આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે

અરવલ્લીના એક ગામમાં આંગણવાડીના મકાનનું કામ છેલ્લાં કેટલાય વર્ષોથી ટલ્લે ચડેલું છે. જેના કારણે અહીં કાર્યકર બહેન છેલ્લાં 8 વર્ષથી બાળકોને પોતાના ઘરમાં બેસાડવા મજબૂર છે.

આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે
image credit - Google images

અંધેર નગરી અને ગંડુ રાજાની વાર્તા તો આપણે સૌએ સાંભળી છે. પણ તેનું વાસ્તવિક ઉદાહરણ જોવું હોય તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક ગામમાં જવું પડે. અહીં છેલ્લાં 8 વર્ષથી આંગણવાડીના મકાનનું કામ તંત્રના પાપે ટલ્લે ચડ્યું છે. આંગણવાડીનું મકાન બની શકતું ન હોવાથી બાળકોને ક્યાં બેસાડવા તે મોટો સવાલ હતો, એવામાં આ આંગણવાડીના કાર્યકર બહેને બાળકોનું ભવિષ્ય ન બગડે અને તેઓ રઝળી ન પડે તે માટે પોતાના ઘરમાં બેસાડ્યા હતા. હવે આજકાલ કરતા આ ઘટનાને 8 વર્ષ વીતી ગયા છે, પણ આંગણવાડીનું મકાન બની રહ્યું નથી મહિલા કાર્યકર 8 વર્ષથી બાળકોને પોતાના ઘરમાં બેસાડીને ભણાવવા મજબૂર છે.

અરવલ્લીના ઉમેદપુરા ગામની ઘટના

મામલો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઉમેદપુરા ગામનો છે. અહીં છેલ્લાં 8 વર્ષથી શાળા સંકુલમાં હાથ ધરાયેલું ગામની આંગણવાડીનું બાંધકામ સરકારી તંત્રના પાપે ટલ્લે ચડ્યું છે. સરકારી બાબુઓની લાપરવાહી એ હદે પહોંચી ગઈ કે છેક વર્ષ 2018માં શરૂ થયેલું આંગણવાડીનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે આ આંગણવાડીમાં ભણતાં 35થી વધુ બાળકોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઉભો થયો હતો. આ મામલે તાલુકા વિકાસ અધિકારીથી લઈને તમામ જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતા આખરે આંગણવાડીના કાર્યકર બહેને પોતાના ઘરમાં જ બાળકોને બેસાડવાનું શરૂ કર્યુ હતું.

આ ઘટનાને પણ આજકાલ કરતા 8 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં સરકારી તંત્રને ઉમેદપુરાની અધૂરી છોડી દીધેલી આંગણવાડીનું કામ પૂર્ણ કરવાનું સૂઝતું નથી. બીજી તરફ આંગણવાડીના કાર્યકર બહેનની પણ હવે ધીરજ ખૂટી રહી છે. તેઓ પણ ક્યાં સુધી આ રીતે બાળકોને પોતાના ઘરમાં બેસાડીને ભણાવશે તે સવાલ તેમને સતાવી રહ્યો છે. તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓ કહે છે કે કામ થઈ જશે, પણ હજુ સુધી અહીં આંગણવાડીનું કામ જૈસે થે સ્થિતિમાં અધૂરું પડ્યું છે.

આ પણ વાંચો: RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં

આંગણવાડીનું મકાન અધૂરું પડ્યું હોવાથી તેના કાર્યકર બહેન વર્ષ 2016 થી એટલે કે છેલ્લાં 8 વર્ષથી પોતાના ખાનગી ઘરમાં બાળકોને બેસાડવા મજબૂર બન્યાં છે. આંગણવાડીનું બાંધકામ કેમ અધૂરું છોડી દેવાયું છે અને તેના માટે કોણ જવાબદાર છે તેના વિશે કોઈ ખૂલીને કશું કહેતું નથી. પરંતુ તેના કારણે હાલ 35 બાળકોને સાચવતા આંગણવાડી કાર્યકર બહેનની હાલત કફોડી બની ગઈ છે. તેઓ બાળકોને અન્ય ક્યાંય બેસાડી શકે તેમ ન હોવાથી પોતાના ઘરમાં જ બેસાડે છે. તેઓ બાળકોને મૂકીને બહાર ક્યાંય જઈ શકતા નથી. જો તેમને ક્યાંક બહારગામ જવાનું થાય તો બધાં બાળકોને રજા આપવી પડે તેમ સ્થિતિ હોવાથી તેઓ બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરમાં જ બાળકોને બેસાડે છે અને ભણાવે છે. તેમના માટે નાસ્તો, ભોજન વગેરેની વ્યવસ્થા પણ તેઓ નિયમિતરૂપે કરે છે.

એકબાજુ સરકાર આંગણવાડી બહેનોનું શોષણ કરવામાં જરાય પાછી પાની કરતી નથી, તેમનો પગાર વધારતી નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ધનસુરાના ઉમેદપુરાની આ આંગણવાડીના કાર્યકર બહેન પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવી રહ્યાં છે. આંગણવાડીનું મકાન ક્યારે પૂર્ણ થશે તે ખબર નથી, પણ નાના ભૂલકાંઓને બેસવા માટેની જગ્યા હાલ તો આ આંગણવાડી કાર્યકર બહેનના ઘરમાં સલામત છે. જોવાનું એ છે કે, એસી ચેમ્બરોમાં બેસીને ભ્રષ્ટ નેતાઓ, ઉદ્યોગપતિઓની ફાઈલો તાત્કાલિક ક્લિયર કરી આપતા સરકારી બાબુઓ ગરીબોના બાળકો માટે આંગણવાડીનું મકાન ક્યારે તૈયાર કરી આપે છે.

આ પણ વાંચો: તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • ગોહેલ ભાવેશ નાથાભાઈ
    ગોહેલ ભાવેશ નાથાભાઈ
    ગીર સોમનાથ ના સારસવા ગામ માં પણ આંગણવાડી કેન્દ્ર પ્રાથિમક શાળા માં હાલે છે,ત્યાં આંગનવાડી નથી,દરેક સરપંચ કહે એમને આ મકાન બનાવતા રૂપિયા વધતા નથી,સાથે સાથે બને બેનો SC..સમાજમાંથી આવે એટલે પણ હોય.