10 હજારથી વધુ TRB જવાનો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર
શિક્ષકો, સરકારી કર્મચારીઓના આંદોલન બાદ રાજ્ય સરકાર સામે આંદોલનનો વધુ એક મોરચો ખૂલી ગયો છે.
રાજ્ય સરકાર સામે હડતાળનો વધુ એક મોરચો ખૂલી ગયો છે. રાજ્યના 10 હજારથી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનો તેમની માગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનો તેમાં વધારો કરીને તેને રૂ. 500 કરવાની માંગ કરી રહ્યાં છે. હડતાળના પગલે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં, જેના કારણે ટ્રાફિક મામલે અરાજકતા ફેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
TRB જવાનો પોતાની માગણીઓને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરશે.
ટીઆરબી જવાનોનું કહેવું છે કે, સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો હતો, પણ હજુ સુધી તેમને તેનો લાભ મળ્યો નથી અને ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.
TRB જવાનોનું કહેવું છે કે, અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચિમકી આપવામાં આવી હતી. જેના કારણે તેઓ સતત નોકરી જતી રહેવાના ભયમાં જીવી રહ્યાં છે. આ મામલે કાયમી ઉકેલ આવે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના માટે આંદોલન સિવાય છુટકો નથી.
આ પણ વાંચો: અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...