જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો તો પિતા-પુત્ર પાસે બધાં ટોઈલેટ સાફ કરાવ્યા

એક દલિત પિતા-પુત્રને પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલ જાતિવાદીઓએ 4 કલાક ટોઈલેટમાં બંધ કરી દીધાં, 5 હજાર દંડ કર્યો અને શૌચાલય સાફ કરાવ્યા

જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો તો પિતા-પુત્ર પાસે બધાં ટોઈલેટ સાફ કરાવ્યા
image credit - Google images

જાતિવાદનું ઝેર કેટલું ભયંકર હોય છે તે કોઈ વ્યક્તિને તમે માત્ર કહીને સંભળાવી ન શકો. એ તો જેણે વેઠ્યું હોય તેને જ ખબર પડે કે તે કેટલું પીડાજનક હોય છે. દુનિયાના અન્ય દેશો જ્યાં ટેકનોલોજી થકી વધુને વધુ પ્રગતિ સાધી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભારત જાતિવાદની ગર્તામાં વધુને વધુ ધકેલાતો જાય છે. અનેક એવી ઘટનાઓ બને છે જેમાં તદ્દન સામાન્ય બાબતમાં જાતિવાદી તત્વો દલિત સમાજની વ્યક્તિને હડધૂત કરે છે, માર મારે છે અને ખૂન કરવા સુધીની હદે જતા રહે છે. મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મે તેમના મનમાં દલિતો પ્રત્યે એ હદે નફરત અને ધૃણા ભરી દીધી છે કે તેમને કાયદો વ્યવસ્થાનો પણ ડર નથી. આવી જ એક બર્બરતાપૂર્ણ ઘટનાની અહીં વાત કરવી છે.

જાહેર શૌચાલય શબ્દ સ્વયં સ્પષ્ટ કરે છે કે તે સૌ કોઈ માટે છે. પણ એક ગામમાં તેનો ઉપયોગ કરવા બદલ એક દલિત પિતા-પુત્રને જાતિવાદી તત્વોએ તાલીબાની સજા આપી. પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલ તેમણે આ પિતા-પુત્રને કલાકો સુધી ટોઈલેટમાં પુરી દીધાં. એ પછી તેમની પાસે શૌચાલયની સફાઈ કરાવડાવી અને ઉપરથી રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો. ગંભીર બાબત એ છે કે ગામના સરપંચ અને સભ્યોએ મળીને દલિત યુવકને ઢોર માર માર્યો હતો, જેના કારણે પુત્રની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. માર એટલો ગંભીર છે કે યુવક ફરી એ આંખે કદાચ જોઈ નહીં શકે.

મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં કુશીનગર જિલ્લામાં એક દલિત યુવકને ગામના પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલે સરપંચ અને સભ્યોએ મળીને તાલીબાની સજા કરી છે. પહેલા તો આ લોકોએ યુવકને ટોઈલેટમાં જ કલાકો સુધી પુરી રાખ્યો. એ પછી તેના પિતાને બોલાવ્યા અને બંને પાસે બધાં ટોઈલેટની સફાઈ કરાવડાવી. આટલેથી તેમનું મન ન ભરાયું તો યુવકને તેના પિતાની સામે જ ઢોર માર માર્યો, જેમાં યુવકની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. વાત આટલેથી અટકતી નથી, એ પછી જાતિવાદી તત્વોએ આ પિતાપુત્રને રૂ. 5000 દંડ ફટકાર્યો. આ ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા ગામના દલિતો અને પીડિત પિતાપુત્રે મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો: રેશનાલિસ્ટોની મહેનત ફળીઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદના સ્મશાનમાં 4000થી વધુ બહુજનો ઉમટી પડ્યાં

ઘટના કુશીનગર જિલ્લાના ચૌરા ખાસ પોલીસ સ્ટેશનના કોટવા કરજહી ગામની છે. અહીં ગામના સરપંચ સુરેન્દ્ર કુશવાહા અને તેના સાથી સભ્યોએ એક દલિત પિતા-પુત્ર પર એ હદે અમાનવીય વર્તન કર્યું છે જે સાંભળીને આપણી આંખો ભરાઈ આવે. યુવકનું નામ પ્રેમ પ્રસાદ છે અને તેના પિતાનું નામ ભગન પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. સરપંચ સુરેન્દ્ર કુશવાહા અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યોએ તેમને એ હદે ટોર્ચર કર્યા છે જેની કલ્પના કરતા પણ આપણને કંપારી છુટી જાય. ભગન પ્રસાદના પુત્ર પ્રેમપ્રસાદે ગામના પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. જેની જાણ સરપંચ સુરેન્દ્ર કુશવાહાને થતા તે સભ્યો સાથે અહીં પહોંચી ગયો હતો. એ પછી તેણે પ્રેમપ્રસાદને કલાકો સુધી ટોઈલેટમાં બંધ કરી દીધો હતો અને તેના પિતા ભગન પ્રસાદને બોલાવીને બંને પાસે બધાં ટોઈલેટ સાફ કરાવ્યા હતા. એટલું જ નહીં, પ્રેમપ્રસાદને પિતાની સામે જ ઢોર માર માર્યો, જેના કારણે તેની એક આંખ ફૂટી ગઈ હોવાનું કહેવાય છે. ત્યારબાદ આ જાતિવાદી સરપંચે આ પિતાપુત્રને રૂ. 5000 દંડ ફટકાર્યો હતો.

આ મામલે ભગન પ્રસાદ કહે છે, "મારો દીકરો પ્રેમપ્રસાદ આમ તો મોટાભાગે ઘરે જ બનેલા ટોઈલેટનો ઉપયોગ કરે છે. ક્યારેક કે ખુલ્લામાં શૌચ જવા માટે જાય છે. પરંતુ 15 જુલાઈની વહેલી સવારે 7 વાગ્યે તે કોઈ કામથી ગામની બહાર નીકળ્યો હતો ત્યારે તેણે ગામની બહાર બનેલા પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. એ દરમિયાન ખખડધજ ટોઈલેટનો દરવાજો અચાનક તેના પર પડ્યો. જેની જાણ ગામના કોઈ માણસે સરપંચ સુરેન્દ્ર કુશવાહાને કરી દીધી."

ભગન પ્રસાદ આગળ કહે છે, "એ પછી સુરેન્દ્ર પંચાયતના અન્ય સભ્યોની સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને પ્રેમપ્રસાદને ટોઈલેટમાં બંધ કરીને તાળું મારી દીધું હતું. આ રીતે તેને 4 કલાક સુધી અંદર પુરી રાખ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રેમપ્રસાદને ટોઈલેટમાં પુરી દેવામાં આવ્યો છે."

સરપંચ સુરેન્દ્ર કુશવાહાએ પ્રેમ પ્રસાદના પિતા ભગન પ્રસાદને સ્થળ પર બોલાવ્યા હતા અને તેમને બધાંની વચ્ચે ભારે અપમાનિત કર્યા હતા. એ પછી તૂટેલા દરવાજા માટે રૂ. 15000 દંડ માંગ્યો હતો. પ્રેમ પ્રસાદના પિતા ભગન પ્રસાદ આટલી મોટી રકમ ભરી શકવા સક્ષમ નહોતા. એ પછી રૂ. 5000 દંડ ભરવાનું નક્કી થયું હતું.

સરપંચ સુરેન્દ્ર કુશવાહાએ પ્રેમ પ્રસાદને તેના પિતાની સામે જ ઢોર માર માર્યો હતો. જેના કારણે તેની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. કહેવાય છે કે, તેની એક આંખ ફૂટી ગઈ છે અને તે કદાચ ફરીથી જોઈ નહીં શકે.

ભગન પ્રસાદનો આરોપ છે કે, સુરેન્દ્ર કુશવાહાએ તેમની બંને પાસે પબ્લિક ટોઈલેટની સફાઈ પણ કરાવી હતી, જેના કારણે તેમણે બધાંની વચ્ચે અપમાનિત થવું પડ્યું હતું. આ મામલે પીડિત પિતા-પુત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પણ સરપંચની દાદાગીરી અને પોલીસ સુધીની તેની પહોંચને કારણે આખો મામલો દબાઈ ગયો હતો. પીડિત પિતાપુત્ર પર પોલીસે દબાણ કર્યું અને સરપંચે સાદા કાગળ પર અંગૂઠો મરાવીને સમાધાન કરાવી લીધું છે. હવે પિતાપુત્રે કુશીનગર એસપીને પણ ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં સીધીકાંડ જેવી ઘટનાઃ 6 લોકોએ દલિત યુવકને માર મારી માથે પેશાબ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.