પાટડીમાં સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહ લગ્નમાં 9 યુગલોએ લગ્ન કર્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જ્ઞાતિ-સમાજના 9 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
જય ભીમ સમૂહ લગન સમિતિ આયોજિત પાંચમો સર્વ જ્ઞાતિય બૌદ્ધ સમૂહલગ્ન વ્રજભૂમિ રેસીડેન્સી, પાટડી ખાતે યોજાઈ ગયો. જેમાં ૯ નવયુગલોને બૌદ્ધ સંસ્કાર અનુસાર લગ્નગ્રંથીથી જોડવામાં આવ્યા. જેમાં સમૂહલગ્નના અધ્યક્ષ સ્થાને ભંતે વિપસ્ય શામનેર ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સ્ટેજ પરથી ધમ્માચારી આનંદ શાકય અને ત્રિશરણ બૌદ્ધની સૂચના પ્રમાણે તમામ નવયુગલોની લગ્નવિધિ મહિલાઓ દ્વારા કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ લગ્નવિધિમાં વર તરફથી ૫ અને કન્યા તરફથી ૫ વચનો લઈ માતાપિતાના આશીર્વાદ સાથે એક બીજાને ફૂલોની માળા પહેરાવી લગ્નગ્રંથિમાં જોડાયા હતા. સાથે જ તમામ અંધશ્રદ્ધા અને તર્કશૂન્ય વિધિને તિલાંજલી અપાઈ હતી.
મૂળનિવાસી ટ્રસ્ટની જય ભીમ સમૂહ લગ્ન સમિતિની ટીમ દ્વારા સતત ૩ મહિનાની અથાગ મહેનતના ફળ સ્વરૂપ દીકરીઓને કરિયાવર તરીકે સર્વે સમજે સોના – ચાંદીના દાગીનાની સાથે ઘરવખરીની અઢળક વસ્તુઓ ભેટ સ્વરુપે આપી હતી. સંસ્થાનો પરિચય મંત્રીશ્રી અરજણભાઈ સોલંકીએ આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ આશીર્વચન પાઠવ્યા હતા અને આભારવિધિ અંબાલાલ મકવાણાએ કરી હતી.
આ પણ વાંચો: રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા
આ સમૂહલગ્નના ગાંધીનગરથી પધારેલા શ્રમન આગાઝની ટીમ પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ અને ગીતના ડિરેકટર તુષાર અસોડીયા, યુટ્યુબ પર પકાલાલ તરીકે જાણીતા થયેલા એક્ટર પંકજ પરમાર, ડૉ. શિલ્પા અમીન, જતિન મર્ચન્ટ, સાગર ધારવા, નીલેશ આંધ્રેજા, ડૉ. રાજેશ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમમાં ઉચ્ચ અધિકારીઓ, ડોકટર, પ્રોફેસર, બેસ્ટ પ્રિન્સીપાલ, ડિરેક્ટર અને કલાકાર હોવા છતાં તેઓ સ્ટેજ પર ન બેસતા નીચે બધાંની સાથે જ બેઠા હતા અને ફૂલોનાં હારથી સન્માન ન સ્વીકારી હાથમાં ફૂલો સ્વીકારી તથાગત ગૌતમ બુદ્ધને અર્પણ કર્યા હતા.
જે બદલ ઉપસ્થિત જનમેદનીએ તેમની સાદગી અને સમાજ ભાવના માટે સૌને બિરદાવ્યા હતા. આ ટીમે દરેક યુગલોને સ્ત્રીની સ્થિતિ સમજવા માટે જાણીતા લેખક જીતેન્દ્ર વાઘેલાનું “પીરીયડ – ધ ટાઈમ ટુ ચેન્જ’ પુસ્તક ભેટ આપ્યું હતું.
આ પણ વાંચો: અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
પાંચમાં સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહલગ્નને સફળ બનાવામાં વરકન્યાના પરિવારજનો, વીરમગામ, દસાડા અને પાટડી પંથકના ગામોમાંથી પધારેલ સમાજબંધુઓ, મૂળનિવાસી ટ્રસ્ટની જય ભીમ સમૂહ લગ્ન સમિતિની ટીમ અને સામાજિક કાર્યકરો શીવાભાઈ વાઘેલા, મોહનભાઈ પરમાર, મહેશભાઈ પારધી, અરવિંદભાઈ જાદવ, જીતુ બંસલ વગેરે અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?
જો તમે ભીમ સમૂહ લગ્ન સમિતિ વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હો અથવા તો ટ્રસ્ટના સમૂહ લગ્નો વિશે કોઈ જાણકારી મેળવવી હોય તો 97237 01673 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: સવર્ણો જેને પછાત વિસ્તાર માને છે તે લાંભામાં પ્રગતિશીલ બૌદ્ધ લગ્ન યોજાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Bhalabhai N Solankiખુબ જ સરસ , નવદંપતીઓ ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ અને શુભકામનાઓ . સાથે સમુહલગ્નન ના આયોજક મિત્રો ને પણ ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર સમાજબંધુઓને અંધશ્રદ્ધામાં થી કાઢવા માટે નો એક સરાહનીય પ્રયાસ જય ભીમ