દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી માર માર્યો, ડીજેમાં તોડફોડ કરી. લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિતોના વરઘોડા, જાન પર હુમલાઓની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે જાતિવાદી લુખ્ખાઓ દ્વારા મિથ્યાભિમાનમાં રાચીને દલિત વરરાજાને ઘોડી પર ન બેસવા દેવા, ડીજે ન વગાડવા દેવું જેવી બાબતે વિરોધ કરીને જાન કે વરઘોડા પર હુમલો કરવામાં આવતો હોય છે.
સામાન્ય રીતે જાતિવાદી તત્વોને પોલીસની કાર્યવાહીની બીક લાગતી હોય છે. પરંતુ અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં તો ખુદ વરરાજા પોલીસકર્મી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં ફરજ બજાવે છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની પણ પરવા કર્યા વિના વરઘોડા પર હુમલો કરી દીધો હતો.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ટિટૌવા ગામની ઘટના
ઘટના ઉત્તરપ્રદેશના બુલંદશહેરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનની છે. અહીં ટિટૌવા ગામમાં એક દલિત પોલીસકર્મીના વરઘોડા દરમિયાન જાતિવાદી તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાતિવાદી તત્વોએ વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને પથ્થરમારો કરીને ડીજેનું વાહન પણ તોડી નાખ્યું હતું. એ દરમિયાન વરઘોડામાં સામેલ મહિલાઓ સાથે પણ તેમણે અભદ્ર વર્તન કર્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે દલિત સમાજમાંથી આવતા વરરાજા યુપી પોલીસમાં સિપાહી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં સિપાહી છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની ગરિમા જાળવ્યા વિના પથ્થરમારો કરી વરઘોડામાં વિધ્ન ઉભું કર્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહીની તૈયારીઓ કરી છે.
વરરાજાને ઘોડી પરથી પાડી દીધા, ડીજે તોડી નાખ્યું
ઘટના 11 ડિસેમ્બર 2024ની છે. તે દિવસે દલિત વરરાજા રોબિનના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ગામના જાતિવાદી તત્વોને એક દલિત વરરાજો આ રીતે ઘોડીએ ચડીને ગામ વચ્ચેથી નીકળે તે ગમ્યું નહોતું. આથી તેમણે વરઘોડા પર હુમલો કરી દીધો હતો. તેમણે ન માત્ર મારામારી કરી પરંતુ દલિત સમાજના લોકોને જાતિસૂચક ગાળો પણ ભાંડી. આરોપીઓએ વરઘોડા પર બેસેલા વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં તેમણે ડીજેના વાહનને પણ તોડી નાખ્યું હતું.
જાતિવાદીઓ પથ્થરમારો કરી ફરાર થઈ ગયા
વરરાજાના પિતા નંદરામના જણાવ્યા મુજબ લગ્નની જાન નીકળવાની હતી. તેના માટે વરઘોડો કાઢવાનો હતો. પણ એ દરમિયાન અડધા ડઝનથી વધુ લોકો આવી પહોંચ્યા અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો. અરાજકતાવાદી તત્વોએ ઘોડી પર બેઠેલા તેમના પુત્રને નીચે ઉતારી દીધો અને વરઘોડામાં સામેલ ડીજેને પણ તોડી નાખ્યું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આખા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોઈને તરત પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
વરરાજા પોલીસ કોન્સ્ટેબલ છે
નંદરામે જણાવ્યું કે તેમનો પુત્ર રોબીન યુપી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ છે. તેની નોકરી લાગી હતી અને તેના લગ્ન હતા એટલે સૌ કોઈ ખુશ હતા. તેની થનાર પત્ની પણ બીએસએફમાં છે. આ બમણી ખુશીને અમે સારી રીતે ઉજવવા માંગતાહતા. પરંતુ જાતિવાદી તત્વોના કારણે ખુશીનો પ્રસંગ અરાજકતામાં ફેરવાઈ ગયો. સદનસીબે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ પછી ફરીથી જેમતેમ કરીને તૈયારીઓ કરી ફરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જો કે, તેમાં પહેલા જેવી મજા નહોતી રહી.
પોલીસે તપાસ શરૂ કરી
એસપી દેહત રોહિત મિશ્રાએ કહ્યું કે મામલો તેમના ધ્યાન પર આવ્યો છે અને ફરિયાદીઓની ફરિયાદના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરીને જેલ ધકેલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kantilal Chelabhai ParmarVery good ????