બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દ નહીં હટે
સુપ્રીમ કોર્ટે બંધારણના આમુખમાંથી આ બંને શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે બંધારણ દિવસ પહેલા મોટો નિર્ણય આપતાં બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારા પછી આમુખમાં સામેલ કરવામાં આવ્યા હતા. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારે કહ્યું કે બંધારણના મૂળ તત્વને નુકસાન પહોંચાડ્યા વિના સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે.
કોર્ટે કહ્યું કે 26 નવેમ્બર 1949 જેવું આમુખ બનાવવા માટે આ બે શબ્દોને આમુખમાંથી દૂર શકાય નહીં. એ વાત સાચી કે છે કે, 26 નવેમ્બર 1949ના બંધારણ આ દેશના લોકોને સોંપવામાં આવ્યું હતું. પરંતુ બંધારણના સ્વીકારની તારીખ કલમ 368 હેઠળ આપવામાં આવેલા અધિકારોને છીનવી શકે નહીં. ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, સામાજિક કાર્યકર્તા બલરામ સિંહ અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે 42માં સુધારા બાદ બંધારણના ઘડવૈયાઓના મૂળ દ્રષ્ટિકોણને ખતમ કરી દેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 1976 માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા અને તે હકીકતથી કોઈ ફરક પડતો નથી કે બંધારણ 1949માં અપનાવવામાં આવ્યું હતું...જો આ દલીલો, જે અગાઉના કેસોમાં પ્રભાવી હતી તેને સ્વીકારવામાં આવે તો તે બધા સુધારાઓને લાગુ પડશે.’
સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે બંધારણ અપનાવવાની તારીખે જે પ્રસ્તાવના હતી તેને બદલવામાં આવી હતી. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે તેમને ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દો સામે કોઈ વાંધો નથી પરંતુ જે ગેરકાયદેસર રીતે તેને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા તેના પર વાંધો છે.
આ પણ વાંચો: ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?