લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય

મનુવાદીઓએ ફેલાવેલી અંધશ્રદ્ધા, કુરિવાજોની પોતાની આગવી સ્ટાઈલમાં ધુલાઈ કરનારા બહુમુખી પ્રતિભાના ધણી ડૉ. સ્વપ્નિલ મહેતાએ વિદાય લીધી છે.

લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય
image credit - facebook.com

બહુજન સમાજ પાસે આમ પણ સારું અને સાચું લખતા લેખકો, પત્રકારોની ખોટ છે ત્યારે આજે તે સમસ્યાને વધુ ઘેરી બનાવતી એક ઘટના બની છે. લેખક, વ્યંગકાર, પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જેવી બહુમુખી ઓળખ ધરાવતા ડૉ. સ્વપ્નિલ મહેતાએ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી છે. ફક્ત 55 વર્ષની કાચી ઉંમરે કેન્સર જેવી જીવલેણ બિમારી સામે લડતા લડતા તેમનું આજે સવારે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ પત્ની અને બે દીકરાઓ સહિત તેમના હજારો વાચકોને રડાવીને દુનિયાને અલવિદા કહી ગયા છે. વચ્ચે લોકસભા ચૂંટણી દરમિયાન અત્યંત ખરાબ તબિયત વચ્ચે પણ તેમણે વ્હિલચેરમાં બેસીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરતું મતદાન કર્યું હતું. એ વખતે તેમણે આ લખનારને ફોન કરીને તેનો ફોટો પણ મોકલ્યો હતો. અફસોસની કે તેમની એ સ્ટોરી વ્યસ્તતાને કારણે લખાઈ ન શકી. જેનો વસવસો કાયમ રહેશે.

ફોટો સાભારઃ આર.કે.સ્ટુડિયોઝ

સ્વપ્નિલ મહેતાનો જન્મ 29 ઓગસ્ટ 1968ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. સ્વભાવે અને આત્માથી સંપૂર્ણતઃ શિક્ષણનો જીવ હોવાથી ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણના તજજ્ઞ તરીકે તેઓ દેશભરમાં જાણીતા હતા. વિવિધ સામયિકો, ન્યૂઝ પેપરો અને સોશિયલ મીડિયામાં તેમના લેખો, કોલમો નિયમિત રીતે પ્રસિદ્ધ થતા હતા. સંદેશ દૈનિકમાં તેમની હાસ્યવ્યંગ પરની કોલમ 'સાભાર પરત' ભારે લોકપ્રિય થઈ હતી. ટીવી, રંગભૂમિ, દસ્તાવેજી ચિત્રો અને ફિલ્મ લેખનમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. જો કે, સામાજિક નિસબત ધરાવતા વ્યંગ ઉપર તેમની જબરી હથોટી હતી.

તેમણે ડબલ ગ્રેજ્યુએટ, એમએ, બીએડ, પત્રકારત્વમાં ડિપ્લોમા, ઓડિયો વિઝ્યુઅલ ડિપ્લોમા અને હાસ્ય લેખક 'વિનોદ ભટ્ટ - એક અધ્યયન' વિષય પર મહાશોધનિબંધ આપીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળી હતી. સાથે જ તેઓ ગુજરાતના અનુસૂચિત જાતિ-જનજાતિના પત્રકારોના રાજ્યવ્યાપી સંગઠન 'અજાજ મીડિયા ટ્રસ્ટ'ના પ્રમુખ તરીકે પણ લાંબો સમય સેવા આપી ચૂક્યા હતા.

સ્વપ્નિલભાઈ 'આરટીઆઈ ઈમ્પેક્ટ' નામનું વીકલી ચલાવતા હતા. જેમાં તેમણે મુખ્યધારાનું મીડિયા જેમને અડવાની પણ હિંમત ન કરે તેવા વિષયો પર પાનાં ભરી ભરીને લખેલું. મહિનાઓ સુધી આરટીઆઈ કરીને સરકાર પાસે જવાબો માંગે, પછી જે માહિતી મળે તેનું વિશ્લેષણ કરે અને પોતાની આગવી સ્ટાઈલમાં 'આરટીઆઈ ઈમ્પેક્ટ'ના પાનાં પર ચડાવે. તેમની કસાયેલી કલમના કારણે સાહિત્ય અકાદમીમાં લાયકાત વિના ઘૂસી ગયેલો એક કારકૂન કેવી રીતે અકાદમીનો અધ્યક્ષ બની ગયો અને સરકારનું પેન્શન ખાઈ રહ્યો છે તેની લોકોને જાણ થઈ હતી. અકાદમીમાં ખરીદવામાં આવેલા સામાન, એસીમાં એ કારકૂને લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું તેની સ્ટોરી સ્વપ્નિલભાઈએ 'આરટીઆઈ ઈમ્પેક્ટ'માં છાપેલી, જેણે હોબાળો મચાવી દીધો હતો.સ્વપ્નિલભાઈ હાસ્ય લેખક વિનોદ ભટ્ટને પોતાના ગુરૂ માનતા હતા. તેમના પર તેમણે પીએચડી કરેલું. જો કે એ જ વિનોદ ભટ્ટે તેમના પુસ્તકનું ટાઈટલ 'સાભાર પરત' ચોરીને પોતાના નામે ચડાવી દીધું હતું. તેમ છતાં એ વિનોદ ભટ્ટને તેમણે માફ કરેલા. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ સ્વપ્નિલભાઈના 'આરટીઆઈ ઈમ્પેક્ટ'થી ભારે ડરતા હતા. જો કે આર્થિક તંગી અને મહેનત સામે શૂન્ય આવકને કારણે તેઓ તેને નિયમિત રીતે ચલાવી શકતા નહોતા. એ દરમિયાન તેમને કેન્સર હોવાનું સામે આવ્યું અને એ પછી તેઓ તેમાંથી બહાર જ ન આવી શક્યા. હાલ તેમને ચોથા સ્ટેજનું કેન્સર હતું. કદાચ તેમને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમની પાસે વધુ સમય નથી. એટલે જ તેમણે શરીર સાથ નહોતું આપતું તોય લેખનકાર્ય ચાલું રાખ્યું હતું. સ્વપ્નિલભાઈ જેવા બહુમુખી પ્રતિભાના વ્યક્તિત્વની બહુજન સમાજની કાયમ ખોટ રહેશે. તેમની વિદાય પર તેમને અશ્રુભીની શ્રદ્ધાંજિલ. ખબરઅંતર.કોમ તમારી સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કાયમ યાદ રાખશે.

સ્વપ્નિલભાઈનો એકમાત્ર લેખઃ દેખાતો નહોતો પણ અમીન સાહેબની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુંલડી વળગેલા હતા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Bharat Kumar Chauhan
    Bharat Kumar Chauhan
    Aa post vanchi ne jagrukta avi
    6 months ago
  • Bipin Parmar
    Bipin Parmar
    સ્વપ્નિલ ભાઇ ને રૂબરૂ ના મળી સકાયું તેનો અફસોસ આખી જીંદગી રહશે ..... મારી ઓફિસ માં આવ્યા હતા શ્રી સ્વપ્નિલ ભાઈ અને શ્રી મૂળચંદ ભાઈ રાણા સાહેબ....2 કલાક બેઠા હતા...પણ અફસોસ.....
    6 months ago