ઝોળાછાપ ડોક્ટરે યુટ્યુબમાં જોઈ દલિત સગર્ભાનું ઓપરેશન કરતા મોત
24 કલાક સુધી ઓપરેશન ચાલ્યું પણ મહિલા બચે તેમ ન લાગતા ડોક્ટર દવાખાનું છોડી ફરાર થઈ ગયો અને મહિલાનું મોત થયું.

ચોતરફ નકલીઓની બોલબોલા વધતી જઈ રહી છે. નકલી આઈએએસ-આઈપીએસ, નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધી પહોંચી ગયા છીએ ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
બન્યું છે એવું કે એક ઝોળાછાપ ડોક્ટર વર્ષોથી ક્લિનિક ચલાવતો હતો. આસપાસના એરિયામાં તેનું સારું એવું નામ થઈ જતા તેણે ક્લિનિકનો વિસ્તાર કર્યો હતો. અહીં એક દલિત સગર્ભાને દાખલ કરવામાં આવી હતી. જેનું આ કથિત ડોક્ટરે યુટ્યુબમાં જોઈને ઓપરેશન કર્યું હતું. ચોવીસ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ પણ સગર્ભાની તબિયત ન સુધરતા ડોક્ટર પોતાની પોલ ખૂલી જવાની બીકે ક્લિનિક છોડીને ભાગી ગયો હતો, બીજી તરફ ખોટી સારવારના કારણે સગર્ભાનું મોત થઈ ગયું હતું.
બિહારના બેગુસરાયના ખોડાવંદપુરની ઘટના
મામલો બિહારના બેગુસરાય જિલ્લાના ખોડાવંદપુર તાલુકાનો છે. અહીં રાજનંદની ક્લિનિક નામે એક દવાખાનું ખોલવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જિલ્લાના ઘણા પ્રખ્યાત ડૉક્ટરોની તસવીરો ચોંટાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે તે એક રજિસ્ટર્ડ હોસ્પિટલ છે. આ જોઈને ચેરિયા બરિયારપુર બ્લોકના અર્જૂનટોલ ગામની 30 વર્ષીય અમૃતા કુમારીને તેના પરિવારના સભ્યોએ દાખલ કરી હતી. 2જી નવેમ્બરે દાખલ કરાયેલી અમૃતાનું 5મી નવેમ્બરે સાંજે મોત થયું હતું. દર્દી સાથે રહેતી તેની બહેન કાજલ કુમારીએ જણાવ્યું કે ડોકટર મોબાઈલમાં યુટ્યુબ વીડિયો જોઈને ઓપરેશન કરી રહ્યા હતા. છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું અને જ્યારે તેની બહેનની તબિયત બગડવા લાગી અને તે મૃત્યુની નજીક પહોંચી ગઈ ત્યારે ડોક્ટર બાઇક પર ભાગી ગયો હતો. એ પછી પરિવારજનોમાં હોબાળો મચી ગયો છે.
જિલ્લામાં સૌથી વધુ નકલી હોસ્પિટલ
આ ઘટના ખોડાવંદપુર તાલુકા કચેરી, પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલની સામે બની છે. સ્થાનિક પ્રશાસનની બેદરકારીને કારણે ખોડાવંદપુર બ્લોક હેડક્વાર્ટરમાં ઘણી નકલી હોસ્પિટલો ચાલી રહી છે. આમાંની મોટાભાગની હોસ્પિટલો સ્થાનિક પીએસસીના ડોકટરો સાથે જોડાયેલી છે. આ મામલે ખોડાવંદપુર પીએચસીના ઈન્ચાર્જ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બહાર આવ્યું કે તે ભાગ્યે જ તેની હોસ્પિટલમાં ફરજ માટે આવે છે.
આ પણ વાંચો: એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે