A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ

અત્તર અને શાયરના શહેર પાલનપુરે ગુજરાત અને ભારતને અનેક રત્નો ભેટ ધર્યા છે. જેમાંના એક એટલે ફોટોગ્રાફીના માસ્ટર કલાકાર મનાતા એ.એલ. સૈયદ. ફોટોગ્રાફીની જ્યાં પણ જરૂર વર્તાય છે તેવા દરેક ક્ષેત્રમાં સૈયદ સાહેબની ફોટોગ્રાફીએ માસ્ટરપીસ તરીકે પોતાની હાજરી નોંધાવી હતી. અહીં તેમની એ જર્ની વિશે પાલનપુરી લેખક હિદાયત પરમાર વિસ્તારથી વાત કરે છે.

A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ
all Image credit: A. L. Syed

ગુજરાતની ધરતીનો એકાદ ખૂણો એટલો ઉપજાઉ અને કસદાર હોય છે કે તેમાંથી પાણીદાર મોતી જ પાકતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવી ધીંગી ધરા એટલે નવાબીકાળનો ભૂતકાળ વાગોળતું અત્તર અને શાયરોનું શહેર પાલનપુર. કેળવાયેલું, સંસ્કારી, સાહિત્યપ્રેમી, ખુશનુમા મિજાજનું શહેર પાલનપુર. આ શહેરે કંઈ કેટલાય રત્નો ગુજરાતને અને ભારત દેશને ભેટ ધર્યા છે. જેવા કે શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, ભાઈખાનભાઈ બલોચ, રફીકમીયાં કાદરી, ક્રિકેટર જાવેદ મિયાં દાદ(પાકિસ્તાન), ફખરુદ્દીન ખોરાકીવાલા, એફ. એ. કાદરી, ડૉ. ઈદ્રિસ, ચંદ્રકાંત બક્ષી, એફ. એમ.કાદરી વગેરે.

નવાબ શેર મોહંમદખાનજીના નવાબીકાળમાં પાલનપુરથી ૧૫ કિ.મી. દૂર આવેલ વરણાવાડા ગામમાં પાલનપુર સ્ટેટના નવાબી હકીમ સૈયદ લાલમિયાંને ત્યાં ર ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ પુત્રનો જન્મ થાય છે. જેનું નામ રાખવામાં આવે છે આબીદ અલી. જેઓ આગળ જતા ફોટોગ્રાફર એ.એલ. સૈયદ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા અને ફોટોગ્રાફીની કળામાં પાલનપુરનું નામ રોશન કર્યું.


પિતા લાલમિયાંની ખ્વાહિશ હતી કે આબિદઅલી હકીમ(ડોકટર-વૈદ) થાય. પરંતુ એમના મોટાભાઈ કે. એલ. સૈયદના સહવાસમાં રહેવાથી તેઓ ફોટોગ્રાફર બની ગયા. તેઓ પહેલેથી જ તેમના મોટા ભાઈ કે.એલ. સૈયદ સાથે કામ કરી રહ્યા હતા. જેઓ એક જાણીતા સ્વતંત્ર ફોટોગ્રાફર અને પાલનપુરમાં સત્તાવાર કોર્ટ ફોટોગ્રાફર હતા. પરંતુ તેમના ભાઈથી વિપરીત, એ.એલ. પોટ્રેટથી આગળ વધી ગયા અને ૧૯૩૪માં લેવાયેલા તેમના પ્રખ્યાત ફોટોગ્રાફ ‘ટ્રાવેલર ઓફ ધ ઈસ્ટ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને ઓધન પ્રેસ હોમ લાઇબ્રેરી શ્રેણીમાં વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સમાંના એક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી તે ૪૦ થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનો એક ભાગ છે અને ૧૯૩૫માં વાર્ષિક પોપ્યુલર ફોટોગ્રાફી એવોર્ડનો વિજેતા છે. બાદમાં અમેરિકામાં તે પ્રખ્યાત હચિન્સન કલેક્શનનો ભાગ બન્યો.


પહેલવહેલાં ૧૯૨૩માં શ્રી સૈયદ મુંબઈની શાળાની મુલાકાત લે છે, જે મુલાકાત તેમના જીવનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સફરમાં તેમણે ચોપાટી પર સૂર્યાસ્ત સમયે ક્લિક કરેલો ફોટોગ્રાફ 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાઝ સ્નેપ શૉટ' સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીતે છે. પછીના પાંચ દાયકાઓ સુધી તેમના ફોટોગ્રાફ્સ નિયમિતપણે સાપ્તાહિકના પાનાં પર આવતા રહે છે. કલાની વિશાળ દ્રષ્ટિ, આગવી કોઠાસૂઝ તેમજ છાયાને પ્રકાશનું સંયોજન કરવાની હથોટી. ફોટોગ્રાફી કલાની પાછળ લગનથી લાગી જઈને આબિદભાઈએ ફોટોગ્રાફી કલા ક્ષેત્રે અદ્ધભૂત તસવીરો લઈને અનેક ઈનામો મેળવ્યા. દેશભરના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના અનેક મેગેઝિનોમાં એમની તસવીરો વર્ષો સુધી પ્રગટ થતી રહી.


૧૯૨૫માં જાણીતા કલાકાર રવિશંકર રાવળ દ્વારા સંપાદિત ગુજરાતી સામયિક ‘કુમાર’માં તેમની છબીઓ સૌપ્રથમ આવવાની શરૂ થઈ અને ૧૯૪૦માં પ્રકાશન બંધ થયું ત્યાં સુધી તેઓ ફોટાં અને વિશેષ લેખો સાથે નિયમિત યોગદાન આપતા રહ્યા.


બોલીવૂડમાં પણ એ.એલ. સૈયદે પાલનપુર અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ફિલ્મ ક્ષેત્રે કે. આસિફની ઐતિહાસિક ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં સ્પેશિયલ સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કામ કરી તેમણે સારી એવી નામના મેળવી હતી. અભિનેતા દિલીપકુમાર-સાયરાબાનુના લગ્ન પ્રસંગની ફોટોગ્રાફી પણ શ્રી સૈયદના હસ્તે કંડારાઈ હતી. મુંબઈની ઘણી મહાન હસ્તીઓ સાથે તેમને ઘરોબો હતો.


૧૯૭૭માં યુનેસ્કો ફોટો કોન્ટેસ્ટ માટે એશિયા પેસિફિકના 15 દેશોના વિખ્યાત ફોટોગ્રાફરોની ૨૫૦૦ જેટલી તસવીરોનું પ્રદર્શન જાપાનના ટોકિયો ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં શ્રી સૈયદે પાડેલ 'જેસલમેરના રણ' ની તસવીરને શ્રેષ્ઠ ઈનામ પ્રાપ્ત થયું હતું. ફોટોગ્રાફી કલા ક્ષેત્રે પાલનપુરનું નામ વિશ્વભરમાં રોશન કરનાર ફોટોગ્રાફી કલાના કસબી મર્હુમ એ. એલ. સૈયદના જન્મને ૧૦૦ વર્ષ પુરા થતાં પાલનપુરના કદરદાન નાગરિકોએ તા. ૧૦ એપ્રિલ ૨૦૦૪ના રોજ તેમની 'જન્મ શતાબ્દિ' ઉજવેલ. મહેન્દ્ર બ્રધર્સ મુંબઈના સહયોગથી શહેરના આશીર્વાદ હોલમાં ભવ્ય કાર્યક્રમ અને પ્રદર્શન યોજવામાં આવેલ. આ વખતે શ્રી સૈયદના ચુનંદા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનો બે દિવસ સુધી પાલનપુરના શહેરીજનોએ લાભ લીધો હતો. પાલનપુરના વતની અને હીરાબજારની અગ્રગણ્ય પેઢી મહેન્દ્ર બ્રધર્સે વતનના આ મહાન સપૂતના અમર વારસાને ચિરંજીવી રાખવા માટે આ કાર્યક્રમને સ્પોન્સર કરી કલાની કદર કરી હતી.


પાલનપુરના નવાબજાદા મુઝફફર મુહંમદખાનની ઉપસ્થિતિમાં આ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી સૈયદના માનમાં પ્રસંગને અનુરૂપ સોવેનિયર પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી કાઉન્સિલના પ્રમુખ ઓ. પી. શર્માએ શ્રી સૈયદને દિમાગથી ફોટોગ્રાફી કરનાર કલાકાર તરીકે બિરદાવ્યા હતા.

કેમેરા સોસાયટી, દિલ્હી દ્વારા આયોજિત ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફીના છઠ્ઠા સંમેલન એવા તેમના અનેક વન-મેન શોમાંથી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી. ગીરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા દ્વારા તેમની શતાબ્દીની ઉજવણી નિમિત્તે આયોજિત ફોટોગ્રાફીક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાનું સન્માન પણ તેમને મળ્યું હતું. પાછળથી ૧૯૮૩માં તેઓ ફોટોગ્રાફીની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન અને સેવા માટે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલનું સર્વોચ્ચ સન્માન માનદ ફેલોશિપ મેળવનારા વિશ્વના ૧૦ પ્રતિષ્ઠિત ફોટોગ્રાફરોમાંના એક બન્યા હતા.


આબિદ મિયાં લાલ મિયાં સૈયદના ૯૩ માસ્ટરલી ડ્યુઓટોન ફોટોગ્રાફ્સનો સંગ્રહ 'વિઝન ફ્રોમ ધ ઈનર આઈઃ ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ' 
પુસ્તક સ્વરૂપે પ્રકાશિત એ તેમને આદર અંજલિ છે અને તેમના કામની યોગ્ય પસંદગી છે. ૭૦ વર્ષની કારકિર્દીમાં તેઓ કદાચ વીસમી સદીની ભારતીય ફોટોગ્રાફીની દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા.


એ. એલ. સૈયદ ફોટોગ્રાફર કરતાં પણ વધુ વિશેષ વ્યક્તિત્વ હતું; તેઓ એક માસ્ટર આર્ટિસ્ટ હતા, જેઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે ભારતમાં અને વિદેશમાં ખૂબ માન પામ્યા હતા. દેશભરમાં રોજિંદા જીવનની નોંધપાત્ર છબીઓ લેવામાં અને ઉત્કૃષ્ટ પોટ્રેટ બનાવવાની તેમની કુશળતાએ  ૩૦ ઓગસ્ટ, ૧૯૯૧ ના રોજ તેમના અવસાન થયા પછી તેમના કાર્યને લાંબા સમય સુધી જીવંત રાખ્યું છે.

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને બહુજન વિચારધારાના પક્ષધર છે) (સાભારઃ ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો ભાગ - ૧, પાલનપુર ઓનલાઇન પોર્ટલ, વિઝન ફ્રોમ ધ ઈનર આઈઃ ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ)

આગળ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.