નાડિયા, જગદીશ સોલંકી વિગેરેએ સુપ્રિમ કોર્ટના ચુકાદાની ઘાતક અસરો તેમજ આ અસરો સામે લડત કઈ રીતે આપવાની છે તેની વાત કરી હતી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો

એ પછી ગઈકાલે તારીખ 19/ 9 /2024 ના રોજ અનામત બચાવો સંકલ્પ યાત્રાનો ત્રીજો દિવસ શરૂ થયો અને વેજલપુર થી નીકળી સરખેજના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ધોળકા તાલુકાના કાસીન્દ્રા ભાત અને કાવીઠા ગામે પહોંચી હતી.

કાવીઠા ગામનો બહુજન ઈતિહાસ

કાવીઠા ગામની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ માં જઈએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ ગામની મુલાકાત લીધી હતી. કાવીઠા ગામના અનુસૂચિત જાતિના લોકોએ 1950ના દશકમાં તેમના બાળકોને ભણાવવા માટે સ્કૂલમાં દાખલ કરવાની શરૂઆત કરી હતી ત્યારે ગામ લોકોએ એમના બાળકોને સ્કૂલમાં ન મોકલી રીતસરનો બહિષ્કાર કર્યો હતો. આ વાત બાબાસાહેબ આંબેડકર સુધી પહોંચતા તેઓએ આ ગામની મુલાકાત લઇ અનુસૂચિત જાતિના લોકોને ઘણું આશ્વાસન આપ્યું હતું.

ધોળકામાં બે જગ્યાએ જંગી જાહેર સભાઓ યોજાઈ

આવી ક્રાંતિકારી અને મંગલમય ધરતી પર આ યાત્રાના સાથીઓએ મુલાકાત લઇ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. કાવિઠા ના સાથે મિત્રો દ્વારા બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી. બપોરનું ભોજન પૂરું કર્યા બાદ આ યાત્રા બદરખા, ચલોડા અને ધોળકા શહેરની વિવિધ સોસાયટી તેમજ દલિત સમાજની  વસાહતમાં મુલાકાત લઈને લોકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઘાતક અસરો અંગે સમજણ આપી હતી. રાત્રી દરમિયાન ધોળકામાં બે જગ્યાએ જાહેર સભા થઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાનું રાત્રી રોકાણ આંબેડકર ભવન ખાતે સમાજ વાડી ત્રાસદ  ખાતે કરવામાં આવ્યું હતું.

આજે રાત્રે યાત્રા આણંદ પહોંચશે

આજે 20મી સપ્ટેમ્બરના રોજ યાત્રા ધોળકાથી નિકળી આંબારેલી, સિમેજ, વટામણ, ગોલાણા, પાંદડ, મોરજ, ખાખસર, તારાપુર, ધર્મજ, પેટલાદ થઈને આણંદ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. અહીં જંગી સભાનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ચરોતર વિસ્તારમાં બહુજન સમાજના હિતેચ્છુઓ, ભીમયોદ્ધાઓ સમાજસેવકો તથા યુવાનો, યુવતીઓ અને મહિલાઓ ઉમટી પડશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી એસટી સમાજના પેટા વર્ગીકરણ અને તેમાં ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા સામે સમગ્ર દેશમાં બહુજન સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગયા મહિને 21 ઓગસ્ટે ભારત બંધને મળેલી જબરજસ્ત સફળતા બાદ બહુજન સમાજ હવે જાતિવાદી તત્વો સામે અનામત બચાવવા મેદાને પડ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં ગયા મહિને અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા યોજવામાં આવેલી વિશાળ સભામાં ભીમયોદ્ધાઓએ ભરતડકે રસ્તા વચ્ચે બેસીને પોતાનો અણનમ જુસ્સો પ્રગટ કર્યો હતો.

હવે એ જ જુસ્સાને કાયમ રાખીને તેમણે અમદાવાદના ચાંદખેડાથી અનામત બચાવો સંકલ્પ યાત્રા શરૂ કરી છે. આ યાત્રા 23મી સપ્ટેમ્બરના રોજ સંકલ્પભૂમિ વડોદરા ખાતે સંપન્ન થશે. અહીં બે દિવસ સુધી યાત્રા સમગ્ર વડોદરા શહેરમાં ફરશે અને સંકલ્પ ભૂમિ દિવસના રોજ જંગી સભાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતભરમાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.

જો તમે પણ આ યાત્રામાં જોડાવા માંગતા હો અથવા તેના વિશે કોઈ જાણકારી મેળવવા માંગતા હો તો નીચે આપેલા મોબાઈલ નંબરો પર સંપર્ક કરી શકો છો.
6356220396, 9904126080 ,8733024818, 8488889868, 7600048548, 9427600965

આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.