કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર

kutch dalit youth murder: કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ગઈકાલે છરીના અસંખ્યા ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે સ્થાનિકોમાં પોલીસ સામે ભારે રોષ છે.

કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર
image credit - Naresh Maheshwari

kutch dalit youth murder: કચ્છના મોટા રેહા ગામે એક દલિત યુવકની ભેદી રીતે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અણધારી આ ઘટનાને લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન હત્યાને 24 કલાક કરતા પણ વધુ સમય વીતી જવા છતાં પોલીસ હત્યારાઓને શોધી ન શકતા સમાજના આગેવાનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને યુવકની હત્યાને લઈને ચેતવણી ઉચ્ચારી હતી કે જો આગામી 24 કલાકમાં હત્યારાઓને શોધીને ધરપકડ કરવામાં નહીં આવે તો યુવકના મૃતદેહને સાથે રાખી એસપી કચેરી સામે ધરણાં કરવામાં આવશે.

ગઈકાલે કચ્છ જિલ્લાના વડામથક ભૂજના મોટા રેહા ગામે અતુલ મહેશ્વરની નામના યુવકની છરીના અસંખ્ય ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે 24 કલાક કરતા પણ વધુ સમય વીતી જવા છતાં આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મહેશ્વરી સમાજ રોષે ભરાયો હતો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો મૃતક યુવકના પરિવારજનો, સગાઓની સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસની ઢીલી કામગીરીને લઈને ઉગ્ર દેખાવો કરી ધરણાં પર બેસી ગયા હતા. આખરે પોલીસે નમતું જોખ્યું હતું અને નક્કર કાર્યવાહીની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડતો જણાયો હતો.

આ મામલે કચ્છ સામાજિક આગેવાન અને સમસ્ત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ”કચ્છના મોટા રેહામાં દલિત યુવક અતુલ મહેશ્વરીની ભેદી રીતે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા તપાસના નામે મીંડું છે. ન તો હત્યારોની કોઈ ભાળ મળી છે ન તો બીજી કોઈ માહિતી મળી રહી છે. આથી અમારે નાછુટકે હોસ્પિટલ આવીને પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવી પડી રહી છે. અમે પોલીસને ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટિમેટમ આપ્યું હતું. જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થાય તો અમે યુવકનો મૃતદેહ લઈને પોલીસ કચેરી સામે ઘરણાં પર બેસવાના હતા અને જરૂર પડ્યે ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાના હતા. પણ પોલીસ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા આખરે મૃતકના અંતિમ સંસ્કાર કરાયા છે. હજુ હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે. યુવકની હત્યાનું કારણ પણ અકબંધ છે. જો પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરીને સકારાત્મક પરિણામો નહીં લાવે તો અમે ફરી મોરચો માંડીશું.”

આ પણ વાંચોઃ તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.