"દલિત થઈને અમારી સાથે બેસવું છે?" કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા

MP News : દલિત યુવકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કર્યો પણ પોલીસે બે દિવસ સુધી એફઆઈઆર ન નોંધી. હવે એસપી સુધી મામલો પહોંચ્યો છે.

"દલિત થઈને અમારી સાથે બેસવું છે?" કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા
image credit - Google images

casteist elements beat up a dalit youth for sitting on a bike : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતને લઈને માઠું લાગી જાય કે અભડાઈ જવાની માનસિકતા ઘૂસી જાય કળી શકાય તેમ નથી હોતું. એટલે જ સાવ સામાન્ય બાબતને લઈને પણ દલિતો પર હુમલાના બનાવો બનતા રહે છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ માર મારતા તેના દાંત તોડી નાખ્યા હતા. આ મામલે દલિત યુવક બે દિવસ સુધી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પણ પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. આખરે તેણે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ નોંધવામાં મદદ કરવા વિનંતી કરી છે.

મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારની ઘટના
મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં છત્તરપુર જિલ્લામાં એક દલિત યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. સવર્ણ જ્ઞાતિના વ્યક્તિ સાથે બાઇક પર જતાં યુવક પર આરોપીઓએ હુમલો કર્યો હતો. માર મારવાથી દલિત યુવકનો દાંત તૂટી ગયો છે અને તેના શરીર પર ઈજાઓ થઈ છે. યુવકે પોલીસ અધિક્ષકને ન્યાય માટે અરજી કરતા હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દલિત યુવકને બાઈક પર બેસવા પર માર માર્યો
ઘટના મલહરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દલિત યુવકને એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તે ઉચ્ચ જાતિની વ્યક્તિ સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તે જેની સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો તેના મોટા ભાઈએ જ તેની સાથે મારામારી કરી હતી. યુવકને માર મારવાનું એકમાત્ર કારણ તેની દલિત જાતિ હતી. યુવક દલિતોની વંશકર જાતિનો છે અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના છે. આ મારામારીમાં દલિત યુવકનો આગળનો એક દાંત પણ તૂટી ગયો હતો અને તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે.

હાથમાં સોઈ સાથે યુવક એસપી કચેરીએ પહોંચ્યો
પીડિત યુવક જ્યારે ફરિયાદ કરવા એસપી ઓફિસ પહોંચ્યો ત્યારે તેના હાથમાં દવાખાનામાંથી નાખવામાં આવેલી સોય હતી. તેણે જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. તે તેના માતા-પિતા અને પત્ની સાથે એસપી ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.

મામલો શું છે?
દલિત યુવક ખેમચંદ્ર વંશકરનું કહેવું છે કે 9 નવેમ્બરના રોજ તે હીરાપુર બેંકમાંથી પાસબુક લઈને તેના ગામ કેલાઈ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને જીતેન્દ્ર પાઠકને મળ્યો હતો. તેણે તેને લિફ્ટ આપી પરંતુ રસ્તામાં જિતેન્દ્રના મોટા ભાઈને કોઈએ જાણ કરી કે તે મારી સાથે છે. આ પછી તેના મોટા ભાઈએ મને રસ્તામાં રોકી અને "તું નીચી જાતિનો છે, તું મારા ભાઈ સાથે બાઇક પર બેસીને કેમ જાય છે, તારી હિંમત કેવી રીતે થઈ?" એમ કહીને માર માર્યો હતો.

બંદૂકની ખૂંધથી માર મારતા દાંત તૂટી ગયા
દલિત યુવક ખેમચંદે જણાવ્યું કે આરોપી બંટી પાઠક સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. તે તમામ લોકોએ મળીને મને લાકડી-દંડા વડે માર માર્યો અને બંદૂકની ખૂંધ મારા મોં પર મારી દીધી હતી, જેના કારણે મારા બેં દાત તૂટી ગયા છે.

પોલીસે ફરિયાદ ન લેતા એસપી કચેરીએ પહોંચ્યો
ચોંકાવનારી વાત એ છે કે બે દિવસ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ખેમચંદની ફરિયાદ નોંધવામાં આવી નહોતી.ત્યારબાદ તે પરિવાર સાથે છતરપુર એસપી ઓફિસ પહોંચ્યો હતો. તેણે એસપી અગમ જૈનને મદદ માટે અપીલ કરી હતી. એ પછી એસપીએ તાત્કાલિક અસરથી અરજીની તપાસનો આદેશ આપ્યો હતો અને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું.

દરેક પાસાની તપાસ કરવામાં આવશે
આ મામલે વધુ માહિતી આપતા એસપી આગમ જૈને જણાવ્યું હતું કે, કે બડા મલહરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મામલો અકસ્માતનો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ યુવકે ફરિયાદ કરી હોવાથી દરેક પાસાઓની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એસસી-એસટીના હકના કરોડો રુપિયા ગાયો માટે ફાળવી દીધાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.