ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?

અમદાવાદનો એક દલિત યુવક આંબેડકર લૉ કોલેજમાં એડમિશન માટે ગયો હતો. પણ તેને ત્યાં ભાજપનો સભ્ય બનાવી દઈ ધમકી અપાઈ.

ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?
image credit - khabarantar.com

a law college student was made a bjp member and threatened : ગુજરાત સહિત દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતું રહ્યું છે. ગુજરાતમાં રેશનકાર્ડની દુકાને રાશન ખરીદવા ગયેલા લોકો, શાળાના વિદ્યાર્થીઓ અને દવાખાને દવા લેવા ગયેલા લોકોને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયાના સમાચારો સામે આવી ચૂક્યાં છે. હવે અમદાવાદમાં એક લો કોલેજમાં એડમિશન માટે ગયેલા એક દલિત યુવકને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હતો અને તેને ધમકી આપવામાં આવી હતી કે, પહેલા ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તમને ભણવા નહીં દઈએ.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક દલિત વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની શરતે પોતાની સાથે થયેલો અનુભવ શેર કરતા જણાવ્યું છે કે, તે એલએલબીમાં એડમિશન લેવા માટે ડો. આંબેડકર લૉ કોલેજમાં ફોર્મ ભરવા ગયો હતો. એ દરમિયાન તેને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હતો. જ્યારે તેણે આ બાબતે વિરોધ નોંધાવવા ફોન કર્યો તો, સભ્ય બનાવી દેનારી વ્યક્તિએ કહ્યું કે, પહેલા ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તમને ભણવા નહીં દઈએ.

આ વિદ્યાર્થીએ ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "મેં અમદાવાદના નરોડા સ્થિત ડૉ. આંબેડકર લૉ કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ સબમિટ કરતા સમયે જણાવવામાં આવેલ કે તમારા નંબર પર એડમિશન માટે OTP આવશે. એ આપજો એટલે એડમિશન થઈ જશે. ગઈકાલે તા. 05/10/2024 નાં રોજ મને એક નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં એ વ્યક્તિએ મારી ઓળખ લઈને મને કહ્યું કે, હું આંબેડકર લો કોલેજમાંથી બોલું છું તમારા ફોનમાં એડમિશન પ્રક્રિયા માટેનો એક OTP આવ્યો હશે, તે આપો એટલે પ્રક્રિયા પૂર્ણ કરીએ. હું કામમાં વ્યસ્ત હોવાથી વધુ વિચાર્યા વિના મોબાઈલમાં મેસેજ જોઈને ઓટીપી આપી દીધો હતો. એ પછી તરત ફોન કટ થઈ ગયો હતો અને મને ભાજપના સભ્ય બન્યાનો અભિનંદન આપતો મેસેજ આવ્યો હતો. મને અંધારામાં રાખીને ભાજપનો સભ્ય બનાવી દેવાતા મેં તે નંબર પર ફોન કર્યો હતો, તો કહેવાયું કે, એડમિશન ગ્રુપમાં એડ કરવા માટે કહ્યું છે. પહેલા અમારા સદસ્ય બનો અને પછી જ અભ્યાસ કરો, નહીં તો અમે તેમને ભણવા નહીં દઈએ."

આ વિદ્યાર્થી વધુમાં જણાવે છે કે, "શું એલએલબીના એક અધ્યાપકને એ વાતની ખબર નહિ હોય કે આવી રીતે કોઈને અંધારામાં રાખીને તેની પાસેથી માહિતી કઢાવી શકાય નહીં. શું ભાજપ આ રીતે પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવશે? આંબેડકરના નામથી ચાલતી એક લૉ કોલેજમાં આવી છેતરપિંડી કરવામાં આવે છે. એ આંબેડકર, જેમણે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતનું બંધારણ ઘડ્યું છે. તેમના નામથી ચાલતી કોલેજમાં આ લોકો વિદ્યાર્થીઓને ધમકાવીને કહે છે કે, તમે અમારા સદસ્ય બનો અને પછી જ અભ્યાસ કરો. નહિ તો અમે તમને ભણવા નહિ દઈએ. શું આ રીતે વિદ્યાર્થીઓને ધમકાવીને, સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરીને વિદ્યાર્થીઓને કાયદાના સ્નાતક બનાવાશે? કાયદાનો અભ્યાસ કરવા માંગતા મને ભાજપના સભ્ય બનવા માટે ધમકી આપવામાં આવી, આ કેટલું યોગ્ય ગણાય?"

આ વિદ્યાર્થીને ડર છે કે, તેની ઓળખ છતી થઈ જશે તો તેનું એડમિશન રદ થઈ જશે અને તેનું ભણતર બગાડી દેવામાં આવશે. આથી તેણે ખબરઅંતર.કોમને સ્પષ્ટ વિનંતી કરી છે કે, તેની કોઈપણ પ્રકારની ઓળખ છતિ ન થાય. એટલે જ અહીં તેનું નામ, કામ, કે સરનામું સહિત તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ આરએસએસ હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.