એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે એક અતિ મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજિયાત છે. જાણો કોર્ટે બીજી શું મહત્વની વાત કરી.

એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ
all image credit - Google images

- કે.બી. રાઠોડ

તાજેતરમાં તા.13/3/2024 ના રોજ બોમ્બે હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે ડૉ. હેમા સુરેશ આહુજા અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર અને બીજાઓના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપીને ઠરાવેલ છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 15એ (10) ની જોગવાઈ મુજબ એટ્રોસિટી એક્ટ નીચેની ‘તમામ કાર્યવાહી’નું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 2(1) મુજબ આ ‘તમામ કાર્યવાહી’માં ‘કોર્ટ કાર્યવાહી’ પણ આવી જાય છે. તેથી એટ્રોસિટી એક્ટ નીચેના કેસોની ‘તમામ કાર્યવાહી’નું વીડિયો રેકોર્ડિંગ જરૂરી છે. આ કાયદાની કલમ 14A નીચે જામીન અરજીઓ થાય તે પણ કલમ 15A મુજબ ‘કોર્ટ કાર્યવાહી’નો ભાગ જ છે. માટે જામીન અરજીના હીયરિંગનું પણ વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. તે અંગે નિયમો ઘડવામાં ન આવ્યા હોય કે કોઈ સ્કીમ તૈયાર ન થઇ હોય તો પણ વીડિયો રેકોર્ડિંગ કરવું જોઈએ.


બોમ્બે હાઈકોર્ટના સિંગલ જજની કોર્ટે એક કેસમાં એટ્રોસિટી એક્ટની કલમ 15A(10) ની જોગવાઈની અમુક મુદ્દાઓની સ્પષ્ટતા માટે ચીફ જસ્ટિસની કોર્ટને રેફરન્સ કરેલ. તે મુદ્દાઓ જોઈએ તો (1) એટ્રોસિટી એક્ટની કલમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાનું લખ્યું છે તો તેમાં શું કોર્ટ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવાનું આવી જાય ખરું? (2) ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 327 મુજબ અમુક ગુનાઓમાં બંધ બારણે (in camera) કોર્ટ કાર્યવાહી કરવાનું લખ્યું છે તે સિવાયના ગુનાઓની તમામ કોર્ટ કાર્યવાહી ખુલ્લી કોર્ટમાં થાય જ છે તો પછી વીડિયો રેકોર્ડિંગનો કોઈ હેતુ ખરો? (3) શું આ કાયદા નીચેની કલમ 14A મુજબની જામીન અરજીઓની કાર્યવાહીને ‘કોર્ટ કાર્યવાહી’ કહી શકાય ખરી? (4) શું આ કલમ 15A (10) ના અમલીકરણ માટે સરકારે કોઈ નિયમો (Rules) ઘડ્યાં ન હોય કે કોઈ સ્કીમ નક્કી કરી ન હોય તો પણ વીડિયો રેકોર્ડિંગની જોગવાઈનો અમલ કરવો ફરજીયાત છે?

આ પણ વાંચોઃ બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?

આ તમામ મુદ્દાઓના સંદર્ભમાં બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે ઉપરોક્ત ચુકાદો આપીને નક્કી કરી આપ્યું છે કે આ કાયદા નીચેની કોર્ટ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજીયાત છે. પાર્લામેન્ટ અને કાયદાનું ડ્રાફટિંગ કરનારા પ્રજાના પ્રતિનિધિઓ છે, તેઓ જે કોઈ કાયદો ઘડે તે તેની પ્રજાની સારી નરસી બાજુઓને સમજી વિચારીને ઘડતા હોય છે, તેથી ઘડેલ કાયદા ઉપર કોઈ ડહાપણ વાપરીને મનઘડંત અર્થઘટન ન થઈ શકે. તે જોગવાઈનો અમલ થવો જ જોઈએ. આ કાયદાની આ કલમમાં લખ્યું જ છે કે આ કાયદા નીચેની તમામ કાર્યવાહીનું વીડિઓ રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. પછી સરકારે તેના અમલીકરણ માટે નિયમો ન બનાવ્યા હોય કે કોઈ સ્કીમ તૈયાર ન કરી હોય તો તે ન ચાલે. 


આ ચુકાદો ખુબ જ મહત્વનો કહી શકાય, કારણ કે એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં પીડિતો અને સાક્ષીઓને જે ખાસ રક્ષણ આપવાની કાયદામાં જોગવાઈ છે તેનો ઘણાં તબક્કે ભંગ થતો હતો અથવા પીડિતો અને સાક્ષીઓ આવા હક્ક અને અધિકારોથી અજાણ અને અજ્ઞાન હોય છે, તેથી તેનો ગેરલાભ લેવામાં આવતો હોય છે.

આ પણ વાંચોઃ ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ


બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો એટલે નક્કી થઈ ગયું કે વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. એટ્રોસિટી એક્ટની કલમ 15A (10) માં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે કે આ કાયદા નીચેના ગુનાની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. હકીકતમાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવતું જ નથી. ખરેખર તો આ જોગવાઈ મુજબ એટ્રોસિટીના બનાવનો પીડિત કે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા જાય ત્યાંથી માંડીને તે ગુનાના બનાવની તપાસની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોડિઁગ કરવું જોઈએ. પોલીસ અધિકારી ગુનાની તપાસ કરે તેમાં જુદા જુદા સાક્ષીઓના નિવેદનો નોંધે, પંચનામાં કરે, અમુક પીડિતો કે સાક્ષીઓના CrPC કલમ 164 મુજબ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો નોંધાય, કોઈ હત્યાના ગુનામાં લાશનું ઇન્કવેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ કરવામાં આવે, જુદા જુદા નમૂનાઓના FSL પરિક્ષણ થાય વગેરે અનેક પ્રકારની તપાસની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું જરૂરી છે. તપાસના અંતે પોલીસ અધિકારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરે પછી તે કેસની આખી કાર્યવાહી/ટ્રાયલ શરૂ થાય, જુદા જુદા પ્રકારના સાહેદોની કોર્ટ સમક્ષ જુબાની લેવાય, આરોપીઓના વિશેષ નિવેદનો લેવાય, બંને પક્ષની દલીલ થાય અને અંતે કોર્ટ ચુકાદો જાહેર કરે તે તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે.

આ પણ વાંચોઃ એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો

કાયદામાં આ જોગવાઈ માત્ર કાયદાની બૂકમાં લખી છે. એટ્રોસિટી એક્ટમાં આ કલમ 2016માં નવેસરથી ઉમેરવામાં આવી. કલમ 15A (10) તે આ કાયદામાં એટ્રોસિટીના પીડિતો અને સાક્ષીઓના હક્ક અને અધિકારોના રક્ષણ માટે ખાસ ઘડવામાં આવી છે છતાં આ કાયદા નીચેની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ થતું જ નથી.


ગુજરાતમાં થોડાં વરસ પહેલા એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓની ટ્રાયલ ચલાવી રહેલી એક કોર્ટમાં એક કેસમાં પીડિતે અરજી આપીને માંગણી કરેલ કે કલમ 15A(10) નીચે મારા આ કેસની કોર્ટ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવા વિનંતી છે. આ કોર્ટે તે પીડિતની અરજી રદ કરીને એવું કારણ આપેલું કે આ કોર્ટમાં સીસીટીવી કેમેરા છે તેનું રેકોર્ડિંગ તમે મેળવી શકો છો. તે પીડિતે રાઈટ ટુ ઇન્ફોરમેશન (RTI ) એક્ટ નીચે તે કોર્ટનાં સીસીટીવી કેમેરાના વીડિયો રેકોર્ડિંગની માંગણી કરતા તેને વિડિયો રેકોર્ડિંગની માહિતી આપવાનો પણ ઈનકાર કરેલ. હવે આ જજમેન્ટથી નક્કી થઈ ગયું છે કે એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સામેની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છે.

(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)

આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.