300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકને ચોર સમજીને માર્યા, એકનું મોત
ગેરેજમાં કામ કરતા ત્રણેય યુવકો મોડી રાત્રે ચા પીવા નીકળ્યા હતા. ટોળું તેમને ચોર સમજીને તૂટી પડ્યું. એક યુવકનું મોત થઈ ગયું,

Mob lynching in Vadodara: ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને ટોળું બેફામ બની ગમે તે વ્યક્તિ પર હુમલો કરી દે તેવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોતું રહી જાય છે. આ ઘટના વડોદરાની છે. જ્યાં ગઈકાલે મોડી રાત્રે વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે બે ત્રણ મુસ્લિમ યુવકો ચા પીવા બહાર નીકળ્યા હતા. એ દરમિયાન 300થી વધુ લોકોના ટોળાએ તેમને ચોર સમજીને માર માર્યો હતો. એક યુવક જેમતેમ કરીને ભાગવામાં સફળ રહ્યો હતો પણ બે યુવકો ટોળાંની ઝપટમાં આવી ગયા હતા. ટોળાએ બંનેને પકડીને જાહેરમાં માર મારી વીડિયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે.
વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના
શુક્રવારે મોડી રાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. આ દરમિયાન 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે.
ત્રણેય યુવકો ગેરેજમાં કામ કરતા હતા
પોલીસે તપાસ કરતા ત્રણેય યુવકો ફતેપુરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા શહેબાઝ પઠાણ, ઈકરમ અલી અને સાહિલ હતા. મોડી રાત્રે પોતાની બાઈક લઈને વારસિયા વિસ્તારમાં ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન ઝૂલેલાલ મંદિર પાસે તેમની બાઈક બંધ પડી ગઈ હતી ત્યારે લોકોએ ચોર ચોર સમજીને તેઓને માર માર્યા હતા. અને તેમાંથી સાહિલ નામનો યુવક ટોળામાંથી બચીને નીકળી ગયો હતો તેનો હજી કોઈ પત્તો નથી. જ્યારે લોકોના ટોળાએ ચોર સમજીને પકડી પાડીને સખત માર મારતા બંને યુવકો શહેબાઝ પઠાણ, ઈકરમ અલીને પોલીસે ઘવાયેલી હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં મોડી રાત્રે શહેબાઝ પઠાણનું મોત થયું હતું. જ્યારે ઈકરામ અલી સારવાર હેઠળ છે.
પરિવારને ન્યાયની માંગ કરી
આજે વહેલી સવારે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ થતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને લોકોએ ચોર સમજીને હુમલો કર્યો તે અંગે ન્યાય અપાવવાની માગણી કરવાની સાથે મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલમાંથી લઈ જવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી
બીજી બાજુ સાહિલ નામનો યુવકનો કોઈ પત્તો. તેના મિત્રોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરીમાં આ બંને યુવકોને ટોળાએ માર માર્યો હતો તેમ છતાં પોલીસે ટોળાને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. જે લોકોએ બંનેને અર્ધનગ્ન કરીને માર માર્યો છે તે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે આથી તેમની સામે કડક કાર્યવાહી જવી જોઈએ.
આ પણ વાંચોઃ પાટીદારોએ મુસ્લિમોને ઈદગાહ બનાવવા માટે દોઢ વીઘા જમીન દાનમાં આપી