નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા બાદ હવે નકલી રાજા?

નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સિંચાઈ કચેરી, નકલી આઈએએસ-આઈપીએસ, નકલી ટોલનાકા બાદ ગુજરાતનું નવલું નજરાણું- નકલી રાજા.

નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા બાદ હવે નકલી રાજા?
image credit - khabarantar.com

Fake King controversy: ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલીની ભારે બોલબાલા છે. કિરણ પટેલ જેવો મહાઠગ મહિનાઓ સુધી કાશ્મીરમાં નકલી પીએમઓ અધિકારી બનીને ફરતો રહ્યો. એ પછી બીજા પણ અનેક નકલી સીએમઓ અધિકારીઓ ઝડપાયા હતા. એ પછી તો નકલી ટોલનાકું અને આખેઆખી નકલી સરકારી કચેરી મળી આવી હતી. હવે છેલ્લાં બે દિવસની ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરી રહ્યાં હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ દાવો કોઈ બીજા કોઈએ નહીં પરંતુ ગોંડલ સ્ટેટના મહારાજા હિમાંશુસિંહ જાડેજાએ કર્યો છે, તેમનો દાવો છે કે, અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના રાજા ન હોવા છતાં પોતે ત્યાંના રાજા હોવાના દાવે સંમેલનમાં હાજર રહ્યાં હતા. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે.

મામલો શું છે?
ગયા અઠવાડિયે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા પોતે ગોંડલના 'યુવરાજ' તરીકે માભો જમાવતા હોવાની વિગતો સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. આ વાત જાણીને ગોંડલનો રાજવી પરીવાર પણ ચોંકી ગયો હતો. અને હવે તેમણે યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિને નકલી ગણાવીને તેની સાથે કોઈપણ જાતના સંબંધ ન હોવાની વાત કરી છે. એટલું જ નહીં, રાજવી પરીવાર યદુવેન્દ્રસિંહ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. 

ગોંડલના રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાના મતે 'યદુવેન્દ્રસિંહના પરદાદાએ ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે ભગવતસિંહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામના બે ગરાસ અપાયા હતા. એ વર્ષો પહેલાની વાત છે. બાદમાં અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સંબંધ નથી.' આ સાથે ચેતવણી આપતા રાજવી પરીવારે કહ્યું છે કે, 'કોઈ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી ફરજિયાત છે.'

ઉલ્લેખનીય છે કે, ગોંડલ સ્ટેટના રાજા ભગવંતસિંહજીનું ગુજરાતી ભાષામાં મોટું યોગદાન રહ્યું છે. ભગવતસિંહજીના પાંચમા વંશજ અને ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી છે. ત્યારે યદુવેન્દ્રસિંહના પોતે યુવરાજ હોવાના દાવાને લઈને બે રાજવી પરિવારો સામસામે આવી ગયા છે.

અહીં એ યાદ રાખવું જોઈએ કે, મહારાજા ભગવતસિંહજી ગુજરાતી ભાષાના સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા ‘ભગવદગોમંડળ’ના રચયિતા હતા. સો વર્ષ પહેલા જ્યારે કોઈ મહિલાઓની લાજ ઉંચી થાય તો પણ સહન નહોતું કરતું ત્યારે ભગવતસિંહજીએ સ્ત્રી કેળવણી અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી. 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.