બૌદ્ધ ધર્મીઓનો પર્સનલ લૉ હોવો જોઈએ, તમિલ સાંસદે કેન્દ્રને રજૂઆત કરી
ભારતમાં બૌદ્ધ ધર્મીઓનો પર્સનલ લૉ ન હોવાથી તેમણે હિંદુ કાયદાનું પાલન કરવું પડે છે. તેથી આ મામલે કેન્દ્ર સરકારને બૌદ્ધ પર્સનલ લૉ માટે રજૂઆત કરાઈ છે

ભારતમાં બૌદ્ધો માટે કોઈ પર્સનલ લૉ નથી. આ કારણે તેમણે લગ્ન અને વારસાની બાબતોમાં હિન્દુ પર્સનલ લૉની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને તમિલનાડુના લોકસભા સાંસદ અને વિદુથલાઈ ચિરુથઈગલ કાચી(VCK) પાર્ટીના પ્રમુખ ડૉ. થોલ થિરુમાવલવને 24 જુલાઈ, 2024ના રોજ કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખીને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અલગ પર્સનલ લૉની જોગવાઈ માટે પહેલ કરવાની માંગ કરી છે.
આ પત્રમાં ડો. થોલ થિરુમાવલવને લખ્યું છે કે,"આ એક વૈશ્વિક સિદ્ધાંત છે કે દરેક સમાજને તેના પોતાના પર્સનલ લૉનો વિશેષાધિકાર છે. પરંતુ આપણા દેશમાં મૂળ બૌદ્ધ અનુયાયીઓ અને ડો. આંબેડકરની પ્રેરણાથી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરનાર બૌદ્ધ અનુયાયીઓ પાસે તેમના લગ્ન અને વારસા અંગે કોઈ કાનૂની જોગવાઈઓ નથી. આવું એટલા માટે છે કારણ કે બંધારણની કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતા અને વ્યવસાયનો અધિકાર) ના બીજી કલમમાં બૌદ્ધોને હિંદુ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેના કારણે તેમને હિંદુ પર્સનલ લોની જોગવાઈઓ લાગુ પડે છે."
આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું
લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિન્દુ શબ્દનો અર્થ શીખ અને જૈન ધર્મ પણ થાય છે, પરંતુ તેમના માટે લગ્ન સંબંધિત અલગ કાયદાકીય જોગવાઈ છે (આનંદ વિવાહ એક્ટ). એ જ રીતે, ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓ માટે લગ્ન સંબંધિત અલગ કાયદાકીય જોગવાઈઓ છે.
તેમણે નોંધ્યું હતું કે, એક અલગ પર્સનલ લૉ બૌદ્ધ ધર્મીઓના એ અધિકારને સુનિશ્ચિત કરશે કે તેમના લગ્ન સંબંધિત સંસ્કાર કોર્ટોમાં કાયદેસર થાય. મહારાષ્ટ્રમાં આવા ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં હિંદુ મેરેજ એક્ટ હેઠળ બૌદ્ધ ધર્મની રીતે કરવામાં આવતા લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે
આનું કારણ જણાવતાં ડૉ. થોલ થિરુમાવલવને તેમના પત્રમાં લખ્યું છે કે "ટેકનિકલી હિંદુ મેરેજ એક્ટ કોઈપણ લગ્નને ત્યારે જ માન્ય ગણે છે જો તેમાં શપ્તપદીની વિધિ સામેલ હોય, જેમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવામાં આવે છે. પરંતુ આ સંસ્કાર માત્ર એક વૈદિક સંસ્કાર છે જે ફક્ત હિન્દુઓને જ લાગુ પડે છે. જ્યારે બૌદ્ધ અને નવબૌદ્ધ બંને માટે જરૂરી છે કે લગ્ન સમયે બંને બુદ્ધ અને ડૉ. આંબેડકરના ચિત્રો સામે બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રાર્થના અને શપથનું અનુસરણ કરે. આ પછી તેમણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સ્થાનિક સરકારી નોંધણી અધિકારી પાસે તેમના લગ્નની નોંધણી કરાવવી પડે છે.
તેમના પત્રમાં ડૉ. થિરુમાવલવને લખ્યું છે કે, આ પહેલા વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા જસ્ટિસ એમ.એન. વેંકટાચલિયા કમિશને પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે બંધારણની કલમ 25(2)(b)માં જરૂરી સુધારા કરીને બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મનો દરજ્જો આપવો જોઈએ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અલગ પર્સનલ લૉ હોવો જોઈએ. ડૉ. થિરુમાવલવને પોતાના પત્ર દ્વારા ભારત સરકારને તેને લાગુ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Mayur DafdaJay Bheem namo budhhay