દલિત યુવકને બ્રિટનની Lancaster Uni.માં એડમિશન મળ્યું, પણ પૈસા નથી
હોંશીયાર દલિત યુવકને બ્રિટનની લેન્કેસ્ટર યુનિ.માં પીએડી માટે એડમિશન મળ્યું છે, પરંતુ રૂપિયા નથી. હવે સરકાર મદદ કરે તેના પર તેનું સપનું ટકેલું છે.
દલિત-બહુજન સમાજમાં એવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં હોંશિયાર વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી પૈસા ન હોવાથી મહત્વની તકો છોડવી પડતી હોય. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક દલિત યુવક લંડનની વિખ્યાત લેન્કેસ્ટર યુનિ.માં પીએચડીમાં પસંદગી પામ્યો છે, પણ તેની પાસે એટલા પૈસા નથી કે તે ત્યાં ભણવા જઈ શકે.
ઘટના આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના યેર્રાગોંડા પાલેમ ગામના રહેવાસી જોસેફ આનંદ પોલ સાંદ્રાપતિની છે. તેણે યુકેની યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટરમાં પીએચડી કરવા માટે નાણાકીય સહાય માટે રાજ્ય સરકારને અપીલ કરી છે. આર્થિક રીતે નબળા દલિત પરિવારમાંથી આવતો, સાંદ્રાપતિ તેના પરિવારના પહેલો વ્યક્તિ છે જેણે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણે હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. હવે તેણે યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટરમાં પીએચડી માટે પસંદગી પામીને એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
સાન્દ્રાપતિનો પરિવાર અત્યંત ગરીબીમાં જીવે છે, જ્યાં નાણાભીડ કાયમ તેમના સપનાને ચકનાચૂર કરી નાખવા તૈયાર હોય છે. સાન્દ્રાપતિએ તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા માટે તમામ નાણાકીય અવરોધોને પાર કર્યા હતા અને હવે પીએચડી માટે પસંદગી પામ્યો છે, જે તેના અને તેના પરિવાર માટે ગર્વની વાત છે. પરંતુ આર્થિક સમસ્યાઓને કારણે આ સફર તેમના માટે ખૂબ જ પડકારરૂપ બની ગઈ છે. પીએચડી માટે યુકે જવાનો સંપૂર્ણ ખર્ચ, જેમાં ટ્યુશન ફી અને રહેવાના ખર્ચનો સમાવેશ થાય છે, તે તેના પરિવારને પોસાય તેમ નથી.
સાન્દ્રાતિનું સંશોધન "વસાહતી આંધ્રમાં સ્વચ્છતાનો ઇતિહાસ 1858-1947" વિષય પર છે, જે આંધ્ર પ્રદેશમાં જાહેર આરોગ્યના ઐતિહાસિક સંદર્ભને ઉજાગર કરશે. આ અભ્યાસ વસાહતી સમયગાળા દરમિયાન બ્રિટિશ પશ્ચિમી ચિકિત્સા અને સ્વદેશી તબીબી પદ્ધતિઓ વચ્ચેના સંબંધમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંશોધનનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે તે સમયગાળા દરમિયાન રોગચાળા અને રોગોનું મેનેજમેન્ટ કેવી રીતે થયું અને સ્વદેશી સમાજે જાહેર આરોગ્યને લઈને કેવા પ્રયત્નો કર્યા.
આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા
સાન્દ્રાપતિનું સંશોધન આંધ્ર પ્રદેશ સરકારની વર્તમાન કલ્યાણકારી યોજનાઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે રાજ્યની જાહેર આરોગ્ય અને સ્વચ્છતા નીતિઓની ઐતિહાસિક ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે.
પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં સંદ્રાપતિ લખે છે, "હું માનનીય શિક્ષામંત્રી નારા લોકેશ ગરુને આગ્રહ કરું છું કે, તેઓ આંધ્રપ્રદેશ સરકારની ઓવરસીઝ સ્કોલરશીપ યોજના અંતર્ગત મને આર્થિક મદદ કરે. જેથી હું મારું પીએચડી કરવાનું સપનું સાકાર કરી શકું. આ શિષ્યવૃત્તિ મારા જેવા ગરીબ દલિત વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન છે, જે અમને આર્થિક સંકટમાંથી બહાર આવવા અને ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરવાની તક આપે છે."
સાંદ્રપતિ આગળ લખે છે, યુનિવર્સિટીએ તેને એક મહિના કરતા પણ ઓછો સમય આપ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશ સરકાર તરફથી ઓફિશ્યિલ મદદનો પત્ર સબમિટ કરવાનો છે, જે તેની ટ્યુશન ફી અને રહેવાના ખર્ચને આવરી લેશે. આ સરકારી મદદ વિના તેના માટે પીએચડી કરવું અશક્ય છે.
જોસેફની આ કહાની માત્ર તેનો વ્યક્તિગત સંઘર્ષ નથી, પરંતુ તે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ કહાની એવા તમામ વિદ્યાર્થીઓની છે જેઓ મુશ્કેલીઓ છતાં પણ પોતાના સપના પૂરા કરવાની હિંમત ધરાવે છે. સરકારી સહાય જોસેફને શિક્ષણ મેળવવામાં તો મદદરૂપ થશે જ, પરંતુ તેના જેવા અસંખ્ય વિદ્યાર્થીઓ માટે તે આશાનું કિરણ પણ બનશે.
જોસેફની અપીલે એક મહત્વપૂર્ણ મુદ્દાને ઉજાગર કર્યો છે. તે એ કે, આર્થિક રીતે નબળા અને વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા સંવેદનશીલ અને ત્વરિત પગલાં માત્ર જોસેફ માટે જ નહીં, પરંતુ તેના સમાજ માટે પણ નવી શક્યતાઓના દરવાજા ખોલી શકે છે.
જોસેફ કહે છે, "પીએચડીની ડિગ્રી મેળવવી એ તેના માટે માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે તેના રાજ્ય અને સમાજ માટે કંઈક ઉપયોગી ફાળો આપવાની સુવર્ણ તક પણ છે. હવે જોસેફ સાંદ્રાપતિની તમામ આશાઓ આંધ્ર પ્રદેશ સરકારની સહાનુભૂતિ અને તાત્કાલિક સહાય પર ટકેલી છે, જે તેમના સ્વપ્નને સાકાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો: JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે