સાંતલપુરના અગરીયાઓને રણમાં પ્રવેશ ન અપાતા હાઇકોર્ટમાં પિટિશન દાખલ, કોર્ટે વન વિભાગને નોટિસ જારી કરી

કચ્છના નાના રણમાં અગરિયા પરિવારનો હેરાન કરવાનો મામલો વર્ષોથી ચાલ્યો આવે છે. અગરિયા તરીકેના જરૂરી પુરાવાઓ હોવા છતાં સાંતલપુરના સેંકડો અગરિયા પરિવારોને અભ્યારણ વિભાગ દ્વારા તેમને રણમાં પ્રવેશવા દેવાયા નથી. આખરે અગરિયાઓએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા છે.

સાંતલપુરના અગરીયાઓને રણમાં પ્રવેશ ન અપાતા હાઇકોર્ટમાં પિટિશન દાખલ, કોર્ટે વન વિભાગને નોટિસ જારી કરી
All Photos: Google Images

ગુજરાતમાં 6100 કિલોમીટર લાંબો દરિયા કાંઠો આવેલો છે, ગુજરાતમાં સૌથી વધુ મીઠું પાકે છે, પરંતુ આ મીઠું પકવતા અગરિયાઓના પ્રશ્નોની વાત આવે ત્યારે કોઈ તેમની વ્હારે આવતું નથી. ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓની પરિસ્થિતિ અંગે અનેક મીડિયા રિપોર્ટ્સ આવતા રહે છે. કાળી મજૂરી કરીને પેટિયું રળતાં આ અગરિયાઓની મહેનત પર ઘણીવાર સરકાર દ્વારા છોડવામાં આવતાં નદીઓના પાણી ફરી વળે છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ આજીવિકા મેળવવા આ કામ કરવા મજબૂર છે ત્યારે હવે તેમને રણમાં પ્રવેશવા ન દેવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સાંતલપુરના સેંકડો અગરિયા પરિવારોને રણમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નથી. જેને લઈને હવે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.


કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ પેઢી દર પેઢીથી મીઠું પકવી તેમની આજીવિકા રળે છે. કચ્છનું નાનું રણ 1973 માં ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર થયું અને 1997 માં સર્વે અને સેટલમેન્ટ અધિકારીએ 60 દિવસની અંદર અગરીયાઓને પુરાવા સાથે દાવા રજૂ કરવા કહ્યું. રણમાં અગરીયાઓ દ્વારા મીઠું પકવવા માટે છેક 18મી સદીના અનેક દસ્તાવેજો છે. પણ સર્વે અને સેટલમેન્ટ પ્રક્રિયામાં વ્યક્તિગત જમીનના પુરાવાના અભાવે મોટા ભાગના પરંપરાગત અગરીયાઓના દાવા નામંજૂર કર્યા છે અને હજારો પરંપરાગત અગરીયાઓને રણમાંથી બહાર કાઢવાનો પ્રયાસો અભયારણ્ય વિભાગ દ્વારા શરૂ થયા હતા. 


ગત વર્ષે આ મામલામાં દસાડા, હળવદ, મોરબી, રાધનપુર અને કચ્છના ધારાસભ્યો અને સંસદોએ દરમ્યાનગીરી કરાતા રજીસ્ટ્રેશન કરીને સપ્ટેમ્બર મહિનામાં પરંપરાગત અગરીયાને રણમાં મીઠું પકવવા દેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ અગમ્ય કારણોસર સાંતલપુરના સેંકડો અગરીયા પરિવારોને અભયારણ્ય વિભાગ દ્વારા રણમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નથી. અગરીયાઓએ અનેક રજૂઆત કરી, સ્થાનિક MLA એ પણ પત્ર લખ્યો, પણ વન વિભાગે મંજૂરી ન આપતાં આખરે અગરીયાઓ ન્યાય માટે હાઈકોર્ટમાં પહોંચ્યાં હતા અને અમારા પ્રત્યે જ આવો ભેદભાવ કેમ તેવો પ્રશ્ન કર્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે વન, પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ અને અગ્ર વન મુખ્ય સંરક્ષકને નોટીસ જારી કરીને 29 જાન્યુઆરી સુધીમા જવાબ ફાઇલ કરવા કહ્યું છે. 


હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, “અગરિયાઓ પાસે ઓળખ કાર્ડ છે તો એમને મીઠું પકવવા દેવું જોઇએ. આ એમની આજીવિકા છે. રણ માં પ્રવેશ ન આપવાનું કોઈ કારણ રેકોર્ડ પર નથી.”

આ પણ વાંચોઃ પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.