અમરેલીમાં SC, ST, OBC વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય ખંડિયેર હાલતમાં હોવાથી બે વર્ષથી બંધ, વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

અમરેલીમાં દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટેનું ડો. આંબેડકર છાત્રાલય ખંડિયેર હાલમાં હોવાથી છેલ્લાં બે વર્ષથી બંધ છે. પરિણામે અનેક ગરીબ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

અમરેલીમાં SC, ST, OBC વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય ખંડિયેર હાલતમાં હોવાથી બે વર્ષથી બંધ, વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચાર રસ્તાની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના બિલ્ડીંગની હાલત સાવ ખંડિયર જેવી બની છે. આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. હાલ આ જર્જરિત છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બે વર્ષથી એડમિશન આપવામાં આવતું નથી. બિલ્ડીંગમાં ગમે ત્યારે કોઇ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બિલ્ડીંગને તોડી પાડી નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

એસ.સી./એસ.ટી. અને ઓબીસી સમુદાયના બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે તે માટે અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચાર રસ્તા નજીક ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય છેલ્લા વીસેક કરતા વધુ વર્ષથી કાર્યરત છે. આ છાત્રાલયમાં આજુબાજુના જિલ્લા,તાલુકા, ગામડાઓ અને અન્ય શહેરમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે.

પરંતુ આ છાત્રો ભયજનક બિલ્ડીંગમાં રહી અભ્યાસ કરતા હોવાથી મોતના મુખમાં હોય તેવું લાગી રહ્યુ હતું કેમ કે, હાલમાં છાત્રાલયની હાલત અતિ બિસ્મારમાં જોવા મળે છે અને બિલ્ડીંગ ક્યારે ધરાશાયી થાય તે નક્કી જ નથી. જેના કારણે અનેક છાત્રોનો જીવ જોખમમાં હતા જેથી અન્ય જગ્યાએ ભાડે મકાન મેળવી કુમાર છાત્રાલય ચાલુ કરવા સમાજ કલ્યાણ વિભાગ તરફથી સાત વાર સ્થાનિક જાહેરાત આપવામાં આવી છતાં પણ બિલ્ડીંગ મળતું નથી.

ભૂતકાળમાં આ કુમાર છાત્રાલય અવારનવાર બનતા કિસ્સાઓને લઈને ખાસ ચર્ચામાં રહ્યું છે. જેમાં બહારથી અભ્યાસ અર્થે આવતા છાત્રોને સ્થાનિક આવારા તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હોય, પીવાના ગંદા પાણીની સમસ્યા, હોસ્ટેલમાં જમવાનું ખરાબ આપવામાં આવતું, પૂરતા બેડ-પલંગ, કબાટ, ગાદલા, ધાબળા માટે આંદોલન વગેરે બાબતોને લઇને છાત્રાલય ખુબ જ ચર્ચામાં રહ્યું છે.

હાલમાં આ છાત્રાલયની બિલ્ડીંગ એ હદે બિસ્માર હાલતમાં જોવા મળી છે કે એના બીમમાં સળીયા દેખાઇ ગયા છે. દરેક રૂમની અંદર સ્લેબના પોપડા ખરી રહ્યા છે. બે વર્ષ પહેલા છાત્રાલયમાં રહેતા છાત્રોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાઇ રહ્યો હતો જેના કારણે છાત્રોના વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. છાત્રાલયના શૌચાલય, બાથરૂમની હાલત નર્ક જેવી હતી. અપૂરતી સુવિધાઓને લીધે છાત્રોના ભણતર પર ભારે અસર પડી હતી. હોસ્ટેલ બંધ થતા વિધાર્થીઓના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે.

આ બધી બાબતોને ધ્યાને લઇ અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિ અને ઓબીસીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાનો લાભ મળે તે માટે તાત્કાલિક અમરેલી શહેરમાં બે વર્ષથી બંધ કરવામાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે અને આ વર્ગના છાત્રો માટે રહેવા જમવા સાથેની હોસ્ટેલ તાત્કાલિક બાંધવામાં આવે તેવી માંગણી સાથે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આગળ વાંચોઃ દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.