મેધા પાટકર 24 કલાકથી નર્મદા ડેમના અસરગ્રસ્તો સાથે પાણીમાં ઊભા છે

નર્મદા બચાવો આંદોલન(NBA)ના પ્રણેતા મેધા પાટકર છેલ્લાં 24 કલાકથી નર્મદાના વિસ્થાપિતો સાથે પાણીમાં ઉભા છે. જાણો શું છે આખો મામલો.

મેધા પાટકર 24 કલાકથી નર્મદા ડેમના અસરગ્રસ્તો સાથે પાણીમાં ઊભા છે
image credit - Google images

નાનપણમાં જો તમે તળાવ કે નદીમાં વધારે સમય નહાયા હશો તો યાદ હશે કે તમારું શરીર કાળું પડી જાય અથવા હથેળીઓ સંકોચાવા લાગે. જો યુવાન વયે પણ અમુક સમય કરતા વધુ સમય પાણીમાં રહેવાથી શરીર પર આટલી અસર થતી હોય તો વિચારો કે એક 70 વર્ષની મહિલા 48 કલાક સુધી પાણીમાં ઉભી રહે તો શું થાય.

આ માત્ર એક કલ્પના નથી, હકીકત છે. અને એ મહિલા એટલે મેધા પાટકર. જેઓ હાલ મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં સરદાર સરોવર ડેમના વધતા જળ સ્તરને કારણે વિસ્થાપિત થયેલા ગામલોકોની સમસ્યાઓને લઈને છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી પાણીમાં વચ્ચે ઉભા રહીને જળ સત્યાગ્રહ શરૂ કર્યો છે. તેમની સાથે કસરવાડ ગામની મહિલાઓ અને અન્ય લોકો પણ પાણીમાં ઉભા છે. આ સત્યાગ્રહ બે દિવસથી ચાલી રહ્યો છે, જેમાં મેધા પાટકર અને આંદોલનકારીઓ છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી નર્મદા નદીના પાણીમાં ઉભા છે. ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા ડેમના પાણીના સ્તરને ઘટાડવાનો અને વિસ્થાપિત પરિવારોના સંપૂર્ણ પુનર્વસનનો છે.

આ પણ વાંચોઃ સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ

મેધા પાટકરે આરોપ લગાવ્યો કે સરદાર સરોવર ડેમનું પાણીનું સ્તર ગેરકાયદેસર રીતે વધારવામાં આવી રહ્યું છે, જેના કારણે નજીકના ગામોમાં પાણી પ્રવેશી રહ્યું છે અને ઘરો, ખેતીની જમીનો અને ગામલોકોની રોજીરોટી ખતમ થઈ રહી છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ડેમનું જળસ્તર 136 મીટરે પહોંચી ગયું છે, તેને નિયંત્રિત કરીને 122 મીટર રાખવું જોઈતું હતું. ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે.

ગયા વર્ષે 170 ગામો પ્રભાવિત થયા હતા
પાટકરે આક્ષેપ કર્યો હતો કે સેન્ટ્રલ વોટર કમિશનના નિયમોનું ઉલ્લંઘન કરીને ડેમનું જળ સ્તર વધારવામાં આવ્યું હતું, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હજારો ગ્રામજનોને અસર થઈ હતી. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 170 ગામો આવી જ રીતે પ્રભાવિત થયા હતા અને તેમનું પુનર્વસન હજુ પણ બાકી છે.

મેધા પાટકરના આ જળ સત્યાગ્રહ દરમિયાન બડવાનીના ધારાસભ્ય રાજન મંડલોઈ મોડી રાત્રે આંદોલનકારીઓ અને અસરગ્રસ્ત ગ્રામજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે વિસ્થાપિતો સાથેની ચર્ચા દરમિયાન આશ્વાસન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આ મામલે સરકાર સાથે વાત કરશે.

વિસ્થાપિતોનું પુનર્વસન ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
મેધા પાટકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી વિસ્થાપિત પરિવારોનું સંપૂર્ણ પુનર્વસન ન થાય અને સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં ન આવે ત્યાં સુધી તેમનો જળ સત્યાગ્રહ ચાલુ રહેશે. પાટકરે એવો પણ દાવો કર્યો હતો કે સમયસર ડેમના પાણીના સ્તરને નિયંત્રિત ન કરવાને કારણે મોટી સંખ્યામાં મકાનો ડૂબી ગયા છે અને લોકોની આજીવિકાને અસર થઈ રહી છે. સરકારે ડેમના દરવાજા ખોલવા અને અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન માટે નક્કર પગલાં લેવા પડશે.

આ પણ વાંચોઃ કોલંબસે નહીં, ભારતે અમેરિકાની શોધ કરી હતીઃ મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન

પાટકરના નેતૃત્વમાં જળ સત્યાગ્રહમાં ભાગ લેનાર ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો અધૂરા છે. ઘણા અસરગ્રસ્ત પરિવારો હજુ પણ યોગ્ય પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની જમીનો ડૂબી ગઈ છે, જેના કારણે તેમની આવકના સ્ત્રોતો ખોવાઈ ગયા છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તરફથી તેઓને વારંવાર માત્ર આશ્વાસનો મળે છે, પરંતુ જમીની સ્તરે તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગયા વર્ષે પણ જળસ્તર વધવાને કારણે તેમની ખેતીની જમીન નાશ પામી હતી અને આ વર્ષે પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' શું કહે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dr. Amarsinh Vaghela
    Dr. Amarsinh Vaghela
    જળસ્તર વધારવાનું કારણ એ પણ હોય શકે કે ધીરે ધીરે પાણીનું સ્તર વધે તો અરબ કન્ટ્રીમાં પહોંચાડી શકાય એટલો પાણીનો જથ્થો એમની પાસે થઈ જાય.. શાયદ આવું પણ હોઈ શકે... નર્મદાના પાણી અરબ કન્ટ્રીમાં પહોંચાડવાના છે તો કંઈક રસ્તો પણ શોધવો પડશે... મેનેજમેન્ટ બહુ સખત હૈ એક દિન પાંચ દિન પાંચ મહિને કા નહીં પાંચ સાલ કા એડવાન્સમે સોચ લેતી હૈ... આપ જો કર રહે હો, ઉન્હોંને ને પહેલે સે હી પાંચ સાલ પહેલે સોચ કે રખા હૈ... જય ભીમ ????????☝️????????
    2 months ago