શૈલજા પાઈક : 7 કરોડની 'જિનિયસ ગ્રાન્ટ' મેળવનાર પ્રથમ દલિત મહિલા
Shailja Paik - The first Dalit woman to receive genius grant : બહુજનો ગર્વથી છાતી કાઢીને 'જય ભીમ'ની સિંહગર્જના કરી શકે એવા એક સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી એક દલિત મહિલાએ વિશ્વ વિખ્યાત મેકઆર્થર ફાઉન્ડેશન (MacArthur Foundation) ની રૂ. 8 લાખ ડોલર એટલે કે રૂ. 6.7 કરોડની જિનિયસ ગ્રાન્ટ (Genius Grant) મેળવી છે. એ વ્યક્તિ એટલે ભારતીય-અમેરિકન પ્રોફેસર શૈલજા પાઈક (Shailja Pike). તેઓ દલિત સમાજ (Dalit Community)માંથી આવે છે અને દલિત મહિલાઓ (Dalit Women) પર સંશોધન (Reaserch) કરી તેમના મુદ્દાઓ પર લખે છે. તેમને આઠ લાખ ડોલર (આજના ભારતીય ચલણમાં આશરે રૂ. 6.7 કરોડ)ની 'જિનિયસ ગ્રાન્ટ' (Genius Grant) પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ મેકઆર્થર ફાઉન્ડેશન (MacArthur Foundation) દ્વારા આપવામાં આવી છે. મેકઆર્થર ફાઉન્ડેશન દર વર્ષે નોંધપાત્ર સિદ્ધિ અથવા તેવી ક્ષમતા ધરાવતી વ્યક્તિઓને આ ગ્રાન્ટ આપે છે.
કોણ છે શૈલજા પાઈક?
શૈલજા પાઈક (Shailja Pike) ઇતિહાસના પ્રતિષ્ઠિત રિસર્ચ પ્રોફેસર છે અને સિનસિનાટી યુનિવર્સિટી (University of Cincinnati) માં મહિલા, લિંગ અને લૈંગિકતા કેસ સ્ટડીઝ અને એશિયન સ્ટડીઝમાં આસિસ્ટન્ટ ફેકલ્ટી (Assistant Faculty) છે. તેમનું કાર્ય દલિત મહિલાઓ અને જાતિના ભેદભાવ પર કેન્દ્રિત છે.
મેકઆર્થર ફાઉન્ડેશને શૈલજા પાઈક વિશે શું કહ્યું?
શૈલજા પાઈકની ફેલોશિપની જાહેરાત કરતા મેકઆર્થર ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, "દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર પોતાના ફોકસના માધ્યમથી શૈલજા પાઈક જાતિગત ભેદભાવની સ્થાયી પ્રકૃત્તિ અને અસ્પૃશ્યતાને કાયમ રાખતા પરિબળોની વ્યાખ્યા કરે છે. તેમણે જાતિગત વર્ચસ્વના ઇતિહાસ પર નવી અંતરદ્રષ્ટિ પ્રદાન કરી છે અને તે પદ્ધતિઓને શોધી કાઢી છે જેમાં જેન્ડર અને સેક્સુઅલિટીનો ઉપયોગ દલિત મહિલાઓની ગરિમા અને વ્યક્તિત્વને નકારવા માટે કરવામાં આવે છે."
શૈલજા પાઈકનો ઉછેર અને શિક્ષણ
નેશનલ પબ્લિક રેડિયો (NPR) સાથેની મુલાકાતમાં શૈલજા પાઈકે જણાવ્યું હતું કે, તેઓ દલિત સમાજમાંથી આવે છે. મહારાષ્ટ્રના પુણેમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેઓ ઉછર્યા છે. તેમના પિતાના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી તેઓ પ્રેરિત થયા હતા અને આગળ જતા સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. બાદમાં પીએચડી માટે યુકેની વારવિક યુનિવર્સિટી ગયા. તેમણે યેલ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયન ઇતિહાસના વિઝિટિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.
મેકઆર્થર ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, શૈલજા પાઈકનો નવો પ્રોજેક્ટ એવી મહિલા કલાકારોના જીવન પર ધ્યાન કેન્દ્રિત છે જે જાતીય વિષયો સાથે સંબંધિત લોક રંગમંચ 'તમાશા' માટે કામ કરે છે. મહારાષ્ટ્રમાં સદીઓથી આ પ્રકારનું થિયેટર મુખ્યત્વે દલિતો દ્વારા પ્રચલિત છે. આ પ્રોજેક્ટના આધારે શૈલજા પાઈકે 'ધ વલ્ગારિટી ઑફ કાસ્ટઃ દલિત્સ, સેક્સ્યુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઇન મોડર્ન ઈન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.
મેકઆર્થર ફાઉન્ડેશને કહ્યું, "તમાશાને એક આદરણીય અને મરાઠી સાંસ્કૃતિક પ્રથા તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસો છતાં, 'અશ્લીલ' શબ્દ તમાશા થિયેટર માટે કામ કરતી દલિત મહિલાઓ સાથે ચોંટી ગયો છે. પાઈકે વીસમી સદીના સૌથી પ્રભાવશાળી જાતિ ઉન્મૂલનવાદી અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકર સાથે થયેલા જાતિ ભેદભાવોનો પણ તેમના સંશોધનમાં વણી લીધાં છે."
જિનિયસ ગ્રાન્ટ શું છે?
મેકઆર્થર ફેલોશિપને સામાન્ય રીતે જિનિયસ ગ્રાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ફેલોશિપ શિક્ષણ, વિજ્ઞાન, કળા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોના લોકોને આપવામાં આવે છે. ફાઉન્ડેશનની દ્રષ્ટિએ આ એવા અસામાન્ય પ્રતિભાશાળી અને રચાનાત્મક વ્યક્તિ હોય છે, જેઓ પોતાની પ્રતિભાનું આ ગ્રાન્ટ થકી રોકાણ કરે છે.
ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ફેલોશિપ માટેની પસંદગી અનામી રીતે મળેલી ભલામણોના આધારે કરવામાં આવે છે. ભારતીયો માટે સૌથી મહત્વની વાત એ છે કે, આ ગ્રાન્ટ કોઈપણ પ્રકારની અરજી, લોબીંગ કે શરતો વિના તે મેળવનારને પાંચ વર્ષ માટે આપવામાં આવે છે. મેકઆર્થર ફેલોશિપ 1981 થી અત્યાર સુધીમાં કુલ 1,153 વ્યક્તિઓને મળી ચૂકી છે અને આ યાદીમાં સ્થાન મેળવનાર શૈલજા પાઈક પ્રથમ દલિત મહિલા છે.
શૈલજા પાઈકને આ ફેલોશીપ મળી તેનું એ રીતે પણ મહત્વ રહેલું છે કે, ભારતમાંથી તે મેળવનાર મોટાભાગના સવર્ણો છે અને તેમાં એક દલિત મહિલાએ પોતાની પ્રતિભાના જોરે સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં આ ફેલોશીપ મેળવનાર કેટલાક નોંધપાત્ર લોકોમાં લેખક રૂથ પ્રોવર ઝાબવાલા, વેદ મહેતા, કવિ એ.કે. રામાનુજન અને અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને સેંધિલ મુલૈનાથનનો સમાવેશ થાય છે.
જ્યારે શૈલજા પાઈકને જાતિવાદનો પહેલો અનુભવ થયો
શૈલજા પાઈકનો પરિવાર મૂળે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનો રહેવાસી છે. વર્ષ 1990માં તેઓ ત્યાંથી પૂણે આવી ગયા હતા, કેમ કે ગામમાં તેમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
એક ઈન્ટરવ્યુમાં શૈલજા પાઈક પોતાના બાળપણના દિવસોને યાદ કરીને કહે છે, "એક વખત હું મારી દાદી સાથે એક કથિત ઉચ્ચ જાતિના પરિવારને મળવા ગઈ હતી. ત્યારે અમને જમીન પર બેસાડીને માટીના કપમાં ચા પીવા આપી હતી. મેં જોયું કે ત્યારે એ મહિલા ખુદ ખુરશી પર બેઠી હતી. એ વખતે મને ભારે ખોટું લાગ્યું હતું. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે કંઈક એવું કરીને બતાવવું કે જેથી હું શું છું તે આમને ખબર પડે."
આજે શૈલજા પાઈક શું છે તે દુનિયા આખી જોઈ રહી છે.
આ પણ વાંચોઃ વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Arvindઅશ્લીલ એડ બંધ કરો
-
Amitઆપણે પ્રદર્શિત કરેલ લેખ માં વચ્ચે અશ્લીલ એડ આવે છે તેને બંધ કરો જેથી અમે વધુ લોકો સુધી આપના લેખને પહોંચાડીએ.