ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ
ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની અતિમહત્વની ફ્રી શીપ કાર્ડ યોજનાની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 8 લાખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.

ગુજરાતમાં વિવિધ જાતિઓ માટેની યોજનાઓમાં દરેક મોરચે કાટલાં કેવા અલગ અલગ છે અને કેવું લહેરિયું ખાતું ચાલે છે તેનું સૌથી મોટું ઉદાહરણ રાજ્ય સરકારની ફ્રી શીપ કાર્ડ યોજના છે. આ યોજનામાં એકબાજુ ઓબીસી વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ. 8 લાખ સુધીની છે, જ્યારે એ જ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા રૂ. 2.5 લાખ નક્કી કરવામાં આવી છે. આભડછેટ જેવી સામાજિક બદ્દીઓને કારણે અનુસૂચિત જાતિ સમાજ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઓબીસી સમાજ કરતા પણ ક્યાંય પછાત જીવન જીવવા મજબૂર છે ત્યારે સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાની આવક મર્યાદા 2.5 લાખ રાખી છે. જેના કારણે અનુસૂચિત જાતિના સેંકડો ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ અન્યાયી મામલે હવે મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને સમાજ કલ્યાણ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા તેમના વિભાગના અધિક સચિવ સુનયના તોમર અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.
કાંતિભાઈએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "રાજ્યમાં અનુસૂચિત જાતિના લાખો વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી રાજ્યની અલગ અલગ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મેળવી કોલેજોની લાખો રૂપિયાની મોંઘી ફીની માફીનો લાભ મેળવે છે. અનુસૂચિત જાતિના આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરે છે. આ યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની અને આશીર્વાદ સમાન છે. આ યોજનામાં રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ રૂ. 2.5 લાખની આવક મર્યાદા રાખેલ છે. જેનાથી એસસી સમાજના હજારો વિદ્યાર્થીઓ તેના લાભથી વંચિત રહી જાય છે. ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે તમામ યોજનાઓમાં રૂ. 8(આઠ) લાખની આવક મર્યાદા નક્કી કરી હોય તો અનુસૂચિત જાતિના વિધાર્થીઓ સાથે આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે તે સમજથી બહાર છે. અમારી માંગણી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે અને ફ્રી શીપ કાર્ડમાં આવક મર્યાદા તાત્કાલિક વધારવામાં આવે. રાજ્યમાં રૂ. 8(આઠ) લાખની આવક મર્યાદામાં આવતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળે તે માટે તાત્કાલિક વિના વિલંબે રાજ્ય સરકારે નિર્ણય લઈ નવો પરિપત્ર કરવો તેવી વિનંતી છે. રાજ્યમાં હાલ ધોરણ 12 અને ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે ત્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 2.5 લાખની આવક મર્યાદાના કારણે આ યોજનાના લાભથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી નવી આવક મર્યાદા રૂ. આઠ લાખ નક્કી પરિપત્ર કરવા વિનંતી છે."
આ પણ વાંચોઃ શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?
આ મામલે અરજીકર્તા કાંતિલાલ પરમારે ખબરઅંતર.કોમને જણાવ્યું હતું કે, "છેલ્લાં ઘણાં સમયથી ફ્રી શીપ કાર્ડ યોજનામાં અનુસૂચિત જાતિ સમાજ સાથે થઈ રહેલો અન્યાય મારી નજરમાં હતો. તમે જુઓ કે, ઓબીસી સમાજ માટેની યોજનાઓમાં રાજ્ય સરકારે આવક મર્યાદા રૂ. 8 લાખ રાખી છે. પણ તેનાથી પણ નબળી આર્થિક-સામાજિક પરિસ્થિતિમાં જીવતા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે તેમણે ફ્રી શીપ કાર્ડ જેવી અતિ મહત્વની યોજનામાં આવક મર્યાદા રૂ. 2.5 લાખ રાખી છે. મતલબ ઓબીસી સમાજનો વિદ્યાર્થી 8 લાખની આવક સુધી ગરીબ અને અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી 2.5ની આવકે ગરીબ? આ અન્યાય કોઈ કાળે સાંખી લેવાય તેમ નહોતો. આથી મેં આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, તેમના અધિક સચિવ સુનયના તોમર અને સમાજ કલ્યાણ વિભાગને લેખિતમાં અરજી કરી છે. આ મામલે જે કંઈપણ કરવાનું થશે તે તમામ મોરચે લડત આપવાની અમારી તૈયારી છે."
આ પણ વાંચોઃ અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામ ભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Balkrishna Sondarvaઅત્યાર સુધી આ અન્યાય થતો રહ્યો, SC સમાજ જાગૃત નહીં હોવાથી સહન કર્યું, પણ SC ના ધારાસભ્યો, અન્ય પરોનિધીઓ પણ આંગળી ઉંચી કરવા વાળા બની રહ્યા?શા માટે પ્રતિનિધિ બનવાની તક છોડતા નથી જ્યારે કાંઈ સમજ પડતી નથી, કાયદાકીય રીતે કે સામાજિક રીતે?રાજકીય પાર્ટી હમેશાં અશિક્ષિત, અર્ધ શિક્ષિત, કહ્યાગારા માણસોને SC ના પ્રતિનિધિ બનાવે છે અને sc સમાજને અન્યાય કરવામાં કોઈ વિરોધ, દલીલો થી બચી જાય છે.
-
Balkrishna Sondarvaઅનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આવક મર્યાદામાં રાખીને સરકાર અન્યાય કરી રહી છે. ધનવાન અનુસૂચિત જાતિના ઇસમો ને જાતિ ના કારણે ઘણા ભેદ ભાવ નો સામનો કરવાનો થાય છે તથા ધંધામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. જે obc સમાજ ના લોકોને ઓછા પ્રમાણમાં અસર કરે છે
-
Ajit kumar1%કોલો જાગે છે ને લાભ આખા સમાજને મળે છે.. જો આખો sc સમાજ જાગે તો. ધાર્યું પરિણામ મળે...
-
Ajit kumar1%કોલો જાગે છે ને લાભ આખા સમાજને મળે છે.. જો આખો sc સમાજ જાગે તો. ધાર્યું પરિણામ મળે...
-
Pravinchandra kalaખુબ જ સરસ આ કાર્ય મા તમને સફળતા મળે. આવક મયૉદા 8 લાખ થાઈ તો આપણા સમાજ ને ખુબ જ ફાયદો થશે. આભાર. પરમાર સાહેબ