રાજકોટમાં ક્લબના ગરબામાં શાકીરાના ગીતો વાગતા હોબાળો મચ્યો
રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં હોલીવૂડ સિંગર શાકીરાના ગીતો પર યુવાધન હિલોળે ચડતાં હોબાળો મચી ગયો છે.
રાજકોટમાં આ વખતે નવરાત્રી શરૂ થતા પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. અગાઉ પાટીદારોએ પોતાના ગરબામાં આધારકાર્ડ વિના પ્રવેશ નહીં આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. એ પછી હવે અહીં એક ક્લબના ગરબામાં હોલીવૂડ સિંગર શાકીરા અને એનિમલ ફિલ્મના જમાલકુડુ જેવા ગીતો પર યુવાનો ગરબા રમવા માંડતા હોબાળો મચી ગયો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “નાચવું અને રાસ રમવો બંનેમાં ફરક છે અને સરકારે તેના પર નજર રાખવી જોઈએ. જે વીડિયો પ્રસારિત થયા છે હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ સમજવું પડશે. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓ આજના સમયમાં અર્વાચીન થઈ હોય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે, પણ અસલ તત્વ ભૂલાવું ન જોઈએ. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે.”
વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, “થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે ગરબા-રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે શાકીરાના ગીતો પર ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના ડાન્સ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં.”
સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, “રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. આ કોઈપણ રીતે ચલાવી લેવાય તેમ નથી. આયોજકો સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવા પેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો? સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબદારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે આગળ આવીને તેને રોકવાની જરૂર છે.”
આ પણ વાંચો: ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Sahil Parmarઆ સંસ્કૃતિમાં જાળવવા જેવું કંઈ નથી.હા,શોષણામૂલક જાતિવાદી આ સંસ્કૃતિથી જાળવવા જેવું છે.